National

‘હું મરાઠી નહીં બોલીશ’ પલઘરમાં ભાષાકીય વિવાદે તીવ્ર સ્વરૂપ ધારણ કર્યું, ઓટો ડ્રાઇવરને ટોળાએ માર માર્યો

મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના વિરાર વિસ્તારમાં ભાષાકીય વિવાદે ઘાતક સ્વરૂપ ધારણ કર્યું છે. અહીં એક ઓટો ડ્રાઈવરને માત્ર એટલા માટે માર મારવામાં આવ્યો કે તેણે જાહેરમાં કહ્યું હતું કે “હું મરાઠી નહીં બોલીશ.” આ ઘટનાએ રાજકીય ગરમાવો વધાર્યો છે અને રાજ્યમાં ભાષાકીય હિંસાની ફરી એકવાર ચિંતા ઊભી કરી છે.

વિરારના સ્ટેશન નજીક થયેલી આ ઘટનાનો એક વિડિયો વાઇરલ થયો હતો જેમાં, શિવસેના (ઉદ્ધવ ઠાકરે જૂથ) અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)ના કાર્યકરોનો ટોળો એક ઓટો ડ્રાઇવરને ઘેરીને માર મારતો દેખાયો છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા આ વીડિયોમાં સ્પષ્ટપણે જોવા મળે છે કે કેટલાય લોકો ડ્રાઈવરને ઘેરીને ધક્કા મારતા અને થપ્પડ મારતા નજરે પડે છે. જાણકારી પ્રમાણે, આ વ્યક્તિએ અગાઉ એક વીડિયોમાં જાહેરમાં કહ્યું હતું કે તે મરાઠી નહીં, પરંતુ હિન્દી કે ભોજપુરી બોલશે.

આ નિવેદનના કારણે મનસે અને શિવસેનાના કાર્યકરો ગુસ્સે ભરાઈ ગયા અને ડ્રાઈવરને પકડીને તેને જાહેરમાં માર માર્યો. ઘટનાસ્થળે હાજર શિવસેના (UBT) ના વિરાર શહેર પ્રમુખ ઉદય જાધવે મીડિયાને જણાવ્યું હતું કે, જો કોઈ મહારાષ્ટ્ર, મરાઠી ભાષા કે મરાઠી માનુષનું અપમાન કરે છે, તો શિવસેનાના લોકો જાણે છે કે તેને કેવી રીતે જવાબ આપવો.”

આ ઘટનામાં મહિલાઓ પણ સામેલ હોવાનું સામે આવ્યું છે. ડ્રાઈવરને ભારે અપમાનીત કરવાની સાથે તેને માફી માગવા મજબૂર કરવામાં આવ્યો છે. બીજી તરફ, વિવાદ બાદ હજુ સુધી કોઈ FIR નોંધાઈ નથી. પાલઘર પોલીસના જણાવ્યા મુજબ, ઘટનાનો વીડિયો મેળવવામાં આવ્યો છે અને તપાસ ચાલુ છે.

અગાઉ પણ આવી હિંસાની ઘટનાઓ થઈ ચૂકી છે. તા.1 જુલાઈના રોજ થાણેમાં પણ મનસેના કાર્યકરોએ મરાઠી ન બોલનારા ફૂડ વેન્ડરને માર્યો હતો. રાજ્યમાં ભાષાના આધાર પર હિંસા વધતી હોય તેવું લાગે છે.

Most Popular

To Top