વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ હેઠળની ખોરાક શાખામાં ફૂડ સેફટી ઓફિસર (સેવાવર્ગ-૩)ના પગાર ફિક્સ ધરાવતી જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. ભરતી માટે જાહેરાત ક્રમાંક ૫૯૯/૧૯-૨૦ દ્વારા જાહેર કરીને ઉમેદવારો પાસેથી ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવી હતી અને ૨૭ ઓક્ટોબર ૨૦૨૪ના રોજ સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા લેવાઈ હતી. લેખિત પરીક્ષાના ગુણોના આધારે તૈયાર થયેલી મેરીટ યાદી મુજબ ચાર ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે જેમાં દિનેશભાઈ ભુરાભાઈ ચૌધરી UR (SEBC), દ્રષ્ટિબેન દિનેશભાઈ પટેલ UR (SEBC), મમતા લવજીભાઈ ચૌધરી SEBC (F) અને હર્ષ જયંતિભાઈ ગામી EWS નો સમાવેશ થાય છે. પસંદગી પામેલા તમામ ઉમેદવારોને ત્રણ વર્ષના અજમાયશી ધોરણ હેઠળ નિમણૂંક આપવામાં આવશે અને આ દરમિયાન તેમની કામગીરી સંતોષકારક રહેશે તે આધારે નિયમિત પગારધોરણમાં સામેલ કરવાની પ્રક્રિયા હાથ ધરાશે.
નિયમ મુજબ દરેક નવા નિમણૂક પામેલા ફૂડ સેફટી ઓફિસરને FSSAI, ન્યૂ દિલ્હી દ્વારા કાયદેસરની ફરજિયાત તાલીમ આપવામાં આવશે અને કમિશનર ઓફ ફૂડ સેફટી દ્વારા તેમને સત્તાવાર રીતે નોટીફાઇ કરાશે. તાલીમ અને નિયુક્તિ બાદ અધિક આરોગ્ય અમલદાર દ્વારા તેઓને ફરજ સોંપાશે. નિયુક્તિમાં જોડાવા માટે ઉમેદવારોએ તેમની અગાઉની નોકરીમાંથી મુક્ત થયાના પૂરાવા રૂપે રીલીવિંગ લેટર રજૂ કરવું ફરજિયાત રહેશે.