અત્યાર સુધીમાં ૧૮ મૃતદેહો મળ્યા*
*નદીમાં ૯૮%ની સાંદ્રતાવાળા સલ્ફ્યુરિક એસિડ ટેન્કનું જોખમ અને પાણીમાં સોડા એશ ફેલાવાને કારણે સખત બળતરા વચ્ચે ટીમ સતત કાર્યરત*
*નદીમાં સલ્ફ્યુરિક એસિડ ટેન્કનું જોખમ નિષ્ક્રિય કરવા પર અને બ્રિજનો સ્લેબ તોડવાની કામગીરી હાથ ધરાશે*
વડોદરા: પાદરા તાલુકાના મુજપુર-ગંભીરા બ્રિજ પર બનેલી ગંભીર દુર્ઘટનાના ત્રીજા દિવસે બે મૃતદેહો શોધવાની કામગીરી ચાલી રહી છે.
કલેક્ટરે જણાવ્યું હતું કે, પરમ દિવસે જે ગંભીર અકસ્માત થયો તેના અંતર્ગત બચાવ કામગીરી ચાલુ રાખી છે. ખાસ કરીને કાદવની પરિસ્થિતિ અને બ્રિજની સ્થિરતાના પ્રશ્નોને કારણે, ઉપરના ભાગે ક્રેન સુરક્ષિત રીતે કામ કરી રહી છે. આ ઉપરાંત, અંદરના ભાગમાં સોડા એશ ફેલાવાને કારણે પાણીમાં બળતરા અને ખંજવાળની સમસ્યા થઈ રહી છે.
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, સલ્ફ્યુરિક એસિડનું ૯૮% સાંદ્રતા ધરાવતું એક ટેન્કર પણ અંદરના ભાગમાં છે, જેથી તમામ જોખમોને ધ્યાનમાં રાખીને ટીમ કામ કરી રહી છે.
ગઈકાલે રાત્રે ૧૦.૦૦ વાગ્યાની આસપાસ પાણી ભરાઈ ગયા બાદ ઓપરેશન બંધ કરવામાં આવ્યું હતું. ત્યાં સુધીમાં ૧૮ મૃતદેહો મળ્યા હતા. પરમ દિવસે જ્યારે ગુમ થયેલા વ્યક્તિઓની યાદી બનાવી ત્યારે કુલ ૭ લોકો ગુમ હતા. ગઈકાલે સવારે એક વધારાનું લિસ્ટ મળતા કુલ ૮ લોકો ગુમ થયા હતા. આ પૈકી, પરમ દિવસે ૧૨ મૃતદેહો મળ્યા હતા અને ગઈકાલે પણ ૬ મૃતદેહો રિકવર કરવામાં આવ્યા છે.
આજના દિવસની કામગીરી અંગે કલેક્ટરે જણાવ્યું કે, આજના દિવસે બે મૃતદેહો ગુમ થયેલા વ્યક્તિઓ પૈકીના છે. મોટાભાગે બીજા કોઈ વાહનો નીચે નથી. બાઈક છે અને બાઈકના સવારોનું મોટાભાગે ટ્રેસિંગ થઈ ગયું છે, એટલે અન્ય વાહનો હોવાની શક્યતાઓ ઓછી છે. આજે જે બે મૃતદેહો બાકી છે, તેમને સૌથી પહેલા રિકવર કરવાની કામગીરીને પ્રાથમિકતા આપવામાં આવશે.
ત્યારબાદ, હવે બ્રિજનો જે સ્લેબ છે તેને તોડવાનું કામ કરવામાં આવશે અને નીચેથી બાકીનું બધું મટીરીયલ અને સંપત્તિ રિકવર કરાશે. સાથે જ, નદીના પાણીમાં સલ્ફ્યુરિક એસિડનું જે ટેન્ક છે તેને નિષ્ક્રિય કરવાનો પ્રયાસ કરવામાં આવશે.
તેમણે ઉમેર્યું કે, એક મૃતદેહની પ્રાથમિક માહિતી મળી છે અને તેની પ્રક્રિયા ચાલી રહી છે. હાલના તબક્કે, સૌથી અગત્યની કામગીરી એ છે કે, પુલર મારફતે ટ્રકને બહાર કાઢવામાં આવશે અને સાથે સાથે જે સ્લેબ છે તેને તોડવા માટેની કામગીરી હાથ ધરવામાં આવશે.