Entertainment

ભારતમાં ફરી એકવાર પાકિસ્તાની સેલિબ્રિટીઓના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર પ્રતિબંધ

ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા તણાવના કારણે ફરી એકવાર પાકિસ્તાની સોશિયલ મીડિયા પર કાર્યવાહી કરવામાં આવી છે.તા.3 જુલાઇ 2025ના રોજ ગુરુવારે સવારે પાકિસ્તાનની જાણીતી ફિલ્મ અને ટીવી ઇન્ડસ્ટ્રીની અનેક જાણીતી હસ્તીઓના ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર (હવે X) એકાઉન્ટ્સને ભારતમાં ફરીથી પ્રતિબંધિત કરવામાં આવ્યા છે. હાલમાં માહિરા ખાન, ફવાદ ખાન, શાહિદ આફ્રિદી, હાનિયા આમિર અને યુમના ઝૈદી સહિત અનેક સેલિબ્રિટીઓના એકાઉન્ટ ભારતમાં ઉપલબ્ધ નથી.

આ કાર્યવાહી તા.22 એપ્રિલે જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદની ઘટનાઓ સાથે જોડાઈ રહી છે. આ હુમલા પછી ભારતે “ઓપરેશન સિંદૂર”ના નામે પાકિસ્તાની ડિજિટલ માધ્યમો અને હસ્તીઓ સામે પગલાં લીધા હતા. જેમાં ઘણાં પાકિસ્તાની યુટ્યુબ ચેનલો અને સોશિયલ મીડિયા એકાઉન્ટ્સને ટાર્ગેટ કરવામાં આવ્યા હતા.

તેમજ તે સમયે ડોન ન્યૂઝ, જિઓ ન્યૂઝ, સમા ટીવી અને એઆરવાય ન્યૂઝ સહિત 16થી વધુ પાકિસ્તાની યુટ્યુબ ચેનલો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. આરોપ હતો કે આ માધ્યમો ભારતમાં ભડકાઉ માહિતી પ્રસારિત કરી રહ્યાં હતાં.

હાલની ઘટનાઓ અનુસાર, તા.2 જુલાઈએ કેટલાક પ્રતિબંધિત એકાઉન્ટ્સ ફરીથી એક્સેસીબલ બન્યા હતા. ફવાદ ખાન, શાહિદ આફ્રિદી, સબા કમર, અહદ રઝા મીર, માવરા હોકેન જેવા સેલિબ્રિટીઓના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ફરી દેખાવા લાગ્યા હતા. પણ માત્ર 24 કલાકમાં ફરીથી આ એકાઉન્ટ્સ પર પ્રતિબંધ લગાડવામાં આવ્યો છે.

એટલું જ નહીં, પાકિસ્તાનના હમ ટીવી, એઆરવાય ડિજિટલ અને હર પાલ જિયો જેવા ટીવી ચેનલોના યુટ્યુબ ચેનલોને પણ પાછો પ્રતિબંધ લાગ્યો છે.

આ ઘટનાઓ વચ્ચે ભારત સરકાર અથવા સત્તાવાર એજન્સી તરફથી હજુ સુધી કોઈ સ્પષ્ટ નિવેદન આવ્યું નથી. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સે પણ પ્રતિબંધના કારણો જાહેર કર્યા નથી. આ કારણે લોકો અને મીડિયા બંનેમાં ભ્રમ વ્યાપી રહ્યો છે.

Most Popular

To Top