Editorial

ભારતના EFTA સાથે કરારથી અર્થતંત્રને લાભની આશા

વિશ્વમાં આજકાલ વેપાર કરારોની મોસમ ચાલી રહી છે. ભારત અને યુકે વચ્ચે મુક્ત વેપાર કરાર થયા, અમેરિકા સાથે વચગાળાના વેપાર કરારની વાતો ચાલી રહી છે તે વચ્ચે ભારત અને યુરોપના ચાર દેશોના વેપારી સહકાર સંગઠન એફટા વચ્ચે મુક્ત વેપાર કરાર થયા છે. શુક્રવારે અહેવાલ આવ્યા કે સ્વિટ્ઝર્લેન્ડે આખરે ભારત અને યુરોપિયન ફ્રી ટ્રેડ એસોસિએશન (EFTA) વચ્ચેના સીમાચિહ્નરૂપ વેપાર કરાર માટે બહાલી પ્રક્રિયા પૂર્ણ કરી છે જે વેપાર અવરોધો ઘટાડશે અને સ્વિસ નિકાસ માટે ભારતીય બજારને નોંધપાત્ર રીતે ખુલ્લું કરશે.

સ્વિટ્ઝર્લેન્ડે આ કરારને બહાલી આપી તે સાથે ભારત અને એફટા વચ્ચે મુક્ત વેપાર કરાર ઓકટોબરથી અમલમાં આવવા માટેનો તખ્તો ગોઠવાઇ ગયો છે. EFTA એટલે યુરોપિયન ફ્રી ટ્રેડ એસોસિએશન. તે એક પ્રાદેશિક વેપાર સંગઠન અને મુક્ત વેપાર ક્ષેત્ર છે જેમાં ચાર યુરોપિયન દેશોનો સમાવેશ થાય છે: આઇસલેન્ડ, લિક્ટેંસ્ટાઇન, નોર્વે અને સ્વિટ્ઝર્લૅન્ડ. EFTA ની સ્થાપના યુરોપ અને વૈશ્વિક સ્તરે તેના સભ્ય દેશો વચ્ચે મુક્ત વેપાર અને આર્થિક એકીકરણને પ્રોત્સાહન આપવા માટે કરવામાં આવી હતી.

EFTA ની સ્થાપના 1960 માં સાત દેશો દ્વારા કરવામાં આવી હતી, પરંતુ સમય જતાં, કેટલાક સભ્યો યુરોપિયન યુનિયન (EU) માં જોડાયા, જેના કારણે આઇસલેન્ડ, લિક્ટેંસ્ટાઇન, નોર્વે અને સ્વિટ્ઝર્લૅન્ડ બાકીના સભ્યો તરીકે રહ્યા. જ્યારે EFTA અને EU અલગ અલગ સંસ્થાઓ છે, ત્યારે ખાસ કરીને યુરોપિયન ઇકોનોમિક એરિયા (EEA) દ્વારા ગાઢ સંબંધ છે, જેમાં આઇસલેન્ડ, લિક્ટેંસ્ટાઇન અને નોર્વેનો સમાવેશ થાય છે. આમ જોવા જાવ તો એફટા એ ચાર યુરોપિયન દેશોનું એક નાનુ સંગઠન છે અને આ સંગઠન સાથે ભારતનો મુક્ત વેપાર કરાર થયો છે. આ કરાર સાથે હવે આ દેશો ભારતમાં વિના અવરોધે કે ઓછા અવરોધે અને ભારત આ દેશોમાં એ રીતે જ નિકાસો કરી શકશે.

ભારત અને એફટા વચ્ચે મુક્ત વેપાર કરાર થયા તે ઓકટોબરથી અમલમાં લાવવાની યોજના છે. ભારતમાં સ્વિસ રાજદૂત માયા તિસાફીએ સ્વિટ્ઝર્લેન્ડ દ્વારા વેપાર કરારને બહાલી આપવાને નવી દિલ્હી સાથેના તેમના દેશના દ્વિપક્ષીય સંબંધોમાં મહત્વપૂર્ણ સીમાચિહ્ન ગણાવ્યું હતું. રાજદૂતે જણાવ્યું હતું કે વેપાર અને આર્થિક ભાગીદારી કરાર (TEPA) ઓક્ટોબરમાં અમલમાં આવવાની અપેક્ષા છે.

