World

લંડનમાં ટેકઓફ બાદ વિમાન ક્રેશ થયું, આગ અને ધુમાડાનો ભયાનક દ્રશ્ય

લંડન શહેરથી લગભગ 45 માઇલ દૂર આવેલ સાઉથેન્ડ એરપોર્ટ પર તા.13જુલાઇ રવિવારના સાંજે એક નાનું બિઝનેસ જેટ વિમાન ટેકઓફ કર્યા પછી થોડી જ સેકન્ડમાં ભીષણ રીતે ક્રેશ થયું. આ દુર્ઘટના સ્થાનિક સમય અનુસાર સાંજે 4 વાગ્યે ઘટી હતી. વિમાન જમીન પર ઊંધું પડતાં જ જબરદસ્ત ધડાકો થયો અને ભારે આગ ફાટી નીકળી હતી, જેના કારણે કાળો ધુમાડો આસમાને છવાઈ ગયો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર, ક્રેશ થયેલું વિમાન બીચક્રાફ્ટ B200 સુપર કિંગ એર મોડલનું હતું અને તે નેધરલેન્ડ્સના લેલીસ્ટેડ તરફ જઈ રહ્યું હતું. વિમાનના ગંતવ્ય સ્થાન વિશે તો માહિતી મળી ગઈ છે, પરંતુ વિમાનમાં કેટલા લોકો સવાર હતા તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી.

પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યા મુજબ, પાઇલટ્સે ટેકઓફ કરતા પહેલા એરપોર્ટ નજીક ઉભેલા બાળકો તરફ હાથ હલાવ્યો હતો. જોન જોહ્ન્સન નામના સાક્ષીએ કહ્યું કે ટેકઓફ બાદ માત્ર ત્રણથી ચાર સેકન્ડમાં વિમાન ડાબી બાજુ નમી ગયું અને જમીન પર ઊંધું પડી ગયું. તેમને કહ્યું કે આ ઘટનાને માત્ર નજરે જોવી પણ હ્રદય દ્રાવક હતી, અચાનક આગનો વિશાળ ગોળો ફાટી નીકળ્યો હતો.

વિમાન લગભગ 12 મીટર લાંબુ હતું અને તે એક ટ્વીન-એન્જિન ટર્બોપ્રોપ એરક્રાફ્ટ છે, જેને ખાસ કરીને ટૂંકા રનવે પર પણ ઊડી શકે તેવા ડિઝાઇન સાથે તૈયાર કરવામાં આવ્યું છે. B200 મોડલમાં બે પ્રેટ એન્ડ વ્હીટની PT6A-42 એન્જિન હોય છે, જે તેને 290 નોટ્સ (અંદાજે 537 કિમી/કલાક)ની ગતિ આપે છે. તે 35,000 ફૂટની ઊંચાઈએ ઉડી શકે છે અને લગભગ 9 મુસાફરો તથા 2 ક્રૂ સભ્યો લઈ જઈ શકે છે.

આ ઘટના બાદ અવરજવર અટકાવવામાં આવી હતી અને રેસ્ક્યુ ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. તપાસ શરૂ કરવામાં આવી છે, જો કે દુર્ઘટનાનું મૂળ કારણ હજુ અસ્પષ્ટ છે.

Most Popular

To Top