ત્રાસવાદ એ સમગ્ર વિશ્વ માટે નહીં તો પણ વિશ્વના ઘણા દેશો માટે આજે એક મોટી સમસ્યા બની ગયો છે. જે અન્ય બાબતોને લાગુ પડે છે તે જ ત્રાસવાદને પણ લાગુ પડે છે – નાણા વગર તેનું કામ ચાલતુ઼ નથી. અને ત્રાસવાદને નાણા વિવિધ સ્ત્રોતો તરફથી પુરા પાડવામાં આવતા હોય છે. અમુક દેશોની સરકારો અમુક હેતુસર ત્રાસવાદને પ્રોત્સાહન આપતી હોય છે અને તેમના તરફથી ત્રાસાવાદી સંગઠનોને અઢળક નાણા પુરા પાડવામાં આવતા હોય છે. ઉપરાંત ત્રાસવાદીઓ અને ત્રાસવાદી સંગઠનો તરફ સહાનુભૂતિ ધરાવતા લોકો તરફથી પણ ત્રાસવાદી પ્રવૃતિ માટે દાન સ્વરૂપે કે અન્ય રીતે નાણા પુરા પાડવામાં આવતા હોય છે.
વૈશ્વિક સ્તરે ત્રાસવાદી ભંડોળોના મોટા પ્રવાહની હેરાફેરી થાય છે અને ત્રાસવાદી ભંડોળોનો એક જાણે મોટો કારોબાર ધમધમી રહ્યો છે. ત્રાસવાદી ભંડોળોની સમસ્યા એટલી મોટી થઇ ગઇ છે કે તેના પર અંકુશ માટે FATF ટૂંકાક્ષરો ધરાવતી એક અલાયદી સંસ્થાની સ્થાપના કરવામાં આવી છે. આ વૈશ્વિક ત્રાસવાદી ભંડોળ વોચડોગ એફએટીએફ દ્વારા હાલમાં જણાવવામાં આવ્યું હતું કે ત્રાસવાદને નાણા પુરા પાડવા માટે ઇ-કોમર્સ પ્લેટફોર્મો અને ઓનલાઇન પેમેન્ટ સર્વિસોનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે. પોતાની આ વાતના ટેકામાં તેણે ફેબ્રુઆરી ૨૦૧૯ના પુલવામા હુમલા અને ૨૦૨૨ના ગોરખનાર મંદિરના બનાવના ઉદાહરણો ટાંક્યા હતા.
ત્રાસવાદી ભંડોળ વિરોધ આ સંસ્થાએ હાલમાં એક અહેવાલ બહાર પાડ્યો છે. ત્રાસવાદી ભંડોળના જોખમો પર સમગ્રલક્ષી અપડેટ એ નામના અહેવાલમાં તેણે ત્રાસવાદને સરકારી પ્રોત્સાહનની વાતનો પણ ઉલ્લેખ કર્યો છે અને જણાવ્યું છે કે માહિતી અને ડેલિગેશનોનના ઇન્પુટ્સ જે તેના અહેવાલમાં ટાંકવામાં આવ્યા છે તે સંકેત આપે છે કે કેટલાક ચોક્કસ ત્રાસવાદી સંગઠનોએ નાણાકીય તથા અન્ય સ્વરૂપે ટેકો વિવિધ રાષ્ટ્રીય સરકારો તરફથી મેળવવાનું ચાલુ રાખ્યું છે. જૂનમાં, FATF એ એપ્રિલ 2025 માં થયેલા પહેલગામ આતંકવાદી હુમલા, જેમાં ૨૬ જણા માર્યા ગયા હતા તેની નિંદા કરતી વખતે, કહ્યું હતું કે નાણાકીય સહાય વિના આવો હુમલો શક્ય ન બની શક્યો હોત. વાત બિલકુલ બરાબર છે. નાણાકીય ભંડોળો ન મળતા હોય તો આવા હુમલા થઇ શકે નહીં.
