આચાર્યે મામલો દબાવવાનો પ્રયાસ કર્યો? ઉચ્ચ કક્ષાએ જાણ ન કરતા અનેક સવાલો!
(પ્રતિનિધિ) નડિયાદ, તા.3
મહુધાની સરકારી શાળામાં શિક્ષિકા દ્વારા ધો. 8ની વિધાર્થિનીનો ચોટલો કાપી નખાતા ભારે વિવાદ સર્જાયો છે. બાળકીના ઘરે જાણ થતા પરિવારજનો શાળાએ પહોંચી ઉગ્ર રજૂઆત કરી હતી, જેના પગલે શિક્ષણ જગતમાં ચર્ચાનો વિષય બન્યો છે.
ખેડા જિલ્લાના મહુધામાં શિક્ષણ આલમને હચમચાવી દેનારો એક સનસનાટીભર્યો ઘટનાક્રમ સામે આવ્યો છે. મહુધાની સરકારી પ્રાથમિક કન્યા શાળામાં ધોરણ 8માં અભ્યાસ કરતી એક માસૂમ બાળાના વાળ યોગ્ય રીતે તૈયાર કરેલા ન હોવાના મામલે, સંગીતાબેન નામની એક શિક્ષિકાએ બાળકીની ચોટલી કાપી નાખતા ખળભળાટ મચી ગયો છે.
ક્લાસરૂમમાં જ બાળાની ચોટલી કાપી નાખવાની આ શરમજનક ઘટના બાદ, ભયભીત બાળાએ ઘરે જઈને તેની માતાને જાણ કરતા પરિવારજનો ગુસ્સામાં તાત્કાલિક શાળાએ પહોંચ્યા હતા અને ભારે હોબાળો થયો હતો. બુધવારના રોજ આ સમગ્ર ઘટના બની હોવા છતાં, શાળાના આચાર્ય કેતનભાઈ પટેલ દ્વારા જાણે કે આ ગંભીર મામલાને દબાવવાનો પ્રયાસ થતો હોય તેમ ફક્ત શિક્ષિકાનો એક માફી પત્ર લખાવવામાં આવ્યો હતો. તેમના દ્વારા આચાર્ય તરીકે ઉચ્ચ કક્ષાએ કે શિક્ષણ વિભાગના સંબંધિત અધિકારીઓને કોઈપણ પ્રકારની જાણ કરવામાં આવી ન હતી, જે તેમની ભૂમિકા પર ગંભીર સવાલો ઉભા કરે છે. આચાર્યની આ બેદરકારી કે જાણીજોઈને કરેલા પ્રયાસે મામલાને વધુ વકર્યો છે.
મામલો ઉગ્ર બનતા શિક્ષણ વિભાગ હરકતમાં
શાળા કક્ષાએ મામલો દબાવવાનો પ્રયાસ થયો હોવા છતાં, ગુરુવારના રોજ આ ઘટના સામે આવી. તાલુકા શિક્ષણ અધિકારીની ટીમ સ્કૂલ પર પહોંચી તપાસ આદરી હતી. દરમિયાન સમગ્ર ઘટનાની જાણ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને પણ કરવામાં આવી છે. હાલ તો આ મામલે તાલુકા શિક્ષણાધિકારી રીપોર્ટ તૈયાર કરી ઉચ્ચ કક્ષાએ મોકલશે, તે બાદ શિક્ષિકા સામે પગલાં લેવાય તેવી સંભાવના છે.
શિક્ષિકા સામે કડક કાર્યવાહીની માંગ

શિક્ષિકા સંગીતાબેન દ્વારા આચરવામાં આવેલી આ માનસિક ત્રાસ આપનારી અને શરમજનક કરતૂત બહાર આવી છે. શિક્ષણ વિભાગ દ્વારા આ મામલે સત્વરે અને કડક કાર્યવાહી કરવામાં આવે તેવી વાલીઓ અને જાગૃત નાગરિકોમાં ઉગ્ર માંગ ઉઠી રહી છે. આ બાબત શિક્ષણ ક્ષેત્રમાં શિસ્તના નામે થતા દુરુપયોગ અને બાળકોના અધિકારોના ભંગ અંગે ગંભીર ચિંતન માંગી લેતી ઘટના છે.