Comments

ટ્રમ્પનું ‘વન બીગ બ્યૂટિફૂલ બિલ’ કે પછી ‘વન બ્લન્ડર એન્ડ બેડ બિલ’? એક અત્યંત વિવાદાસ્પદ દરખાસ્ત

અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા પ્રસ્તાવિત કરવામાં આવેલ ‘વન બીગ બ્યૂટિફૂલ બિલ એક્ટ (OBBBA)’ જેને સામાન્ય રીતે ‘બીગ બ્યૂટિફૂલ બિલ’ તરીકે ઓળખવામાં આવે છે તે યુએસ સંસદના નીચલા ગૃહ (હાઉસ ઑફ રિપ્રેઝન્ટેટિવ) દ્વારા પસાર કરી દેવામાં આવ્યું. બિલના સમર્થનમાં ૨૧૮ જ્યારે વિરોધમાં ૨૧૪ મત પડ્યા. ટ્રમ્પની પોતાની પાર્ટીના બે સાંસદોએ આ બિલની વિરુદ્ધ મતદાન કર્યું. ટ્રમ્પ બીજી ટર્મ માટે ચૂંટાઈ આવ્યા ત્યારથી એના એજન્ડામાં કરવેરા છૂટછાટ, ખર્ચમાં ઘટાડો અને જુદાજુદા ક્ષેત્રના નીતિવિષયક સુધારણાઓ સામેલ છે. આ કાયદાને સમર્થકોએ વિકાસલક્ષી ગણાવ્યો છે, જ્યારે વિરોધપક્ષે આને લાંબાગાળે જોખમરૂપ ગણાવ્યું છે. ઇલોન મસ્કે કહ્યું છે કે આ બિલ અમેરિકામાં લાખો નોકરીઓ ખતમ કરશે અને અમેરિકાને મોટું વ્યૂહાત્મક નુકસાન પહોંચશે. આ કાયદાની કેટલીક જોગવાઈઓને નીચે મુજબ છેઃ

૧. કરવેરા નીતિમાં સુધારા:
૨૦૧૭માં આપવામાં આવેલ ટેક્ષ-કટને કાયમી કરાશે જેમાં વ્યક્તિગત કરદરોમાં ઘટાડો તેમ જ ડબલ સ્ટાન્ટર્ડ ડિડક્શનનો સમાવેશ થાય છે. સ્ટાન્ડર્ડ ડિડક્શનમાં વધારી વ્યક્તિગત ૧૬,૦૦૦ ડૉલર અને યુગલ માટે ૩૨,૦૦૦ ડૉલર કરવામાં આવશે. વર્ષે ૭૫,૦૦૦ ડૉલર સુધી કમાતા સિનિયર સિટિઝનને ૪,૦૦૦ ડૉલર સુધીનું વધારાની કપાત મળશે. ટિપ્સ અને ઑવરટાઇમ પગારને ઇન્કમટેક્ષમાંથી ૨૦૨૮ સુધી મુક્તિ આપવામાં આવશે. વ્યક્તિગત દોઢ લાખ ડૉલર અને જોઈન્ટ ટેક્ષ રિટર્ન ફાઇલ કરનારને ૩ લાખ ડૉલરનો ૨૦૨૮ સુધી લાભ મળશે.

