Vadodara

સ્મશાનોના ખાનગીકરણને લઈ શ્રી જલારામ સેવાશ્રમ ટ્રસ્ટે સાર્વજનિક સેવા બંધ કરી

9-ગેસ ચીતાઓ,બે સ્મશાનોના ગોડાઉનમાં સ્ટોક કરેલા હજારો મણ લાકડાઓનું પાલિકાને દાન

શ્રી જલારામ સેવાશ્રમ ટ્રસ્ટના નામે નહીં છેતરાવા નાગરિકોને અપીલ

પ્રતિનિધિ )વડોદરા,તા.9

વડોદરા શહેરના 31 સ્મશાનોનું સંચાલન ત્રણ એજન્સીઓના હવાલે કરવામાં આવ્યું છે. નાગરિકોને પ્રથમ દિવસેથીજ હાલાકીનો સામનો કરવાની ફરજ પડી હતી. ત્યારે, હવે વર્ષોથી સ્મશાનોમાં નિઃશુલ્ક સેવા આપનાર શ્રી જલારામ સેવાશ્રમ ટ્રસ્ટે પણ હવેથી સાર્વજનિક સેવા બંધ કરી છે. સાથે નવ ગેસ ચીતાઓ અને ખાસવાડી અને વડીવાડી સ્મશાનના ગોડાઉનમાં સ્ટોક કરેલા હજારો મણ લાકડા પણ પાલિકાને વિના મુલ્યે અગ્નિ સંસ્કારના હેતુથી દાનમાં આપી દેવામાં આવ્યા છે.

વડોદરા શહેરના શ્રી જલારામ સેવાશ્રમ ટ્રસ્ટની સાર્વજનીક સેવાના ભાગ રૂપ ટ્રસ્ટ દ્વારા છેલ્લા 37 વર્ષોથી શહેરના ખાસવાડી તેમજ વડીવાડી સ્મશાનોમાં કોઈ પણ જાતના જાતી તેમજ ધર્મના ભેદભાવ વગર અગ્નિ સંસ્કાર માટે વિના મુલ્યે લાકડાની સેવા આપવામાં આવી રહી હતી. જોકે, હાલમાં વડોદરા પાલિકા દ્વારા શહેરના તમામ સ્મશાનોનો વાર્ષિક ઇજારાના ધોરણે સંચાલન અને નિભાવણી માટે વિવિધ સંસ્થાઓને આપવામાં આવ્યું છે અને તે મુજબ તા.7 જુલાઈથી પાલિકા દ્વારા નક્કી કરેલી સંસ્થાઓને સ્મશાનોના સંચાલન અને નિભાવણીની કાર્યવાહી સોપવામાં આવી છે. શ્રી જલારામ સેવાશ્રમ ટ્રસ્ટનો મુખ્ય હેતુ વિના મુલ્યે લાકડાની સેવા આપવાનો હોવાને કારણે તેમજ આર્થિક ઈજારા-ટેન્ડર પધ્ધતિથી ટ્રસ્ટને સેવા કરવામાં રસ નહીં હોવાથી પાલિકા દ્વારા કરાયેલ વ્યવસ્થાના ભાગ રુપે સાાર્વજનીક સેવા પ્રવૃત્તિ તા.07 જુલાઈથી બંધ કરી છે. નોંધનીય છે કે, વડોદરા શહેરના મોટા ભાગના સ્મશાનોમાં શહેરના નાગરીકોને સારી સવલતો મળે તેમજ હવામાં પ્રદુષણ ઓછુ થાય તે હેતુથી શ્રી જલારામ સેવાશ્રમ ટ્રસ્ટ તરફથી ટ્રસ્ટના ફંડમાથી કરોડો રુપિયાના ખર્ચે ખાસવાડી સ્મશાનમા 3, વડીવાડી સ્મશાનમાં 2, ગોરવા સ્મશાનમાં 1-, અકોટા સ્મશાનમાં 1,નિઝામપુરા સ્મશાનમા 1 અને માંજલપુર સ્મશાનમાં 1, એમ કુલ 9 નવ ગેસ ચીતાઓ સ્થાપિત કરી છે અને તેનો ઉપયોગ ઘણા વર્ષોથી જે તે સ્મશાનોમાં ચાલુ છે. ત્યારે, હાલમાં ટ્રસ્ટ દ્વારા સ્થાપતિ કુલ નવ ગેસ ચીતાઓ અને ખાસવાડી અને વડીવાડી સ્મશાનમાં બન્ને સ્મશાનોનાં ગોડાઉનમાં સ્ટોક કરેલા હજારો મણ લાકડા જે બજારથી ખરીદ કર્યા છે, તેમજ વેરામણ કર્યા છે, તે તમામ પાલિકાને તા.7 જુલાઈના રોજ સ્મશાનોમાં વિના મુલ્યે અગ્નિ સંસ્કારના હેતુથી દાનમાં આપી દીધી છે. સાથે જ નાગરિકોને શ્રી જલારામ સેવાશ્રમ ટ્રસ્ટના નામે નહીં છેતરાવા અપીલ પણ કરી હતી.

Most Popular

To Top