વડોદરા: વડોદરા મહાનગરપાલિકા તરફથી આજવા સરોવરનું પાણીનું લેવલ 211 ફૂટથી ઘટાડી 208 ફૂટ લાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ માટે વિશેષ રીતે સ્ટોર્મ વોટર ડિસ્પોઝલ સિસ્ટમ કાર્યરત કરવામાં આવી છે. આ સિસ્ટમ દ્વારા રોજના આશરે 405 મિલિયન લિટર પાણી આજવા સરોવરમાંથી પંપ કરીને સુર્યા નદીમાં છોડવામાં આવશે. આ પ્રક્રિયા દરરોજ સરોવરનું લેવલ આશરે 0.15 ફૂટ જેટલું ઘટાડશે, જેથી અંદાજે 10 દિવસમાં 1 ફૂટ પાણીનું સ્તર ઓછું કરી શકાશે.
આ કામગીરી માટે કુલ 14 હોરિજન્ટલ સબમર્જ સેન્ટ્રીફ્યુગલ પંપ લગાવવામાં આવ્યા છે. દરેક પંપની ક્ષમતા 1200 ક્યુબિક મીટર પ્રતિ કલાક છે અને તે 10 મીટર ઊંચાઇ સુધી પાણી પંપ કરી શકે છે. પહેલા તબક્કે છ પંપો શરૂ કરવામાં આવ્યા છે, જ્યારે આવનાર સપ્તાહના અંત સુધીમાં બાકી રહેલા આઠ પંપો પણ ચાલુ કરવામાં આવશે. સમગ્ર કામગીરી 10 દિવસની અંદર પૂર્ણ કરવામાં આવી છે.

આ કામગીરીનું નિરીક્ષણ કરવા માટે આજે મેયર પિંકી સોની, ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ, સ્થાયી સમિતિ અધ્યક્ષ ડૉ. શીતલ મિસ્ત્રી, મ્યુનિસિપલ કમિશનર અરૂણ મહેશ બાબુ, દંડક શૈલેષ પાટીલ હાજર રહ્યા હતા.