National

હિમાચલમાં વાદળ ફાટવાથી ભારે વિનાશ: મંડી જિલ્લામાં 10ના મોત, 30 ગુમ, 406 રસ્તા બંધ

હિમાચલ પ્રદેશમાં વાદળ ફાટવાના કારણે ભારે વરસાદ થતા તબાહી સર્જાઈ છે. જેમાં સૌથી વધુ અસર હિમાચલના મંડી જિલ્લામાં નોંધાઈ છે, જ્યાં તા.1 જુલાઇ મંગળવારે વિવિધ સ્થળોએ વાદળ ફાટવાના કિસ્સાઓ સામે આવ્યા. સત્તાવાર માહિતી મુજબ રાજ્યભરમાં 11 જગ્યાએ વાદળ ફાટ્યા હતા, જેમાંથી 7 સ્થળો મંડી જિલ્લામાં હતા.

મંડી જિલ્લામાં ભારે નુકસાન, 10 મોત, 30 લોકો ગુમ:
મંડીના ગોહર, કારસોગ, થુનાગ અને ધરમપુર સબ-ડિવિઝન ક્ષેત્રોમાં વાદળ ફાટવાના કારણે અનેક ઘરો ધરાશાયી થયા અને પૂર આવ્યાં હતા.પૂર આવવાના કારણે પાણીમાં તણાઈ જતા કુલ 10 લોકોના મોત થયા છે, જ્યારે 30 લોકો હજુ પણ ગુમ છે. ગોહરમાં 5, સેરાજમાં 4 અને કારસોગમાં 1 મોત નોંધાયા છે. ગ્રામજનો અને વહીવટી તંત્રના સહયોગથી અત્યાર સુધીમાં લગભગ 132 લોકોને સુરક્ષિત રીતે બચાવાયા છે.

ગોહરના સ્યાંજ વિસ્તારમાં પૂર આવતા બે ઘરો ડૂબી ગયા હતા, આના કારણે ઝાબે રામ અને પદમ દેવ સહિત તેમના પરિવારના નવ સભ્યો તણાઈ ગયા હતા. તેમાંથી દેવકુ દેવીનો મૃતદેહ કાંગરા જિલ્લાના દેહરામાં અને ઉમા દેવીનો મૃતદેહ જોગીન્દરનગર સબડિવિઝનમાં બિયાસ નદીના કિનારે મળી આવ્યો હતો,જ્યારે અન્યની શોધ ચાલુ છે.

બીજી એક ઘટના બારા પંચાયતમાં થઈ, જ્યાં એક ઘર તૂટી પડતાં પરિવારના છ લોકો કાટમાળમાં દટાઈ ગયા હતા.જેમાં માતા-પુત્રના મોત થયા અને ચારને બચાવી લેવામાં આવ્યા હતા.

પરવાડામાં નાળામાં વહેતા પાણીમાં માતા, પુત્ર અને પુત્રવધૂ તણાઈ ગયા હતા, જ્યારે પાંચ વર્ષની બાળકી બચી ગઈ. સેરાજના અન્ય વિસ્તારોમાં શાળાના કર્મચારીના સંબંધીઓ સહિત 19 લોકો તણાઈ ગયા, જેમાંથી 4ના મૃતદેહ મળી આવ્યા છે.

અઢી દિવસથી વીજ ઉત્પાદન બંધ, માર્ગ અને પુલો નષ્ટ:
મંડીના લાર્જી અને દહેર પાવર હાઉસમાં વીજ ઉત્પાદન 28 કલાકથી બંધ છે. પાટિકારી પાવર પ્રોજેક્ટને પણ મોટું નુકસાન થયું છે. જિલ્લામાં 5 પુલ ધોવાઈ ગયા છે, અને અંદાજે 70 પશુઓના મૃત્યુ થયાનું જાણવામાં આવ્યું છે. જમીન ધોવાતા ધરમપુરના સ્યાઠી ગામમાં 10 ઘરો નાશ પામ્યા છે.

406 રસ્તા બંધ, ટ્રાન્સફોર્મરો અને પાણીની લાઇનોને નુકસાન:
રાજ્યમાં કુલ 406 માર્ગો વરસાદ પછી બંધ થઈ ગયા છે. 1515 ટ્રાન્સફોર્મરો અને 171 પીવાના પાણીની યોજનાઓને પણ નુકસાન પહોંચ્યું છે. વડાપ્રધાન દ્વારા રાહત કામગીરી ઝડપી બનાવવાના નિર્દેશો આપવામાં આવ્યા છે.

ઉના અને સોલનમાં પણ ભારે વરસાદ, રેલ સેવા ઠપ્પ:
ઉના જિલ્લાના બાસલ ગામમાં સ્વાન નદીમાં પાણીના સ્તર વધતાં પાંચ સ્થળાંતરિત મજૂરો ફસાઈ ગયા હતા, જેમને પોલીસે બે કલાકના ઓપરેશન બાદ બચાવ્યા. સોલનમાં પણ બાંધકામની સાઇટ પાસે ભૂસ્ખલન થયું હતું, જેમાં કામ કરતા મજૂરો સહેજ રીતે બચી ગયા.

કાલકા-શિમલા રેલવે ટ્રેક પર પણ ભૂસ્ખલનના કારણે ટ્રેનોને રોકવામાં આવી. સલોગરા નજીક ટ્રેક પર પડેલા કાટમાળને કારણે ટ્રાફિક બંધ થયો અને ટ્રેનો મોડે દોડી.

હવામાન વિભાગની આગાહી:
છેલ્લા 24 કલાકમાં મંડીના સેંડહોલ વિસ્તારમાં સૌથી વધુ 223.6 mm વરસાદ નોંધાયો. કાંગડામાં તાપમાન સામાન્ય કરતા 11 ડિગ્રી ઓછી થઈ ગયું. હવામાન વિભાગે 3 જુલાઈ સુધી ભારે વરસાદ અને 4-5 જુલાઈએ કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહી આપી છે. ખાસ કરીને કાંગડા, સોલન, ઉના, શિમલા, હમીરપુર અને બિલાસપુરને અલર્ટ પર રાખવામાં આવ્યા છે.

500 કરોડ રૂપિયાના નુકસાનનો અંદાજ:
મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુએ પત્રકારો સાથે વાતચીતમાં જણાવ્યું કે રાજ્યમાં અત્યાર સુધીમાં 500 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે અને આ આંકડો હજી વધી શકે છે. રાજ્ય સરકારે રાહત અને પુનર્વસન કાર્ય માટે તાત્કાલિક પગલાં લીધા છે. તેઓએ કહ્યું કે રાજ્ય સરકાર આફતની ઘડીમાં લોકોની સાથે ઊભી છે અને તમામ તંત્રો સાથે મળીને કાર્યરત છે.

અપૂર્વ દેવગન(ડેપ્યુટી કમિશનર) મંડીએ પોતાની ટીમ સાથે રાતભર સંકલન કરી અને અનેક લોકોને સુરક્ષિત સ્થળે ખસેડ્યા હતા. તંત્રે 287 લોકોને બચાવ્યા છે અને ગુમ થયેલાઓને શોધવા માટે NDRF, SDRF, પોલીસ અને હોમગાર્ડની ટીમો કામે લાગી ગઈ છે.

Most Popular

To Top