ચાઇલ્ડ ટેક્ષ ક્રેડિટ ૨૦૦૦ ડૉલરથી વધારી ૨૫૦૦ ડૉલર સુધી કરાશે, વર્ષ ૨૦૨૮ પછી આ મર્યાદા પાછી ૨૦૦૦ ડૉલર થઈ જશે. સ્ટેટ એન્ડ લૉકલ ટેક્ષ ડિડક્ષન મર્યાદા પાંચ લાખ સુધી વર્ષે કમાતા કુટુંબો માટે ૧૦,૦૦૦ ડૉલરથી વધારી ૪૦,૦૦૦ ડૉલર સુધી કરાશે અને ત્યાર બાદ ૧૦ વર્ષ સુધી એમાં ૧%નો વધારો કરાશે, જેના કારણે ઊંચો ટેક્ષ ભરનારાને ફાયદો થશે. ૨૦૨૪થી ૨૦૨૮ વચ્ચે જન્મેલ શિશુઓ માટે ‘ટ્રમ્પ એકાઉન્ટ’ યોજના અંતર્ગત વર્ષે ૫,૦૦૦ ડૉલર વાલીના ફાળા સામે ૧,૦૦૦ ડૉલર આપવામાં આવશે. આ પૈસા જે-તે બાળકના શિક્ષણ, જોબ ટ્રેનિંગ અથવા ઘરગથ્થુ ખરીદી માટે તે બાળક ૧૮ વર્ષનું થાય તે પછી ઉપયોગમાં લઈ શકાશે. અમેરિકામાં ઉત્પાદિત કાર, મશીનરી, R&D પર મોટી ટેક્ષ પ્રોત્સાહનો મળશે.

(૨) બૉર્ડર સિક્યોરિટી અને ઇમિીગ્રેશન:
ગેરકાયદેસર અમેરિકામાં ઘૂસણખોરી રોકવા સરહદે દીવાલ બાંધવા ૪૫.૬ અબજ ડૉલર, ડિટેન્શન ફેસિલિટી માટે ૪૫ અબજ ડૉલર અને ગેરકાયદેસર અમેરિકામાં વસતા લોકોના દેશનિકાલ માટે ૧૪ અબજ ડૉલર ફાળવવામાં આવશે. ૧૦,૦૦૦ નવા ઇમિીગ્રેશન કન્ટ્રોલ એજન્ટ અને ૫,૦૦૦ કસ્ટમ્સ ઑફિસ૨ની ભરતી કરવામાં આવશે. ૧૪ લાખ વણનોંધાયેલા ઇમિગ્રાન્ટ્સના મેડિકલ લાભ બંધ કરશે. 

(૩) હેલ્થકેર અને સામાજિક સેવા સુધારણા મેડિકેરમાં આગામી દસ વર્ષમાં ૭૦૦ અબજ ડૉલરનો કાપ ઉપરાંત લાભાર્થીઓ માટે મહિને ૮૦ કલાક કામ કરવાની જોગવાઈ, જેમાં ૧૪ વર્ષથી નીચેના બાળકો ધરાવતા વાલીઓને બાકાત રખાશે. યોજનાના લાભાર્થીઓની કાર્યકુશળતાની નિયમિત ચકાસણી થશે. પ્રોવાઇડર ટેક્ષ ૨૦૩૨ સુધીમાં ૬ ટકાથી ઘટાડી ૩.૫ ટકા કરવાની દરખાસ્ત છે, જેને કારણે મેડિકેર ફંડીંગને અસર પહોંચશે. સપ્લીમેન્ટલ ન્યૂટીશન સહાયમાં કાપ મુકાશે, કામ કરવાની ઉંમરને ૬૪ વર્ષ સુધી લંબાવવામાં આવશે અને રાજ્યો માટે ખર્ચમાં વધારો થશે. ગ્રામીણ હૉસ્પિટલ માટે ૫૦ અબજ ડૉલરની ફાળવણી થશે.

