વડોદરા :;શહેરના બહુચરાજી રોડ પર આવેલા કલ્પ બિઝનેસ કોમ્પલેક્ષમાં વીજ મીટરમાં શોર્ટ સર્કિટના કારણે ધુમાડા નીકળતા દોડધામ મચી ગઇ હતી. જ્યારે , આ કોમ્પ્લેક્સમાં નીચેના ભાગે દુકાનો તેમજ એસબીઆઇ બેન્ક અને ફટાકડાની દુકાન પણ આવેલી છે. જેને કારણે લોકોમાં ફફડાટ ફેલાયો હતો. જોકે બનાવની જાણ થતા જ ફાયર બ્રિગેડ અને જીઈબીની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને આગ ઉપર કાબુ મેળવ્યો હતો.
વડોદરા શહેરમાં આગ લાગવાના બનાવમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે, તેવામાં બુધવારે સાંજે શહેરના બહુચરાજી રોડ ઉપર આવેલા કલ્પ બિઝનેસ કોમ્પ્લેક્સના વીજ મીટરમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હતી. ધુમાડા નીકળતા કોમ્પ્લેક્સના લોકોમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો હતો. કોમ્પ્લેક્સમાં ઉપરના ભાગે રહેણાંક ફ્લેટ આવેલા છે. જ્યારે નીચેના ભાગે દુકાનો એસબીઆઇની બેંક તેમજ એક ફટાકડાની દુકાન પણ આવેલી છે. જેને લઈને લોકોના જીવ પડીકે બંધાયા હતા. બનાવની જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેડ અને જીઈબીની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી. સર્વપ્રથમ વીજ પુરવઠો બંધ કરીને પરિસ્થિતિ ઉપર કાબુ મેળવ્યો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ન હતી.