Vadodara

મુજપૂર પાસે નવો ટુ લેન હાઇલેવલ પૂલ બનાવવા રૂ. ૨૧૨ કરોડ મંજૂર કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

દુર્ઘટનાગ્રસ્ત પૂલની સમાંતર મહી નદી ઉપર નવેમ્બર ૨૦૨૪માં મંજૂર થયેલો આ નવો પૂલ ૧૮ માસમાં બનાવવા ટેન્ડરિંગ પ્રક્રીયાનો તાબડતોડ આરંભ
******

વડોદરા: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના મુજપૂર પાસે મહી નદી ઉપર નવો ટુ લેન પૂલ બનાવવા માટે માર્ગ અને મકાન વિભાગને નવેમ્બર ૨૦૨૪માં સૈદ્ધાંતિક મંજૂરી આપી હતી. પાદરા અને આંકલાવને જોડતો આ નવો પૂલ ૧૮ માસમાં બનાવવા તાબડતોડ ટેન્ડરિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

દુર્ઘટનાગ્રસ્ત પૂલની સમાંતર બનનારા આ નવા પૂલ માટે માર્ગ અને મકાન વિભાગ દ્વારા તાજેતરમાં સર્વે કરી ડિટેઇલ પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો હતો. જેને ગત નવેમ્બર મહિના માં મુખ્યમંત્રી દ્વારા સૈદ્ધાંતિક મંજૂરી અપાઈ હતી.

એ દરમિયાન અહીં પૂલ તૂટી પડવાની દુર્ઘટના બનતા મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રને પરિવહનથી જોડવા ઉપરાંત સ્થાનિકને રોજગારીના પ્રશ્નો, છાત્રોને આવાગમનના પ્રશ્નો સર્જાયા હતા. તેને ધ્યાને રાખી મુખ્યમંત્રીએ તત્કાલ આ પૂલ બનાવવાની કાર્યવાહી કરવા સૂચના આપી છે.

માર્ગ અને મકાન વિભાગના અધિક્ષક ઇજનેર એન. વી. રાઠવાએ જણાવ્યું કે, મુજપૂર એપ્રોચ રોડ હાલમાં જે ટુ લેન છે, એને ફોર લેન કરી ૭ મિટરનો કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. હાઇવેથી પૂલ સુધી પહોંચવાના ૪.૨ કિલોમિટર માર્ગને ફોર લેન કરવામાં આવશે.

દુર્ઘટનાગ્રસ્ત પૂલની સમાંતર નવો ટુ લેન હાઇલેવલ પૂલ બનાવવામાં આવશે. આ બન્ને કામ માટે મુખ્યમંત્રી દ્વારા રૂ. ૨૧૨ કરોડની વહીવટી મંજૂરી પ્રદાન કરવામાં આવી છે. પૂલ બનાવવાની કામગીરી ૧૮ માસમાં પૂર્ણ કરવામાં આવશે. એના ટેન્ડરિંગ પ્રક્રીયા પણ આરંભી દેવામાં આવી છે.

૦૦૦૦

Most Popular

To Top