અમરનાથ યાત્રા હાલમાં ખરાબ હવામાન અને ભારે વરસાદને કારણે રોકવામાં આવી છે. અધિકારીઓએ જણાવ્યું છે કે છેલ્લા 36 કલાકથી ખીણમાં મોસમ સતત બગડેલું છે, જેને કારણે પહેલગામ અને બાલતાલ બંને રૂટ પરથી યાત્રા મોકૂફ રાખવી પડી છે. ભારે વરસાદના કારણે નદી નાળા છલકાય ગયા છે. કેટલાયે જિલ્લાઓના અંડરપાસ પાણીમાં ગરકાવ થતા વાહન વ્યવહાર ખોરવાઇ ગયો છે.
ગાંદરબલ જિલ્લામાં બાલતાલ રૂટ પર ભૂસ્ખલન થતા એક મહિલા યાત્રાળુનું દુખદ મૃત્યુ થયું છે અને અન્ય ત્રણ ઘાયલ થયા છે. આ ઘટનાના પગલે તાત્કાલિક કાર્યવાહીમાં યાત્રા પર રોક લગાવવામાં આવી છે અને સંભવિત વિપત્તિઓ ટાળવા માટે યાત્રા બંધ રાખવામાં આવી છે.
કાશ્મીરના ડિવિઝનલ કમિશનર વિજય કુમાર ભિદુડીએ જણાવ્યું હતું કે, યાત્રા માર્ગ પર ઘણી જગ્યાએ રસ્તા ખસીને તૂટી ગયા છે અને કેટલાક ટ્રેક પર તાત્કાલિક સમારકામની જરૂર છે. તેમણે વધુમાં કહ્યું કે, “BRO અને પર્વત બચાવ દળની સહાયથી પંજતારણી કેમ્પમાં અટવાયેલા યાત્રાળુઓને સુરક્ષિત રીતે પાછા લાવવામાં આવી રહ્યા છે.”
બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન (BRO) દ્વારા યાત્રા ફરીથી શરૂ થાય તે માટે મશીનો અને કર્મચારીઓને તૈનાત કરાયા છે. જો હવામાન અનુકૂળ રહેશે તો આવતીકાલથી યાત્રા ફરી શરૂ કરવાની શક્યતા છે.
ઉલ્લેખનીય છે કે, તા.3 જુલાઈથી શરૂ થયેલી યાત્રા દરમિયાન અત્યાર સુધીમાં 2.47 લાખ યાત્રાળુઓએ અમરનાથ ગુફાના દર્શન કર્યા છે. જ્યારે 1.01 લાખ યાત્રાળુઓ જમ્મુ બેઝ કેમ્પથી યાત્રા માટે રવાના થયા છે.
આ વર્ષે કુલ 4 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ ઓનલાઈન નોંધણી કરાવી છે. ગયા વર્ષે 5.10 લાખ યાત્રાળુઓએ આ પવિત્ર સ્થાનની મુલાકાત લીધી હતી.