(૪) ડિફેન્સ અને નેશનલ સિક્યોરિટી: ગોલ્ડન ડોમ મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ માટે ૨૫ અબજ ડૉલર, શીપ બિલ્ડિંગ માટે ૨૯ અબજ ડૉલર અને ન્યૂક્લિયર ડિટરન્સ માટે ૧૫ અબજ ડૉલર અપાશે. કોસ્ટ ગાર્ડને ડ્રગ્સ સ્મગલિંગ અટકાવવા તેમ જ આર્કિટિક મહાસાગરમાં સુરક્ષા માટે વધારે ફંડ મળશે. (૫) ઊર્જા અને ઇન્ફ્રાસ્ટક્ચર: બાઇડનની ઇલેક્ટ્રિક વાહનો અને ઊર્જા ઉપકરણોની સબસિડી બંધ કરાશે. એર ટ્રાફિક કન્ટ્રોલ સિસ્ટમના આધુનિકીકરણ માટે ૧૨.૫ અબજ ડૉલર વપરાશે. મીથેન ટેક્ષ કાઢી નખાશે તેમ જ અમેરિકાની ભૂમિમાંથી તેલ અને ગૅસ કાઢવા માટેના નિયંત્રણો હળવા કરાશે. (૬) અન્ય જોગવાઈઓ: બાઇડેનની સ્ટુડન્ડ લોન માફી યોજના બંધ કરાશે, લિંગ બદલવા માટે મેડિકલ ફંડીંગ પણ બંધ કરાશે. શિક્ષણ માટેના સેવિંગ્સ એકાઉન્ટ્સની યોજના આગળ ધપાવાશે. મોટી યુનિવર્સિટીઓ ઉપર એન્ડોવમેન્ટ ટેક્ષ લઉં થશે. ઉપરાંત ફેડરલ કોર્ટ ઉપર નિયંત્રણો લાદવામાં આવશે. અમેરિકાના દેવાની ટોચ મર્યાદા વધારીને પ ટ્રિલિયન ડૉલર કરવામાં આવશે.

આમ, ‘વન બીગ બ્યૂટિફૂલ બિલ એક્ટ’ એ ટ્રમ્પની અર્થવ્યવસ્થા, ઇમીગ્રેશન, સિક્યોરિટી પ્રાયોરિટી, ગણનાપાત્ર ટેક્ષ કન્સેશન, બૉર્ડર સિક્યોરિટીમાં વધારો અને ધંધાઓને ઉત્તેજન આપનાર દરખાસ્ત છે. ટ્રમ્પના ટેકેદારો એને વિકાસલક્ષી ગણે છે, જે પ્રમુખપદની ચૂંટણીના પ્રચાર સમયે ‘માય અમેરિકા, ગ્રેટ અમેરિકા’ શીર્ષક હેઠળ આપવામાં આવ્યો હતો. ટ્રમ્પના ટેકેદારો આ બિલને પ્રગતિશીલ બજેટ ગણાવે છે. આમ છતાંય ટ્રમ્પના વિરોધીઓ આ દરખાસ્તને અમેરિકાને દેવા તરફ ઘસડી જતી અને બેજવાબદાર જોગવાઈઓ, જેના થકી ખાધમાં ૩.૩ ટ્રિલિયન ડૉલરનો વધારો થશે, એટલે જોખમી ગણાવે છે. આ કાયદામાં રહેલી કેટલીક છૂપી જોગવાઈઓ અને જે રીતે એને વૈધાનિક પ્રક્રિયામાંથી પસાર કરી દેવા માટે ઝડપ કરવામાં આવી છે તે પારદર્શિતાનો અભાવ અને આ કાયદાને પરિણામે ઊભી થનાર લાંબાગાળાની જવાબદારીઓ અંગે અકળ મૌન સમાન ગણાવે છે. આ બિલ કોંગ્રેસ પાસેથી પસાર કરાવવું લોઢાના ચણા ચાવવા જેવું બની રહેશે કારણ કે, એક બાજુ રિપબ્લિકન પાર્ટીના કેટલાક સભ્યો આની સામે પડ્યા છે અને અમેરિકન લોકમત પણ દિવસે દિવસે એના વિરુદ્ધમાં તીવ્ર બનતો જાય છે. આમ, ટ્રમ્પનું આ ‘બીગ એન્ડ બ્યૂટિફૂલ બિલ,’ વિરોધીઓ તેમજ અમેરિકાની સારી એવી સંખ્યામાં જનતા માટે બ્લન્ડર એન્ડ બેડ બિલ બની રહેશે એવું લાગે છે. આ બિલ સામે જનતાનો રોષ ભભૂકી ઉઠ્યો છે અને એક સમયના ટ્રમ્પના ટેકેદારો પણ એની વિરુદ્ધમાં પડ્યા છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top