શેરબજારમાં રોકાણ કરનાર સામાન્ય વ્યક્તિ એવું સમજે છે કે શેરના ભાવો વધશે અને પોતે કમાણી કરશે. પરંતુ મોટાભાગે આવી વ્યક્તિ શેરબજારમાં પોતાના નાણાં ગુમાવે જ છે. આનું કારણ એ નથી કે તે રોકાણકારની ગણતરી ખોટી છે પરંતુ શેરબજારમાં હેરાફેરી કરનારાઓની સંખ્યા વધારે છે. આ હેરાફેરી કરનારી કંપની કે પેઢીઓ ખૂબ જ હાઈફ્રીકવન્સી સોફ્ટવેર ધરાવે છે.
જે શેરબજારમાં એક સેકન્ડ કરતાં પણ ઓછા સમયમાં શેરની લે-વેચ કરી નાખે છે. આવી કંપની કે પેઢી દ્વારા ફ્યુચર એન્ડ ઓપ્શનની સાથે સાથે ખુલ્લા બજારમાંથી પણ શેરની લે-વેચ કરે છે. અને બંને વચ્ચેનો તફાવત રાખીને કમાય છે. સેબીએ આવી જ એક અમેરિકન કંપની જેન સ્ટ્રીટ પર પ્રતિબંધ મુક્યો છે. આ કંપનીએ શેરબજારમાં છેડછાડ કરીને 36500 કરોડ રૂપિયાની કમાણી કરી છે. સેબીએ હાલમાં તેની પર વચગાળાનો પ્રતિબંધ મૂક્યો છે પરંતુ જો આ આક્ષેપો સાબિત થશે તો તેની પર કાયમી ધોરણે પણ શેરબજારમાં કામ કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવશે. સેબીએ આ કંપનીની 4843 કરોડની ગેરકાયદે કમાણીને પણ જપ્ત કરવાનો આદેશ કર્યો છે.
જેની પર પ્રતિબંધ મૂકાયો તેમાં જેન સ્ટ્રીટ ગ્રુપના જેએસઆઈ ઈન્વેસ્ટમેન્ટ્સ, જેએસઆઈ2 ઈન્વેસ્ટમેન્ટ્સ પ્રા.લિ.,જેન સ્ટ્રીટ સિંગાપોર પ્રાઈવેટ લિમિટેડ અને જેન સ્ટ્રીટ એશિયા ટ્રેડિંગનો સમાવેશ થાય છે. આ તમામે એવી રીતે શેરબજારમાં છેતરપિંડી કરી છે કે તેને જાણ્યા પછી સામાન્ય રોકાણકાર શેરબજારથી દૂર જ રહે. આ કંપનીઓ દ્વારા શેરબજારમાં કામ કરવા માટે હાઈફ્રીકવન્સી ટેકનિકનો ઉપયોગ કરવામાં આવતો હતો. આ ટેકનિક દ્વારા શેરબજારમાં એક સેકન્ડ કરતાં ઓછા સમયમાં શેરની લે-વેચ કરી શકાતી હતી.
આ કૌભાંડ માટે કંપનીએ બે પદ્ધતિ અપનાવી., પ્રથમ ફ્યુચર્સ એન્ડ ઓપ્શન્સ ટ્રેડિંગ અને કેશ માર્કેટ વચ્ચે સંકલન કર્યું અને બીજી પદ્ધતિ એક્સપાયરી ડેટ પર શેરના ભાવમાં વધારો કર્યો. દાખલા તરીકે એક શેરનો ભાવ 10 રૂપિયા છે. તો આ કંપની દ્વારા પહેલા 10 હજારના લોટ ફ્યુચર્સમાં 12 રૂપિયાના ભાવે ખરીદ્યા. ઉપરાંત 3 રૂપિયાના ભાવે કોલ ઓપ્શન લેવામાં આવતો હતો. ત્યારબાદ આજ કંપની શેરબજારમાં રોકડમાં તે જ શેરમાં 50 કરોડનું રોકાણ કરતી હતી. જેને પગલે શેરની કિંમત વધી જતી હતી. જ્યારે શેરનો ભાવ 13 રૂપિયા થતો હતો ત્યારે કંપની ફ્યુચર્સ અને ઓપ્શનમાં મોટો નફો રળી લેતી હતી. આ રીતે માત્ર 50 કરોડના જ રોકાણ પર કંપની 100 કરોડથી વધુની કમાણી કરી લેતી હતી.
આ કંપનીએ જાન્યુ., 2023થી માર્ચ, 2025 વચ્ચે એક ચોક્કસ પેટર્ન અપનાવીને આ કૌભાંડ આચર્યું હતું. કંપનીએ બેંક નિફ્ટી અને એક્સપાયરી ડે પર નિફ્ટીમાં પણ મોટી રણનીતિ અપનાવી હતી અને તેમાં પણ સવારે મોટી માત્રામાં સ્ટોક્સ અને ફ્યુચર્સની ખરીદી કરી બાદમાં ઓપ્શનમાં શોર્ટ પોઝિશન બનાવી અને બપોરે સ્ટોક્સ વેચી દેતી હતી. આ રીતે પણ ઓપ્શનમાં કંપની મોટી કમાણી કરતી હતી. સેબીએ આ એક કંપની પકડી પરંતુ ભારતીય શેરબજારમાં આવી અનેક કંપનીઓ છે.
આ કંપનીઓ દ્વારા એવી રીતે હાઈફ્રિકવન્સી સોફ્ટવેરનો ઉપયોગ કરીને ગોલમાલ કરવામાં આવે છે કે સેબી પણ ગોથું ખાઈ જાય. આવી કંપનીઓને કારણે જ શેરબજાર એક પ્રમાણિક ધંધો રહ્યો નથી. મોટી કંપનીઓ આવી રીતે અબજોની કમાણી કરે છે. જ્યારે સરેરાશ રોકાણકારો પોતાની પરસેવાની કમાણી શેરબજારમાં ખોવાની આવે છે. ખરેખર સેબીએ શેરબજારનો આવો ધંધો કોણ-કોણ કરે છે તેની વિગતો મેળવીને કડક પગલા લેવા જોઈએ. કેન્દ્ર સરકારે પણ આમાં ધ્યાન આપવાની જરૂરીયાત છે. આવી ચીટર કંપનીઓ શેરબજારમાં રહેશે તો રોકાણકારે પોતાના રોકાણ ગુમાવવાના જ રહેશે તે ચોક્કસ છે.