હાલોલ: પંચમહાલ જિલ્લાના યાત્રાધામ પાવાગઢના તળેટી ખાતે આવેલી ચાંપાનેર પ્રાથમિક શાળામાં આજે બુધવારના રોજ સવારે ચાલુ શાળાએ અચાનક પ્રાર્થના હોલમાં ઝેરી ચંદન ઘો આવી જતા બાળકોએ ભયભીત થઈ સ્કૂલમાં ભાગદોડ મચાવી દીધી હતી. જોકે શાળાના આચાર્યે સાવચેતીના ભાગરૂપે ગામના સ્થાનિક જીવ દયા પ્રેમીને બોલાવી ઝેરી ચંદન ઘોને પકડી જંગલમાં છોડી મૂકવામાં આવી હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર પંચમહાલ જિલ્લાના યાત્રાધામ પાવાગઢની તળેટીમાં ચાંપાનેર પ્રાથમિક શાળામાં આજે ચાલુ શાળામા પ્રાર્થના ચાલતી હતી. તેજ સમયે ઝેરી ચંદન ઘો પ્રાર્થના હોલમાં આવી જતા બાળકોની નજર ચંદન ઘો પર પડતા બાળકો ગભરાઈ બૂમાબૂમ અને દોડાદોડ કરી મૂકી હતી.
જોકે અગમચેતીના ભાગરૂપે શાળાના આચાર્યે પાવાગઢ ગામના સ્થાનિક જીવદયા પ્રેમી પ્રવીણભાઈ ઠાકોર તેમજ જીગરભાઈ પટેલને જાણ કરતા તેઓ શાળા ખાતે દોડી આવી ઝેરી ચંદન ઘોને પકડી પાવાગઢના જંગલમાં છોડી દેવામાં આવતા લોકોમાં હાશકારો અનુભવ્યો હતો.