છાતીમાં અને શરીરમાં દુખાવાની ફરિયાદને લઈ એસ.એસ.જી.મા મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું
વરસતા વરસાદ વચ્ચે આમ આદમી પાર્ટીના સભ્યો અને ચૈતર વસાવાના સમર્થકોએ હોસ્પિટલ પરિસર ખાતે સૂત્રોચ્ચાર કર્યા*
વડોદરા:;તાજેતરમાં ડેડિયાપાડા પ્રાંત કચેરી ખાતે ધારાસભ્ય ચૈતર વસાવા અને ભાજપના ડેડિયાપાડા તાલુકા પંચાયત પ્રમુખ સંજય વસાવા વચ્ચે લાફાવાળી થઇ હોવાનું સામે આવ્યું છે. આ ઘટના બાદ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાની ધરપકડ કરવામાં આવી છે. તેઓનો રાજપીપળા ખાતેની કોર્ટમાં રજુ કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ ચૈતર વસાવાએ છાતીમાં અને શરીરમાં દુખાવાની ફરિયાદ કરતા તેમને વડોદરા ખાતે આવેલી એસએસજી હોસ્પિટલ માં મેડિકલ ચેકઅપ અર્થે ચૂસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે લાવવામાં આવ્યા હતા જ્યાં મોટી સંખ્યામાં ચૈતર વસાવાના સમર્થકો હાજર રહે તેવી શક્યતાઓને ધ્યાને રાખીને હોસ્પિટલ પરિસરને પોલીસ છાવણીમાં તબદીલ કરી દેવામાં આવ્યું હતું.
તાજેતરમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા અને તાલુકા પંચાયત પ્રમુખ વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ લાફાવાળી થઇ હતી. તે બાદ ચૈતર વસાવાની ધરપકડ કરવામાં આવી હતી. ચૈતર વસાવાની ધરપકડ બાદ તેમના સમર્થકો દ્વારા ગાડી રોકવાના પ્રયાસો કરતા ભારે જહેમતે ચૈતર વસાવાની વધુ કાર્યવાહી અર્થે લઇ જવા પડ્યા હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. રવિવારે ચૈતર વસાવાને રાજપીપળાની કોર્ટમાં રજુ કરવામાં આવ્યા હતા જ્યાંથી તેમના રિમાન્ડ મેળવવાના પ્રયાસો કરવામાં આવ્યા છે. જો કે, કોર્ટે રિમાન્ડ અને જામીન બંને નકારી કાઢ્યા હોવાનું પ્રાથમિક સુત્રો પાસેથી જણાવા મળ્યું હતું ત્યાર બાદ ચૈતર વસાવાએ છાતીમાં અને શરીરમાં દુખાવાની ફરિયાદ કરતા તેઓને મેડિકલ ચેકઅપ અર્થે સાંજે પાંચ વાગ્યા ની આસપાસ વડોદરાની એસએસજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. જ્યાં હાલ તેમનું મેડિકલ ચેકઅપ ચાલી રહ્યું છે. ચૈતર વસાવાને વડોદરાની સેન્ટ્રલ જેલ ખાતે રાખવામાં આવનાર હોવાનું સુત્રો પાસેથી જાણવા મળ્યું છે.
આ દરમિયાન વરસતા વરસાદ વચ્ચે પણ ચૈતર વસાવાના સમર્થકો મોટી સંખ્યામાં એસએસજી હોસ્પિટલ ખાતે આવી પહોંચવાની સંભાવનાઓને ધ્યાને રાખીને પરિસરને પોલીસ છાવણીમાં તબદીલ કરી દેવામાં આવ્યું છે. સાથે જ અન્ય કોઇ દર્દી અથવા તેમના સગાને તકલીફ ના પડે તેનું પણ ધ્યાન રાખવામાં આવ્યું હતું.અહી તેમના સમર્થકોએ સૂત્રોચ્ચાર કર્યા હતા.સુત્રોએ ઉમેર્યું કે, આવતી કાલે ચૈતર વસાવાના વકીલ ગોપાલ ઇટાલિયા કોર્ટમાં તેમની જામીન અરજી મુકી શકે છે. જો કે, આ અંગે સત્તાવાર રીતે કોઇ માહિતી પ્રાપ્ત થઇ શકી નથી.