Business

નેતૃત્વની કટોકટીમાંથી પસાર થતા થાઇલેન્ડ માટે આ સમય અગ્નિપરીક્ષાનો છે

થાઇલેન્ડમાંથી આવતા સમાચાર ચિંતાજનક છે. ત્યાંના વડા પ્રધાન પેટોંગટાર્નશિનાવાત્રાને ભૂતપૂર્વ કંબોડિયન વડા પ્રધાન હુનસેન સાથે થયેલ ફોન કોલની વિગતો લીક થયા બાદ દેશની બંધારણીય અદાલતે સસ્પેન્ડ કરી દીધા હતા. ૩૬ ધારાસભ્યો દ્વારા રજૂ કરાયેલા આ કેસમાં વડા પ્રધાન પર દેશોના સૈનિકો વચ્ચે સરહદી વિવાદને ઉકેલવાનો પ્રયાસ કરતી વખતે કંબોડિયન નેતાને ‘અંકલ’ તરીકે ઓળખાવીને તેમના પ્રત્યે દયાળુ અને આદરપૂર્ણ વલણ અપનાવવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. આ ઘટનાને કારણે થાઇલેન્ડના શાસક ગઠબંધનના સૌથી મોટા ભાગીદારે પોતાનો ટેકો પાછો ખેંચી લીધો અને વડા પ્રધાનના રાજીનામાની માંગણી કરતાં વિરોધ પ્રદર્શનો શરૂ થયાં.

વાતચીતની વિગતો જોઈએ તો ૨૮ મેના રોજ થયેલ સરહદી અથડામણમાં કંબોડિયન સૈનિકના મૃત્યુથી થયેલા વિરોધને રોકવાના મુદ્દા સાથે વાતચીત શરૂ થઈ. હુનસેન દ્વારા જારી કરાયેલી વિગતોમાં ૧૭ મિનિટની વાતચીત દરમિયાન, શિનાવાત્રાએ સરહદની દેખરેખ રાખતા  થાઈ લશ્કરી જનરલનો ઉલ્લેખ ‘વિરોધી’ તરીકે કર્યો હતો. સરહદી ઝઘડાઓનો ઇતિહાસ ધરાવતા થાઇલેન્ડમાં સૈન્યનો નોંધપાત્ર પ્રભાવ છે ત્યારે  આ નિવેદન સૈનિકોનું અપમાન માનવામાં આવે છે. કોર્ટે વડા પ્રધાન શિનાવાત્રા સામેના આક્ષેપોની ચકાસણી થાય ત્યાં સુધી વડા પ્રધાન તરીકે સસ્પેન્ડ કર્યા છે. વડા પ્રધાનના સસ્પેન્શન ગાળા દરમિયાન નાયબ વડા પ્રધાન સૂર્યાઝુંગારુ વચગાળાની વ્યવસ્થા તરીકે ચાલુ રહેશે.

જે દેશમાં મિલિટરીનો ભારે દબદબો છે, તેવા થાઇલેન્ડના આર્મી કમાન્ડર ઉપર આ પ્રમાણે આક્ષેપ કરીને થાઈ વડા પ્રધાને લક્ષ્મણરેખા ઓળંગી હતી. જો કે ત્યાર બાદ થાઈ વડા પ્રધાને માફી માગી હતી અને કહ્યું હતું કે, આ આખીય વાત મંત્રણાઓને યોગ્ય રસ્તે દોરવા માટેની એમની વ્યૂહરચનાથી વિશેષ કાંઈ જ નહોતું. સત્તા સંભાળ્યાના દસ મહિનામાં જ શિનાવાત્રા સામે ઊભી થયેલી આ કટોકટીથી તેમની ફ્યૂથાઈ પાર્ટી સામે જોખમ ઊભું થયું છે. જો કે આ આખોય કિસ્સો થાઇલેન્ડની બંધારણીય કોર્ટ દ્વારા એની લોકશાહી ઉ૫૨ કેવો અસરકારક કાબૂ ધરાવવામાં આવે છે એનું ઉદાહરણ પૂરું પાડે છે.

થાઇલેન્ડ પાસેના વિકલ્પો ઘટી રહ્યા છે. જો તેઓ શિનાવાત્રાને કાયમી ધોરણે ગેરલાયક ઠેરવશે તો એક વિકટ પરિસ્થિતિ આકાર લેશે. શિનાવાત્રાને એના હોદ્દા પરથી દૂર કરવામાં આવે તો થાઇલેન્ડમાં કયા પ્રકારની રાજકીય કટોકટી આકાર લેશે તે કળવું મુશ્કેલ છે. શિનાવાત્રા થાઇલેન્ડના અત્યાર સુધીના સૌથી યુવાન વડા પ્રધાન છે. હાલની પરિસ્થિતિ જોઈએ તો થાઇલેન્ડની અર્થવ્યવસ્થા લગભગ ખાડે ગઈ છે અને શિનાવાત્રાની સરકાર એને પુનઃ ધબકતી કરવા માટે મથામણ કરી રહી હતી. દરમિયાનમાં શિનાવાત્રાની લોકચાહના પણ ઘટી રહી હોવાનું જણાયું છે. તાજેતરમાં થાઇલેન્ડમાં હાથ ધરાયેલ ઓપિનિયન પૉલ પ્રમાણે શિનાવાત્રાનું સ્વીકૃતિ રેટિંગ જે માર્ચ મહિનામાં ૩૦.૯ ટકા હતું તે ઘટીને માત્ર ૯.૨ ટકા થઈ ગયું છે.

શિનાવાત્રાના પિતા અબજોપતિ થાકસીન ૭૫ વર્ષના છે અને તેઓ પણ કેટલાક કાયદાકીય અવરોધોનો સામનો કરી રહ્યા છે. એમના સામે થાઇલેન્ડના શક્તિશાળી રાજકુટુંબનું અપમાન કરવાનો આક્ષેપ છે, જે બદલ તેઓ ગુનેગાર ઠરે તો ૧૫ વર્ષ સુધીની સજા થઈ શકે તેમ છે. થાઇલેન્ડનું રાજકારણ વર્ષોથી બે જૂથમાં વહેંચાયેલું છે, એમાંનું એક રૂઢિચુસ્ત (મિલિટરીતરફી, રાજવંશતરફી) અને સામે રૂઢિગત સમાજજીવન વિરુદ્ધનું શિનાવાત્રા કુટુંબ.

થાઇલેન્ડ અત્યારે આર્થિક કટોકટી મુદ્દે તેમજ કંબોડિયાની સરહદે તણાવને મુદ્દે જે પ્રકારની પરિસ્થિતિનો સામનો કરી રહ્યું છે તે જોતાં થાઇલેન્ડમાં સ્થિર, મજબૂત અને લોકપ્રિય સરકાર હોય તે જરૂરી છે. પાકિસ્તાનની મુલાકાત દરમિયાન શ્રી લાલકૃષ્ણ અડવાણી ઝીણાની મજાર પર ગયા,ફૂલો ચઢાવ્યાં અને જે કંઈ ઉચ્ચારણો કર્યાં તે બદલ તેઓ એક દિવસ ભારતના વડા પ્રધાન બનશે એવી શક્યતાઓ સંપૂર્ણ નિર્મૂળ થઈ ગઈ. કાંઈક એવો જ દાખલો શિનાવાત્રાના કેસમાં બન્યો છે એવું લાગે છે. જ્યારે સબળ નેતૃત્વની જરૂર છે ત્યારે નેતૃત્વની કસોટીમાંથી પસાર થતા થાઇલેન્ડ માટે આ સમય અગ્નિપરીક્ષાનો છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top