તેણે કહ્યું હતું કે તે આતંકવાદી ભંડોળનું વ્યાપક વિશ્લેષણ બહાર પાડશે, જેમાં તેના 200 અધિકારક્ષેત્રો ધરાવતા વૈશ્વિક નેટવર્ક દ્વારા પૂરા પાડવામાં આવેલા કેસોનું સંકલન કરવામાં આવશે. ભારતમાં આતંકવાદી હુમલા માટે સામગ્રીની ખરીદી માટે ઈ-કોમર્સ પ્લેટફોર્મના ઉપયોગનો કેસ સ્ટડી આપતાં, FATF એ જણાવ્યું હતું કે હુમલામાં ઉપયોગમાં લેવાતા ઇમ્પ્રુવાઇઝ્ડ વિસ્ફોટક ડિવાઇસના મહત્વના ઘટક – એલ્યુમિનિયમ પાવડર EPOM એમેઝોન દ્વારા મેળવવામાં આવ્યો હતો. આ સામગ્રીનો ઉપયોગ વિસ્ફોટની અસર વધારવા માટે કરવામાં આવ્યો હતો. FATFએ જણાવ્યું છે કે ઇ-કોમર્સ પ્લેટફોર્મોનો ઉપયોગ ત્રાસવાદીઓ દ્વારા તેમના પ્રોજેક્ટો અને ઓપરેશનો માટે નાણા ઉભા કરવા વસ્તુઓ વેચવા માટે પણ કરી શકાય છે.
ઇ-કોમર્સ પ્લેટફોર્મો અને ઓનલઇન પેમેન્ટ સેવાઓનો ઉપયોગ ભંડોળોની હેરાફેરી માટે પણ કરી શકાય છે. એકલા આતંકવાદી કૃત્યને ભંડોળ પૂરું પાડવા માટે ઓનલાઈન પેમેન્ટ સેવા અને VPN ના ઉપયોગ અંગે કેસ સ્ટડી આપતા, FATFએ 3 એપ્રિલ, 2022 ના રોજ ગોરખનાથ મંદિરમાં ઘૂસણખોરીના પ્રયાસની ઘટનાનો ઉલ્લેખ કર્યો હતો જેમાં ઇસ્લામિક સ્ટેટ ઇન ઇરાક એન્ડ ધ લેવન્ટ (ISIL) વિચારધારાથી પ્રભાવિત એક વ્યક્તિએ સુરક્ષા કર્મચારીઓ પર હુમલો કર્યો હતો જેની તાત્કાલિક ધરપકડ કરવામાં આવી હતી. નાણાકીય તપાસમાં જાણવા મળ્યું છે કે આ વ્યક્તિએ ISIL ના સમર્થનમાં PayPal દ્વારા વિદેશી દેશોમાં રૂ. 669,841 (7,685 ડોલર) ટ્રાન્સફર કર્યા હતા, આંતરરાષ્ટ્રીય તૃતીય-પક્ષ વ્યવહારોનો ઉપયોગ કરીને અને IP સરનામું છુપાવવા માટે VPN સેવાઓનો ઉપયોગ કર્યો હતો.
આવી ઓનલાઈન ચુકવણી સેવાઓનો ઉપયોગ મોટી સંસ્થાઓને દાન પહોંચાડવા માટે પણ થઈ શકે છે, ખાસ કરીને તે હદ સુધી કે કેટલીક ચુકવણી પદ્ધતિઓ સીધી રીતે સોશિયલ નેટવર્ક અને કન્ટેન્ટ હોસ્ટિંગ સેવાઓમાં સંકલિત હોય છે. આવા કિસ્સાઓમાં, દાતાઓની ભરતી કરવા, ક્રાઉડફંડિંગ ઝુંબેશ શરૂ કરવા અને ઓનલાઈન ચુકવણી સેવા દ્વારા ભંડોળ ટ્રાન્સફર કરવા માટે એક જ પ્લેટફોર્મનો ઉપયોગ કરી શકાય છે.
ક્રેડિટ કાર્ડ્સ અંગે ઉલ્લેખ કરવામાં આવ્યો હતો તેમ, આવી ઓનલાઈન ચુકવણી સેવાઓ વાયર-ટ્રાન્સફરની તુલનામાં ઓછી ટ્રેસેબિલિટી અને પારદર્શિતા પ્રદાન કરે છે, જેના કારણે ટ્રાન્સફર શરૂ કરનારા અને પ્રાપ્તકર્તાઓને સ્પષ્ટ રીતે ઓળખવાનું મુશ્કેલ બને છે. આથી જ ક્રેડિટ કાર્ડ જેવા માધ્યમ વડે ત્રાસવાદી ભંડોળોની હેરાફેરી વધુ સરળ બની શકે છે. ઓનલાઇન પેમેન્ટ સેવાઓ અને ઇ-કોમર્સ સેવાઓ સામાન્ય વ્યક્તિની સગવડ વધારી આપે છે તો તે ત્રાસવાદીઓને પણ મદદરૂપ થઇ શકે છે. ત્રાસવાદી ભંડોળોની હેરાફેરી માટે આવી આધુનિક પધ્ધતિઓનો ઉપયોગ એક નવો પડકાર છે અને તેને નાથવા માટે નિષ્ણાતોએ કંઇક માર્ગ શોધવો જોઇએ.