યુવકને બચાવવા માટે તંત્રે અંતિમ ઘડી સુઘી પ્રયત્નો હાથ ધર્યા :
પ્રાથમિક સીપીઆર આપવામાં આવ્યો, હાલ તેને એમ્બ્યૂલન્સ મારફતે હોસ્પિટલ મોકલવામાં આવ્યો :
( પ્રતિનિધિ )વડોદરા,તા.6
વડોદરાના વારસિયામાં આવેલા સરસિયા તળાવમાં તાજીયા વિસર્જન ટાણે યુવક ડૂબ્યો હતો. ઘટના અંગે જાણ થતા જ યુવકને શોધવા માટે ફાયર બ્રિગેડના જવાનોએ રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું. તે બાદ ગણતરીના સમયમાં જ યુવકને અર્ધ બેહોશ હાલતમાં રેસ્ક્યૂ કરવામાં આવ્યો હતો. યુવક પરિવારના સભ્યોને જાણ કર્યા વગર જ તાજીયા વિસર્જન કરવા માટે આવી પહોંચ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.

સરસિયા તળાવમાં ડૂબી ગયેલા યુવકને તળાવમાંથી રેસ્ક્યૂ કરીને તેને પ્રાથમિક સીપીઆર આપવામાં આવ્યો હતો. હાલ તેને એમ્બ્યૂલન્સ મારફતે હોસ્પિટલ મોકલવામાં આવ્યો છે. યુવકને બચાવવા માટે તંત્રએ અંતિમ ઘડી સુઘી પ્રયત્નો હાથ ધર્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.

તાજીયા વિસર્જનનો દિવસ છે. શહેરમાં અલગ અલગ વિસ્તારોમાંથી તાજીયા જુલુસ સ્વરૂપે લાવવામાં આવી રહ્યા છે. તાજીયા વિસર્જનને ધ્યાને રાખીને પોલીસે લોખંડી બંદોબસ્ત મુકવામાં આવ્યો છે. આજે સવારે વારસિયાના સરસિયા તળાવ ખાતે તાજીયા વિસર્જન માટે લાવવામાં આવ્યા હતા. તે દરમિયાન યુવક તળાવમાં ડૂબ્યો હોવાનું સામે આવ્યું છે.

ઘટના અંગે જાણ થતા જ ફાયર બ્રિગેડના જવાનોએ તુરંત રેસ્ક્યૂ હાથ ધર્યું હતું. ગણતરીના સમયમાં જ યુવકને અર્ધ બેભાન હાલતમાં રેસ્ક્યૂ કરવામાં આવ્યો છે. યુવકનું રેસ્ક્યૂ કરીને તેનો જીવ બચાવવા માટે તેને પ્રાથમિક સીપીઆર આપવામાં આવ્યું હતું. જો કે, આ સીપીઆરનો તેના શરીર તરફથી કોઇ રિસ્પોન્સ ના મળ્યો હોવાનું લોકો જણાવી રહ્યા છે. બાદમાં યુવકને એમ્બ્યૂલન્સ મારફતે હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યો છે. તાજીયા કમિટીના અગ્રણીએ જણાવ્યું કે, અમે બાળકોને પ્રવેશવા દેતા નથી. પરંતુ તેમને એક ઓવારા પરથી ભગાડીએ તો બીજા ઓવારેથી તળાવમાં પ્રવેશી જાય છે. આ છોકરમતમાં થયેલી ઘટના છે. અમે બાળકોને પ્રવેશવા દેતા નથી. તળાવ બહાર પોલીસ અને તળાવમાં ફાયર બ્રિગેડના જવાનો તૈનાત હતા.
વડોદરા શહેર સરસીયા તળાવમાં 15 વર્ષનો માહિર મનસુરી નામનો બાળક ડૂબ્યો હોવાની જાણ થતા ફાયર ફાઇટરો દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી, પરંતુ તળાવમાંથી બાળક ન મળતા સ્થાનિક તરવૈયાઓ સાકિર ભાઇ પહેલવાન અને રઉફભાઇની મદદ લઈ તે બાળકને 15 થી 20 મિનિટમાં શોધી લેવામાં આવ્યો હતો અને હાલ માહિર મનસુરી ને હોસ્પીટલ ખસેડવામાં આવ્યો છે. સરસીયા તળાવ ખાતે જોઈન CP લીના પાટીલ, DCP પન્ના મોમાયા, તેમજ સ્થાનિક પોલીસ ઇન્સ્પેક્ટર આવી પહોંચ્યા હતા.