ભારત માત્ર એવો દેશ છે કે જેની ઓળખ વિવિધતામાં એકતા તરીકે થાય છે. અહિંસાની વિચારધારા ધરાવતા મહાત્માગાંધીના દેશમાં હવે તેમના વિચારો ધીરે ધીરે વિલુપ્ત થઇ રહ્યાં હોય તેવી સ્થિતિ ઊભી થઇ રહી છે. કારણ કે જુદા જુદા રાજ્યોમાં ધર્મ, ભાષા અને જાતિના નામે વર્ગવિગ્રહ થઇ રહ્યો છે. ઉત્તરપ્રદેશમાં પવિત્ર શ્રાવણ મહિનાની શરૂઆત પહેલા ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડ દરમિયાન કાવડ યાત્રા શરૂ થવા જઇ રહી છે તે પહેલા ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા કાવડ યાત્રાના માર્ગો પર આવતી દરેક દુકાનો હોટેલ તેમં જ સ્ટોલ્સ પર તેમના માલિકોના નામ અને મોબાઈલ નંબર લખવાનો આદેશ આપ્યો છે. યુપી સરકારના આદેશને લઈને હવે દેશભરમાં રાજકીય વિવાદ શરૂ થયો છે. UPના CM યોગી આદિત્યનાથ અને ઉત્તરાખંડના CM પુષ્કર સિંહ ધામીએ કડક નિયમો લાગુ કર્યા છે. આ અંગે 3 પ્રકારના આદેશ છે સૌપ્રથમ કાવડ રૂટ પરના ઢાબા-રેસ્ટોરાંના માલિકોએ બોર્ડ પર પોતાની ઓળખ લખવાની રહેશે.
બીજો આદેશ એ છે કે દુકાનો પર લાઇસન્સ અને ઓળખપત્ર પ્રદર્શિત કરવાનાં રહેશે. અને ત્રીજા આદેશ પ્રમાણે કાવડયાત્રા રૂટ પર ખુલ્લામાં માંસ વેચવામાં આવશે નહીં. આ સરકારી આદેશ બાદ જુદા જુદા હિન્દુ સંગઠનોએ રેસ્ટોરાં, દુકાનો અને ઢાબાઓની મુલાકાત લેવાનું અને નામ-ધર્મ પૂછવાનું શરૂ કર્યું. તેઓ આ દુકાનો પર વરાહ (વિષ્ણુના અવતાર)નાં ચિત્રો પણ ચોંટાડી રહ્યા છે. તેઓ ભગવા ધ્વજ લગાવી રહ્યા છે, QR કોડ સ્કેન કરી રહ્યા છે કે શું કોઈ અન્ય ધર્મની વ્યક્તિ હિન્દુ નામની દુકાન ચલાવી રહ્યો છે કે નહીં એ તપાસવા માટે જેના કારણે મુસ્લિમ દુકાનદારોની કનડગત કરવામાં આવી રહી છે. ઉત્તર પ્રદેશમાં રહેતા હિન્દુ હોય કે મુસ્લિમ બંને છે તો ભારતીય જ તેમ છતાં આ રીતે અન્યાય કરવો એ ભારતની ક્યારેય પરંપરા રહી નથી.
તો બીજી તરફ મુંબઈમાં હિન્દી ભાષાના કારણે રાજ્યમાં વાતાવરણ ગરમાયું છે. ત્યારે મીરા રોડ વિસ્તારમાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના કાર્યકરોએ મરાઠી બોલવાનો ઇનકાર કરનાર દુકાનદારને માર માર્યો હતો. આ ઘટના મીરા રોડના બાલાજી હોટલ પાસે બની હતી. મીરા રોડના ડેપ્યુટી મેયર કરણ કંડંગીરેએ દુકાનદારને માર માર્યો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ કેસમાં કાશીમીરા પોલીસ સ્ટેશનમાં 7MNSના કાર્યકરો વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. રાજ્યના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ‘ હિન્દી શક્તિ ‘ અંગે જારી કરાયેલા બે GR રદ કરવાની જાહેરાત કરી છે. રવિવારે સત્રની પૂર્વસંધ્યાએ મુંબઈમાં એક પત્રકાર પરિષદમાં આ જાહેરાત કરવામાં આવી હતી.
આ પછી મરાઠી પ્રેમીઓએ ઉજવણી કરી. આ સમયે મીરા ભાઈંદરમાં મનસે સૈનિકો મીરા રોડ પર બાલાજી હોટલ પાસે ઉજવણી કરી રહ્યા હતા. આ દરમિયાન, કેટલાક કાર્યકરો પાણી પીવા માટે જોધપુર સ્વીટ નામની દુકાનમાં ગયા. તે સમયે, દુકાન માલિકે હિન્દીમાં વાત કરી. પછી માનસૈનિકોએ દુકાનદારને મરાઠી શીખવા અને મરાઠીમાં બોલવાનું કહ્યું. પરંતુ દુકાનદારે મરાઠીમાં બોલવાનો ઇનકાર કર્યો. માનસૈનિકોએ પૂછ્યું, તમે જ્યાં તમારું કામ અને વ્યવસાય કરો છો તે રાજ્યની ભાષાનું સન્માન કેમ નથી કરતા? પછી દુકાન માલિક પાસેથી મળેલા જવાબથી માનસૈનિકો ગુસ્સે થયા. આ પછી, તેઓએ દુકાનદારને સારી રીતે માર માર્યો.હતો. અહીં ભાષાના નામે ઉત્તર પ્રદેશ અને બિહારમાં રહેતા હિન્દીભાષીઓને પરેશાન કરવામાં આવી રહ્યાં છે. તો તાજેતરમાં જ કર્ણાટકમાં કન્નડ નહીં બોલવા બદલ એક મરાઠી કન્ડકટરને માર મારવામાં આવ્યો હતો. આ જુદા જુદા મુદ્દે અનેકતામાં એકતા અને વિવિધતામાં એકતા જેવી ભારતની ઓળખ ભૂસાઇ રહી છે તે સનાતન સત્ય છે.