જાહેર શૌચાલયની આસપાસ દુર્ગંધના કારણે પ્રજાએ નાક બંધ કરવાનો વારો
દાહોદ: ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમને સૌથી વધુ આવક કમાવી આપતા દાહોદ એસટી ડેપોની દિવસેને દિવસે હાલત કથળતી જાય છે. આ વર્ષે ચોમાસાની સિઝનમાં પડેલા વરસાદ ના કારણે દાહોદ ડેપોમાં ગંદકી જોવા મળી રહી છે. દાહોદ એસટી ડેપોમાં જ્યાં નજર મારો ત્યાં વરસાદી પાણી ભરેલા જોવા મળે છે. જેના કારણે મુસાફરોને ચાલવામાં બહુ તકલીફ પડતી જોવા મળી જોવા મળી રહી છે.

તેમાં પણ ખાસ કરીને જાહેર શૌચાલય બાજુ પાણીના ખાબોચિયા જોવા મળે છે. આ જાહેર શૌચાલયના કારણે સમગ્ર ડેપોમાં દુર્ગંધ ફેલાઈ રહી છે. જેના લીધે મુસાફરોને પોતાના નાક આગળ રૂમાલ કે દુપટ્ટો મુકવાનો વારો આવે છે. જાહેર શૌચાલયની આસપાસ કોઈપણ જાતની સાફ-સફાઈ જોવા મળતી નથી. આ ઉપરાંત ડેપોના વહીવટી તંત્ર દ્વારા કોઈપણ દવાનો છંટકાવ કરવાનો પણ વિચાર આવતો નથી. કાલે સવારે દાહોદની અંદર રોગચાળો ફાટે તો નવાઈ નહીં, પણ તેનું એપી સેન્ટર દાહોદ બસ સ્ટેન્ડ હશે તેવું દેખાઈ રહ્યું છે.

દાહોદ બસ સ્ટેન્ડ ની અંદર પ્રવેશતાની સાથે જ એસ.ટી કંટ્રોલરૂમની સામે જ મસમોટો ખાડો જોવા મળી રહ્યો છે. તેની આજુબાજુ પણ વરસાદી પાણી ભરેલા જોવા મળે છે. જેના કારણે મુસાફરોને બસમાં ચડતા કે ઉતરતા તકલીફ પડી રહી છે. અવારનવાર આ બાબતે મુસાફરોએ લાગતા વળગતા અધિકારીઓને પણ જાણ કરી છે તેમ છતાં અધિકારીઓ તરફથી કોઈપણ જાતના પગલાં લેવામાં આવ્યા નથી. નવાઈની વાત તો એ છે કે ડેપોની આસપાસ કેટલી ગંદકી જોવા મળે છે કે એક દાહોદ પાલિકા પણ કોઈ પગલાં લેતી નથી પાલિકાના હોદ્દેદારો તેમજ ડેપોના અધિકારીઓ એવું નક્કી કરી રહ્યા છે કે દાહોદ શહેર તેમજ ડેપોમાંથી મુસાફરો રોગચાળાની ઝપેટમાં આવે? તો આ બાબતે યોગ્ય નિકાલ આવે તેવી દાહોદ ડેપોમાંથી મુસાફરી કરતા મુસાફરોની તીવ્ર માગ છે.
ડેપો મેનેજર વસૈયાએ શૌચાલયની તરફ પણ ધ્યાન આપવું જરૂરી

દાહોદ બસ સ્ટેન્ડ ની અંદર કોઈપણ મહિલા , પુરુષ કે વૃદ્ધ હોય કે બાળકો, જાહેર શૌચાલયમાં જવું હોય તે પણ એકવાર વિચાર કરશે કે મારે જવું કઈ રીતે? પહેલા આજુબાજુ વરસાદી પાણીના આબોચિયા ભરેલા જોવા મળે છે. આ ઉપરાંત શૌચાલયની આજુબાજુના સમગ્ર વિસ્તારમાં એમ પણ કહેવાય કે શૌચાલતયની દુર્ગંધ છેક દાહોદ ડેપોના પ્રવેશતાની સાથે જ આવે છે. જેના કારણે અજાણ્યા મુસાફરોને બી પણ ખબર પડે છે કે અમે દાહોદ ડેપો ની અંદર આવી ગયા. અત્રે ઉલ્લેખનીય છે કે સમગ્ર દાહોદ ડેપોની અંદર કોઈપણ જાતનો દવાનો છંટકાવ કરવામાં આવતો નથી.