આંધ્રપ્રદેશના તિરુપતિ શહેરથી ગતરોજ રવિવારે સાંજે હૈદરાબાદ માટે જતી થયેલી ઇન્ડિગો એરલાઇન્સની એક ફ્લાઇટમાં ટેકનિકલ ખામી સર્જાતા અચાનક ઇમરજન્સી લેન્ડિંગ કરાવવું પડ્યું. વિમાન તિરુપતિ એરપોર્ટ પરથી ઉડાન ભર્યા પછી લગભગ 40 મિનિટ સુધી આકાશમાં ફરતું રહ્યું અને પછી તાત્કાલિક તિરુપતિ એરપોર્ટ પર પરત ફરવું પડ્યું હતું. પ્લેનમાં બેઠેલા મુસાફરોમાં દહેશત ફેલાઈ હતી, જોકે કોઈ જાનહાનીની નોંધ થઈ નથી.
વિમાન એરબસ A321neo ટાઈપનું હતું, જેને રવિવારે સાંજે 7:42 વાગ્યે તિરુપતિ એરપોર્ટથી હૈદરાબાદ માટે ટેકઓફ કરાવાયું હતું.
એર ટ્રાફિક ટ્રેકિંગ વેબસાઇટ Flightradar24એ જણાવ્યું હતું કે પ્લેનને રાત્રે 8:34 વાગ્યે તિરુપતિમાં પાછું લેન્ડ કરાવાયું હતું. ટેકનિકલ ખામીની વિગતો હાલ જાહેર કરવામાં આવી નથી, પરંતુ ટેકનિકલ ટીમ દ્રારા તપાસ ચાલુ છે.
વિમાનની આ અકસ્માતી પરિસ્થિતિથી મુસાફરો બેચેન અને ભયભીત થઈ ગયા હતા. કેટલીક સેકંડો માટે વિમાનમા અસ્થિરતા અનુભવાતા મુસાફરો ડરી ગયા હતા. જો કે પાઈલટની સાવચેતી અને એર ટ્રાફિક કંટ્રોલની મદદથી વિમાનને સુરક્ષિત રીતે નીચે ઉતારવામાં આવ્યું.
ઇન્ડિગોની વેબસાઇટ પર દર્શાવાયું હતું કે ફ્લાઈટ સાંજે 7:20 વાગ્યે તિરુપતિથી ઉડાન ભરી હતી અને હૈદરાબાદ માટે 8:30 વાગ્યે પહોંચી હતી. પણ વાસ્તવમાં આ ફ્લાઇટ તિરુપતિથી હૈદરાબાદ પહોંચી જ શકી નહીં અને રદ કરાઈ ગઈ હતી. ફ્લાઇટ રદ થવાથી મુસાફરોમાં નારાજગીનો માહોલ સર્જાયો હતો.
ઘણા મુસાફરો સોશિયલ મીડિયામાં વીડિયો પોસ્ટ કરીને ઇન્ડિગો સ્ટાફ સામે ગુસ્સો વ્યક્ત કરતા જોવા મળ્યા હતા. તો કેટલાક વીડિયોમાં મુસાફરો સ્ટાફ સાથે તીવ્ર બોલાચાલી કરતા અને વિમાની વ્યવસ્થાઓ સામે સવાલ ઉઠાવતા નજરે પડ્યા હતા. હમણાં સુધી ઇન્ડિગો તરફથી આ ઘટના અંગે કોઈ ઔપચારિક નિવેદન આપવામાં આવ્યું નથી.
એરલાઈન્સના આંતરિક સૂત્રોએ માત્ર એ જણાવ્યું કે મુસાફરોની સુરક્ષા તેમના માટે પ્રથમ પ્રાથમિકતા છે અને તેઓ સમગ્ર ઘટનાની વિસ્તૃત તપાસ કરશે.