SURAT

‘જેલમાં નાંખી દેશો તો પણ અમે ડરવાના નથી’, ચૈતર વસાવાની ધરપકડને પગલે આપનું વિરોધ પ્રદર્શન

સુરતઃ ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાએ ઉજાગર કરેલા મનરેગા કૌભાંડ મામલે સુરત શહેરમાં રાજકીય ગરમાવો ચરમસીમાએ છે. તાલુકા પંચાયતની સંકલન બેઠક દરમિયાન ચૈતરભાઈ વસાવાએ કરોડો રૂપિયાના સ્માર્ટ મીટર કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો. તેમણે ફરિયાદ નોંધાવા પ્રયાસ કર્યો હતો, પરંતુ આરોપીઓ સામે પગલાં ભરવાને બદલે, ચૈતરભાઈના સમર્થક ચેતનભાઈ સામે ગંભીર કલમો હેઠળ ફરિયાદ દાખલ થતાં તેમની ધરપકડ થઇ હતી.

વસાવાની ધરપકડના વિરોધમાં આજે સુરતના વરાછામાં આવેલા મીનીબજાર ખાતે આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું હતું. આપના નેતાઓએ કહ્યું કે, અવાજ ઉઠાવનારા વિપક્ષના નેતાઓને ભાજપની સરકાર જેલમાં પૂરી દે છે. પરંતુ અમે ડરવાના નથી. અમે લડતા રહીશું.

  • વિપક્ષના નેતાઓને યેનકેન પ્રકારે જેલમાં ધકેલી ડરાવવાની કોશિષ ભાજપ સરકાર કરી રહી છે પરંતુ અમે ડરવાના નથી : વિપક્ષ નેતા: પાયલ સાકરિયા
  • બદલાની ભાવનાથી ભાજપ શાસકોના કહેવાથી ખોટા અને તદ્દન ઉપજાવી કાઢેલા કેસ કરવામાં આવ્યા છે. પરંતુ અમે વધુ મજબૂતીથી લડશું : ધર્મેશ ભંડેરી

આજે સોમવારે સુરતના વરાછા વિસ્તારના મિનિબજાર ખાતે વિપક્ષ પાર્ટી દ્વારા ભારે વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. વિરોધમાં વિપક્ષ નેતા પાયલ સાકરીયા સહિત અનેક કાર્યકર્તાઓ જોડાયા હતા. કાર્યકર્તાઓએ ‘હાય રે ભાજપ’ના નારા લગાવ્યાં અને રાજ્ય તથા કેન્દ્ર સરકાર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો. તેમજ ‘I Support Chaitar Vasava’ લખેલા પ્લે કાર્ડ લઈ આપના પદાધિકારીઓ અને કોર્પોરેટરોએ ચૈતર વસાવાનું સમર્થન કર્યું

આ મુદ્દે વિપક્ષ નેતા પાયલ સાકરિયાએ જણાવ્યું હતું કે, આજે સમગ્ર રાજ્યમાં અને દેશમાં કાયદો વ્યવસ્થાની શું સ્થિતિ છે તે આપણે સૌ જાણીએ છીએ. આજે સામાન્ય માણસ ફરિયાદ લખાવવા જાય ત્યારે તેને નવનેજા પાણી નીકળી જાય છે જ્યારે ભાજપના ગુંડાઓ ફરિયાદ લખાવે તો તરત લઈ લેવાય છે. ચૈતરભાઈ વસાવાએ કરોડો રૂપિયાનો મનરેગા ભ્રષ્ટાચાર ખુલ્લો પડ્યો છે ત્યારે જેણે કૌભાંડ કર્યું છે તેની ધરપકડ કરવાને બદલે ચૈતરભાઇની ધરપકડ કરાઈ રહી છે. વિપક્ષના નેતાઓને જેલમાં ધકેલી ડરાવવાની કોશિષ ભાજપ સરકાર કરી રહી છે પરંતુ અમે ડરવાના નથી.

પૂર્વ વિપક્ષ નેતા ધર્મેશ ભંડેરીએ પોતાનો પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે, ભાજપ અને કોંગ્રેસના નેતાઓએ ભેગા મળીને કૌભાંડ કર્યું હતું જે ચૈતરભાઈએ ઉઘાડું પાડતા જેના બદલા સ્વરૂપે ચૈતરભાઇની ધરપકડ કરવામાં આવી છે. ચૈતરભાઈ આદિવાસી સમાજ માટે લડનારી વ્યક્તિ છે, વિધાનસભામાં પણ પોતાના મત વિસ્તારના પ્રશ્નો વારંવાર ઉઠાવ્યા છે. ફક્તને ફક્ત ચૈતરભાઈ નો અવાજ દબાવવા અને બદલાની ભાવનાથી ભાજપ શાસકોના કહેવાથી ખોટા અને તદ્દન ઉપજાવી કાઢેલા કેસ કરવામાં આવ્યા છે. પરંતુ અમે વધુ મજબૂતીથી લડશું.

પ્રદર્શન દરમિયાન કડક પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો અને કાર્યકર્તાઓએ શાંતિપૂર્ણ રીતે વિરોધ નોંધાવ્યો હતો.

Most Popular

To Top