Kapadvanj

કપડવંજમાં વીજ કંપનીની મોન્સૂનની કામગીરીમાં ઘોર બેદરકારી, લટકતા વાયરો જોખમી

કપડવંજ: કપડવંજ નગરના રત્નાકર માતા રોડ ઉપર આવેલી નીલકંઠ નગર સોસાયટીમાં ચોમાસા દરમિયાન ભારે પવન અને વરસાદના કારણે વીજ વાયર પર ત્રણથી ચાર ઝાડ નમી પડ્યા છે જેના કારણે મોટો અકસ્માત થવાનો ભય છે.

કેટલાક ઝાડની ડાળીઓ વચ્ચેથી વીજ વાયર પસાર થાય છે. જેના કારણે કરંટ લાગવાથી માડીને વીજ વાયર તૂટી પડવાની પૂરી શક્યતા રહેલી છે. વીજળીનો એક થાંભલો પણ નમી ગયો છે. આ બાબતે કપડવંજ ખાતે ઇજનેરને ટેલીફોનિક રજૂઆતો કરવા છતાંય અકસ્માત થવાની જાણે રાહ જોતા હોય તેમ કેટલાય દિવસો વીતી જવા છતાં હજુ સુધી આ કામગીરી કરવામાં આવી નથી. તો શું કપડવંજ ખાતે મોટો અકસ્માત થાય તેની રાહ જોઈ રહ્યા છે, આ એક મોટો પ્રશ્ન ઉપસ્થિત થાય છે.

સાથે સાથે નાની રત્નાકર માતા રોડ ઉપર ઘણી જગ્યાએ ઝાડ અને તેની ડાળીઓ માંથી વાયરો પસાર થાય છે તે હજુ સુધી દૂર કરવામાં આવ્યુ નથી તેવું લોકોનું કહેવું છે. આને લઈને વારંવાર લાઈટો જવાની સમસ્યાઓ સર્જાય છે. તો તંત્ર દ્વારા વહેલી તકે વાયરોને અડતી ઝાડની ડાળીઓ નો નિકાલ કરવામાં આવે તે ખૂબ જ જરૂરી બન્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે હાઇકોર્ટે વીજ વાયરો ઝાડને સ્પર્શે નહીં અને તે માટે પગલા લેવાની વીજ બોર્ડની ફરજ છે તેવો ચુકાદો આપ્યો છે.

Most Popular

To Top