તા. 12 જૂનના રોજ અમદાવાદથી લંડન ગેટવિક જતી ફ્લાઈટ AI171ની દુર્ઘટના બાદ એર ઈન્ડિયાએ એક મોટો ફેરફાર કર્યો છે. હવે આ રૂટને બંધ કરી, તા.1 ઓગસ્ટથી નવી ફ્લાઈટ સેવા અમદાવાદથી લંડનના હીથ્રો એરપોર્ટ સુધી શરુ થશે. આ ફ્લાઈટ અઠવાડિયામાં ત્રણવાર ઉડાન ભરશે.
એર ઈન્ડિયાએ તેમની ઓફિસિયલ વેબસાઈટ પર આ અંગેની જાહેરાત કરતાં જણાવ્યું કે તા.1 ઓગસ્ટથી 30 સપ્ટેમ્બર, 2025 સુધી આ નવા રૂટ મુજબ ફ્લાઈટ્સ શરુ થશે. અગાઉ AI171 ફ્લાઈટ અમદાવાદથી લંડન ગેટવિક વચ્ચે અઠવાડિયામાં 5 દિવસ ચાલતી હતી. હવે આ ફેરફાર અંતર્ગત આ સેવાઓ હીથ્રો એરપોર્ટ તરફ ટ્રાન્સફર કરવામાં આવી છે.
આ ફેરફાર ફ્લાઈટ્સના ફરી સંચાલન માટે કરવામાં આવી રહ્યા છે. એર ઇન્ડિયાએ જણાવ્યું કે જે મુસાફરો આ ફેરફારથી અસરગ્રસ્ત છે, તેમને સીધો સંપર્ક કરીને વૈકલ્પિક વિકલ્પો આપવામાં આવશે.
મુસાફરો તેમની પસંદગી મુજબ નવી ફ્લાઈટ્સ પર ફરીથી બુકિંગ કરાવી શકે છે કે પછી સંપૂર્ણ રિફંડ મેળવી શકે છે.
મુસાફરોની અસુવિધા માટે એર ઇન્ડિયાએ ખેદ પણ વ્યક્ત કર્યો છે.
હવે એર ઇન્ડિયા દરેક અઠવાડિયે 63 આંતરરાષ્ટ્રીય રૂટ્સ પર કુલ 525થી વધુ ફ્લાઈટ્સ ચલાવે છે, જેમાં ટૂંકા, લાંબા અને અતિ લાંબા અંતરની સેવાઓનો સમાવેશ થાય છે.
17 જૂનના રોજ એર ઇન્ડિયાની 7 આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ રદ કરાઈ હતી: 17 જૂનના રોજ એર ઇન્ડિયાની 7 આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી, જેમાં અમદાવાદ-લંડન, દિલ્હી-પેરિસ, દિલ્હી-વિયેના, લંડન-અમૃતસર, દિલ્હી-દુબઈ, બેંગલુરુ-લંડન ફ્લાઇટ્સનો સમાવેશ થાય છે. આ ઉપરાંત સાન ફ્રાન્સિસ્કોથી મુંબઈ આવતી ફ્લાઇટના મુસાફરોને કોલકાતા એરપોર્ટ પર ઉતારવામાં આવ્યા હતા.