વડોદરા : દેવપોઢી એકાદશી નિમિત્તે પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ વડોદરા શહેરના માંડવી નિજ મંદિર ખાતેથી ભગવાન વિઠ્ઠલનાથજીનો ઐતિહાસિક 216મો વરઘોડો રાજવી પરિવારના પૂજન અર્ચન બાદ શહેરના રાજમાર્ગો પર નીકળ્યો હતો.

વર્ષોથી ચાલતી આવતી પરંપરા મુજબ દેવપોઢી એકાદશીએ ભગવાન વિઠ્ઠલનાથજીનો ઐતિહાસિક વરઘોડો રાજવી પરિવારના પૂજન અર્ચન બાદ આ નીકળ્યો હતો. જેમાં રાજકીય બિન રાજકીય મહાનુભાવો સહિત મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા.

શ્રી વિઠ્ઠલનાથજી મંદિરના મહંત હરિઓમ વ્યાસે જણાવ્યું હતું કે, આજે દેવપોઢી એકાદશી નિમિત્તે ભગવાન વિઠ્ઠલનાથજી નો 216 મો વરઘોડો રાજવી પરિવારના પૂજન અર્ચન બાદ શહેરના રાજમાર્ગો પર નીકળ્યો છે. જે રીતે માંડવીમાં રીસ્ટોરેશન ચાલી રહ્યું છે, તો રથ તેમાંથી પસાર કરવો શક્ય નથી. કારણ કે વચ્ચે ગડર લગાવેલા છે. તો આ પરંપરા પૂરી કરવા માટે જે ભગવાનની સૌથી પ્રાચીન પાલખી છે સુખપાલ એમાં ભગવાનને બિરાજમાન કરી માંડવી વચ્ચેથી પસાર કર્યા છે અને ત્યાર પછી રથમાં બિરાજમાન કર્યા છે. આ રીતે વર્ષોની પરંપરા જાળવી છે.

આજથી ચાતુર્માસની શરૂઆત થઈ છે. ચાર મહિના શુભ કાર્યો માટે વર્જીતનછે. આથી ભગવાન વિષ્ણુ પાતાળ લોકમાં શયન કરવા જશે અને સૃષ્ટિનું સંચાલન મહાદેવજી કરશે. તો હવે ચાતુર્માસના ચાર મહિના આપણે હિન્દુ સનાતન ધર્મના ભાઈ બહેનો ખૂબ ભક્તિ ભાવથી ભગવાનનો ધ્યાન ધરી અને ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત કરીએ એવી ભગવાન વિઠ્ઠલનાથજીના ચરણોમાં પ્રાર્થના છે તેમ જણાવ્યું હતું.