ડભોઇ શિક્ષકોની શરાફી મંડળીમાં એસીબીએ છટકુ ગોઠવ્યુ
શાળાના વાર્ષિક ઓડિટમાં ક્વેરી નહી કાઢવા માટે લાંચની માગણી કરી

પ્રતિનિધિ વડોદરા તા.2
ડભોઇ તાલુકા પ્રાથમિક શિક્ષકોની શરાફી મંડળીમાં શાળાના ઓડિટમાં કોઇ ક્વેરની નહી કાઢવા માટે ગ્રૂપ આચાર્ય પાસે રૂ. 2 હજારની લાંચની માગણી કરવામાં આવી હતી. જેથી ગ્રુપ આચાર્યે એસીબીમાં ફરિયાદ કરતા એન્ટી કરપ્શન બ્યુરોની ટીમે છટકુ ગોઠવીને ડભોઇ સરદાર પટેલ શોપિંગ સેન્ટર ખાતે શરાફી મંડળીમાં બે હજારની લાંચ લેતા શિક્ષક સંઘના પ્રમુખ સહિત ચાર શિક્ષકોને ઝડપી પાડ્યા હતા.
ડભોઇ તાલુકાની પ્રાથમિક શાળામાં ગ્રૂપ આચાર્ય ફરજ બજાવતા અરજદાર તેમની શાળામાં વર્ષ 2021-2022ના વર્ષનું ઓડિટ ઓડિટર જયશ્રીબેન હીરા સોલંકી દ્વારા મે 2025માં કરવામાં આવ્યું હતું. જેનો ઓડિટ રિપોર્ટ પણ આવવાનો બાકી છે. ત્યારે આ ઓડિટમાં કોઈ ક્વેરી ન કાઢવા માટે વસઈ ગ્રુપ પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા ઘનશ્યામ ભુપેન્દ્ર પટેલે ઓડિટરને રૂ.40 હજાર આપવા માટે ડભોઇ તાલુકાના તમામ ગ્રુપ આચાર્ય પાસે રૂ.2 હજારની લાંચની માંગણી કરી હતી. પરંતુ અરજદારે લાંચની રકમ તેઓ આપવા માંગતા ન હોય વડોદરા ગ્રામ્ય એસીબીનો સંપર્ક કરી ફરિયાદ આપી હતી. જેથી એસીબીના નાયબ નિયામક પી એચ ભેસાણીયાની સુચના મુજબ ઇન્ચાર્ચ પીઆઇ વડોદરા ગ્રામ્ય એ જે ચૌહાણે અને તેમની ટીમે આરોપીઓને રંગે હાથ પકડવા માટે લાંચનું છટકુ ગોઠવ્યું હતું. દરમ્યાન આ કામના આરોપીઓ ડભોઇ તાલુકા પ્રાથમિક શિક્ષકોની સહકારી શરાફી મંડળીની કચેરીમાં સાથે બેઠા હતા અને તેઓ તમામની હાજરીમાં આરોપી ઘનશ્યામ પટેલે અરજદાર ગ્રૂપ આચાર્ય સાથે વાતચીત કરી લાંચના નાણાં રૂ.2 હજાર સ્વીકારી બુદ્ધિસાગર સોમા પટેલને આપ્યા હતા. તેઓએ મહેન્દ્રસિંહ ગણપતસિંહ સોલંકીને આપ્યાં હતા. તેઓએ લાંચના નાણાં મુકુંદ પટેલને આપ્યાં હતા. ત્યારબાદ આ મુકુંદ પટેલે રૂપિયા સ્વીકારી પોતાના ટેબલ ઉપર અન્ય આચાર્યો દ્વારા આપવામાં આવેલા રૂ.14 હજારની સાથે તેને એક ચીઠ્ઠીમાં લખી સાથે રાખી દીધા હતા. ત્યારબાદ એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા બે આચાર્ય સહિત 4 આરોપીઓને ઝડપી પાડ્યાં હતા. જ્યારે ઓડિટર મહિલા જયશ્રીબેન હીરા સોલંકીને વોન્ટેડ જાહેર કરાઇ છે.