National

યૂપીના ‘ટાઇગર’નું અવસાન: પૂર્વ કૃષિ મંત્રી આનંદ સિંહનું 86વર્ષની વયે નિધન, ગોંડામાં શોકનું મોજું

યૂપીના પૂર્વ કૃષિ મંત્રી અને લોકસભાના ચાર વખત સાંસદ રહી ચૂકેલા આનંદ સિંહનું તા.6 જુલાઇ રવિવારે મોડી રાત્રે લખનૌમાં અવસાન થયું. તેઓ 86 વર્ષના હતા. તબિયત અચાનક બગડતા તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ડૉક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા.

તેમના અવસાનથી રાજકીય જગતમાં અને ગોંડા જિલ્લામાં શોકની લહેર ફરી વળી છે. સોમવારે તેમના પાર્થિવ શરીરને માનકાપુર કોટ લાવવામાં આવ્યું, જ્યાં શ્રદ્ધાંજલિ અર્પવા માટે મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી.

રાજકીય કારકિર્દી અને યોગદાન
આનંદ સિંહનો જન્મ 4 જાન્યુઆરી 1939ના રોજ થયો હતો. તેઓ પ્રથમ વખત 1971માં કોંગ્રેસની ટિકિટ પરથી ગોંડા લોકસભા બેઠકથી સાંસદ તરીકે ચૂંટાયા હતા. ત્યારપછી તેઓ 1980,1984 અને 1989માં પણ જીત મેળવી ચૂક્યા હતા. તેઓ કુલ ચાર વખત સંસદમાં ગોંડાના પ્રતિનિધિ રહ્યા. 1991માં રામલહેર દરમિયાન તેમને ભાજપના બ્રિજભૂષણ શરણ સિંહથી હારનો સામનો કરવો પડ્યો હતો.

1996માં તેઓ સમાજવાદી પાર્ટીમાંથી ચૂંટણી લડ્યા હતા, પણ તેમની પત્ની કેતકી દેવી સિંહએ તેમને ભાજપના ઉમેદવાર તરીકે હરાવ્યા હતા. ત્યારપછી તેમણે સંસદીય રાજકારણથી અંતર લીધું. 2012માં તેમણે ગૌરા વિધાનસભા બેઠક જીતી હતી અને મુખ્યમંત્રી અખિલેશ યાદવના મંત્રીમંડળમાં કૃષિ મંત્રી તરીકે સેવા આપી હતી. ત્યારબાદ તેમણે સક્રિય રાજકારણથી નિવૃતિ લીધી.

‘યુપી ટાઇગર’ તરીકે ઓળખાતા
આનંદ સિંહ તેમના સમર્થકો અને નિકટવર્તીઓ વચ્ચે ‘યુપી ટાઇગર’ તરીકે ઓળખાતા હતા. પૂર્વાંચલના રાજકારણમાં તેમનો ઊંડો પ્રભાવ હતો. માનકાપુર કોટથી સંલગ્ન તેમનું રાજકીય સમર્થન ઘણાં નેતાઓ માટે જીતનું આધાર બની રહેલું.

જનતા સાથે વિશેષ સંબંધ
આનંદ સિંહ સરળ, મૈત્રીભર્યું અને ધરતી સાથે જોડાયેલું વ્યક્તિત્વ ધરાવતા નેતા હતા. તેમનો જનતામાં ઊંડો પ્રેમ અને વિશ્વાસ હતો. તેમના નિધનથી સામાન્ય લોકોમાં પણ દુઃખની લાગણી જોવા મળી રહી છે. તેમના પુત્ર કીર્તિ વર્ધન સિંહ હાલમાં ગોંડાથી ભાજપના સાંસદ છે અને કેન્દ્રમાં વિદેશ રાજ્યમંત્રી તરીકે કાર્યરત છે.

Most Popular

To Top