મેગા ટ્રેડ કરાર હેઠળ, આઇસલેન્ડ, લિક્ટેંસ્ટાઇન, નોર્વે અને સ્વિટ્ઝર્લેન્ડ જેવા EFTA દેશો આગામી ૧૫ વર્ષમાં ભારતમાં ૧૦૦ અબજ ડોલરનું રોકાણ કરવા વિચારી રહ્યા છે. આઇસલેન્ડ, લિક્ટેંસ્ટાઇન અને નોર્વે પહેલાથી જ વેપાર કરારને બહાલી આપી ચૂક્યા છે. માર્ચમાં, ચાર દેશોના યુરોપિયન જૂથે લગભગ ૧૬ વર્ષની વાટાઘાટો પછી ભારત સાથે TEPA પર હસ્તાક્ષર કર્યા હતા. સ્વિસ કાઉન્સિલ ઓફ સ્ટેટ્સ દ્વારા મંજૂર કરવામાં આવ્યાના સાત મહિનાથી વધુ સમય પછી સ્વિટ્ઝર્લૅન્ડ દ્વારા વેપાર કરારને બહાલી આપવામાં આવી છે.

TEPA આપણા દેશો વચ્ચે લાંબા ગાળાના સહયોગ માટે માર્ગ મોકળો કરે છે. ઘટાડેલા ટેરિફ ઉપરાંત, તે કસ્ટમ પ્રક્રિયાઓને સુવ્યવસ્થિત કરવામાં, બૌદ્ધિક સંપદા સુરક્ષા વધારવામાં અને ટકાઉ વેપાર પ્રથાઓ માટે એક માળખું સ્થાપિત કરવામાં મદદ કરશે એમ તિસાફીએ જણાવ્યુ હતું. સૌથી અગત્યનું, EFTA રાજ્યો 15 વર્ષમાં ભારતમાં USD 100 બિલિયનનું રોકાણ કરશે અને 10 લાખ (10 લાખ) નોકરીઓનું સર્જન કરશે, તેમણે ઉમેર્યું કે આ સામેલ તમામ દેશો માટે વિન-વિનની પરિસ્થિતિ હશે. હાલમાં, સ્વિટ્ઝર્લૅન્ડ ભારતમાં 12મું સૌથી મોટું રોકાણકાર છે. એફટામાં સ્વિર્ત્ઝલેન્ડ એ સૌથી શક્તિશાળી દેશ છે અને તેની સાથેના વેપારી સંબંધો જ ભારત માટે વધુ મહત્વના છે. ભારતમાં સ્વીત્ઝલેન્ડનું રોકાણ એ દેશના અર્થતંત્રને વેગ આપવામાં સારો ફાળો આપી શકે તેવી આશા છે.

TEPA ઓક્ટોબરમાં અમલમાં આવવાની અપેક્ષા છે, જે મહિનાથી આ કરાર અમલમાં આવશે. તિસાફીએ જણાવ્યું હતું કે સ્વિસ સરકારની પ્રાથમિકતા ભારતમાં રોકાણ કરવા માંગતી સ્વિસ કંપનીઓ માટે TEPA ને સફળતાપૂર્વક અમલમાં મૂકવાની રહેશે. ભારતમાં ૩૩૦ થી વધુ સ્વિસ કંપનીઓ એન્જિનિયરિંગ, સેવાઓ, રસાયણો અને ફાર્માસ્યુટિકલ્સ જેવા ક્ષેત્રોમાં હાજર છે, જ્યારે ભારતીય કંપનીઓ સ્વિટ્ઝર્લૅન્ડમાં IT, ફાર્માસ્યુટિકલ્સ અને મશીનરી જેવા ક્ષેત્રોમાં હાજરી ધરાવે છે. TEPA ભારતીય નિકાસકારોને મોટા યુરોપિયન અને વૈશ્વિક બજારોમાં પ્રવેશ મેળવવા માટે એક વિન્ડો પ્રદાન કરશે તેવી અપેક્ષા છે, ઉપરાંત ચાર EFTA દેશોની કંપનીઓને ભારતમાં વ્યવસાયો અને રોકાણનો વિસ્તાર કરવાની મંજૂરી આપશે.

આશા રાખીએ કે બધા પાસાઓનો વિચાર કરીને જ આપણા વેપાર મંત્રાલયે આ કરાર કર્યો હશે. અમેરિકા સાથેના વેપાર કરાર સંબંધમાં વાણિજય મંત્રીએ કહ્યું હતું કે દેશના હિતને સર્વોચ્ચ રાખીને જ વેપાર કરાર કરવામાં આવશે, તે જ બાબત એફટા સાથેના વેપાર કરારમાં પણ ધ્યાનમાં રાખવામાં આવી હશે. એફટના સભ્ય દેશો આ કરાર સાથે ભારતમાં મુક્તપણે પોતાનો માલ ઠાલવી શકશે તેથી સ્થાનિક ઉત્પાદનોના હિતો જોખમાય નહીં તેનો પુરો ખયાલ રાખીને જ આ કરાર કરવામાં આવ્યો હશે. ભારતમાં જો વિદેશી રોકાણ વધવાથી દેશના અર્થતંત્રને લાભ થતો હોય અને સ્થાનિક વેપારીઓ, ખેડૂતો, કર્મચારીઓના હિતો જોખમાતા ન હોય તો એવા વિદેશી રોકાણો અને કરારો આવકાર્ય જ હોય.

Most Popular

To Top