આજના સમયમાં જો ભારતીય નાગરિક સૌથી વધુ નાણાં ચૂકવતો હોય તો તે જીએસટીના નાણાં છે. મોબાઈલ બિલથી માંડીને કોઈપણ વસ્તુની ખરીદી કરવામાં આવે તો તેમાં 5 ટકાથી શરૂ કરીને 28 ટકા સુધીનો જીએસટી લાગ્યો હોય છે. જેને ચૂકવવો પડે છે. જ્યારે જીએસટીના અમલની શરૂઆત કરવામાં આવી ત્યારે જ તેની સામે વિરોધ ઉઠ્યો હતો. તે સમયે સરકારે જડતા દાખવી હતી સરકારે જે રીતે વિવિધ વસ્તુઓ પર વધારે જીએસટી નાખ્યો છે તેણે સરકારની તિજોરી તરબતર કરી નાખી છે. રોજ જીએસટી કલેકશનના આંકડાઓ વધી રહ્યા છે અને હવે તે ટૂંક સમયમાં એક જ વર્ષમાં 24 લાખ કરોડ રૂપિયાની જીએસટીની વસૂલાત પર પહોંચશે. જીએસટીની આ તગડી આવકે સરકારને ખુશ કરી નાખી છે પરંતુ જીએસટી ચૂકવવામાં સામાન્ય માનવીની કમર તૂટી રહી છે. તેમાં પણ 28 ટકા જીએસટી એ એક પ્રકારે લૂંટ સમાન જ ગણી શકાય.
તાજેતરમાં એવી ચર્ચાઓ ચાલી રહી છે કે કેન્દ્ર સરકાર દ્વારા જીએસટીના માળખામાં મોટો સુધારો કરવામાં આવી શકે છે. જેમાં 5 ટકાથી શરૂ કરીને 28 ટકાના જીએસટીના સ્લેબ ઓછા કરીને 3 જ સ્લેબ કરવામાં આવે. સાથે સાથે અનેક આવશ્યક ચીજવસ્તુઓને 12 ટકાના સ્લેબમાંથી 5 ટકાના સ્લેબમાં લઈ જવામાં આવે. અથવા તો 12 ટકાનો સ્લેબ જ નાબૂદ કરી દેવામાં આવે. સરકારની આ વિચારણા રાહત આપી તેવી છે પરંતુ સાથે સાથે એ વાત પણ મહત્વની છે કે જો ચીજવસ્તુઓ આવશ્યક હોય તો તેની પર જીએસટી શા માટે લગાડવામાં આવી રહ્યો છે? આ એવી આવશ્યક ચીજવસ્તુઓ છે કે જે નબળા અને મધ્યમવર્ગના પરિવારો માટે રોજના વપરાશમાં આવતી ચીજ-વસ્તુઓ છે.
આ ચીજ વસ્તુઓમાં જૂતા, ચંપલ, મિઠાઈ, કપડાં, સાબુ, ટૂથપેસ્ટ અને ડેરી ઉત્પાદનોનો સમાવેશ કરવામાં આવી શકે છે. સાથે સાથે પનીર, ખજૂર, સુકા ફળો, પાસ્તા, જામ, પેકેજ ફળોનો રસ, નમકીન, છત્રીઓ, ટોપી, સાયકલ, લાકડાનું ફર્નિચર, પેન્સિલ, શણ અને કપાસમાંથી બનેલી હેન્ડબેગ તેમજ શોપિંગ બેગનો પણ તેમાં સમાવેશ થઈ શકે છે. જોકે, સૌથી મોટી વાત એ છે કે જો આ વસ્તુઓ રોજની જરૂરીયાતની હોય તો પછી તેની પર જીએસટી લાગવો જ જોઈએ નહીં. જીએસટીમાં હાલમાં જે સ્લેબ અમલમાં છે તેમાં 5 ટકા, 12 ટકા, 18 ટકા અને 28 ટકાનો સમાવેશ થાય છે. ખરેખર જીએસટીના સ્લેબને તર્કસંગત બનાવવા જોઈએ. ગત વર્ષે નાણાંમંત્રીએ કહ્યું હતું કે, જીએસટીને તર્કસંગત બનાવીશું પરંતુ સને 2017માં લાગુ પડ્યા બાદ હજુ સુધી જીએસટીના સ્લેબ તર્કસંગત બની શક્યા નથી તે મોટી નવાઈની વાત છે.
સાથે સાથે જેની ઘણા સમયથી માંગ થઈ રહી છે તેવા પેટ્રોલ-ડિઝલને કેમ હજુ સુધી જીએસટી લાગુ પાડવામાં આવ્યો નથી તે મોટો પ્રશ્ન છે. તમામ ભારતીય નાગરિક પેટ્રોલ-ડિઝલનો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે પેટ્રોલ-ડિઝલનો વપરાશ કરે છે. આ સંજોગોમાં જો સૌથી વધુ જરૂરીયાતની કોઈ ચીજ-વસ્તુ હોય તો તે પેટ્રોલ અને ડિઝલ છે ત્યારે તેનો જીએસટીમાં સમાવેશ અતિજરૂરી છે પરંતુ સરકાર માટે પેટ્રોલ-ડિઝલ દુઝણી ગાય હોવાથી સરકાર તેનો જીએસટીમાં સમાવેશ કરવા માટે તૈયાર નથી. જીએસટીના મામલે સરકાર પ્રમાણિક નથી ત્યારે કેન્દ્ર સરકાર હવે તો પોતાની ફરજ બજાવે તે જરૂરી છે.