શાંઘાઈથી ટોક્યો જતી જાપાન એરલાઇન્સની એક ફ્લાઇટમાં મુસાફરો માટે જીવલેણ પળો સર્જાઈ હતી. બોઇંગ 737 વિમાન, જે સ્પ્રિંગ જાપાન સાથેના કોડ-શેર કરાર હેઠળ કાર્યરત હતું, તે અચાનક 10 મિનિટમાં આશરે 36,000 ફૂટ ઊંચાઈથી 10,500 ફૂટની નીચે ઉતર્યું, જેના કારણે મુસાફરોમાં ભયનો માહોલ સર્જાયો હતો.
વિમાનમાં કુલ 191 મુસાફરો અને ક્રૂ સભ્યો હતા. અહેવાલ મુજબ,યાંત્રિક તકલીફના કારણે આ ફ્લાઇટનું ઈમરજન્સી લેન્ડિંગ કરાવવું પડ્યું હતું.કાનસાઈ એરપોર્ટ પર વિમાનને સલામત રીતે ઉતારવામાં આવ્યું. ફ્લાઇટ દરમિયાન હવાની તીવ્રતામાં ફેરફારના કારણે ઓક્સિજન માસ્ક બહાર આવ્યા અને મુસાફરોને તેને પહેરવાની ફરજ પડી હતી.ઓક્સિજન માસ્ક છૂટા પડતાં મુસાફરોને ડર હતો કે વિમાન ક્રેશ થશે.
ફ્લાઇટની સલામત લેન્ડિંગ થયા પછી તરત જ મુસાફરોએ સોશિયલ મીડિયા પર પોતાના ડર અને અનુભવ વ્યક્ત કરતાં કહ્યું કે તેઓ જાણે જીવન અને મૃત્યુ વચ્ચે ઝૂલી રહ્યા હોય તેવો અનુભવ થયો હતો. એક યાત્રીએ લખ્યું, “મારું શરીર ભલે અહીં છે, પરંતુ મારો આત્મા હજી પણ ત્યાજ છે. મારા પગ હજુ પણ ધ્રુજી રહ્યા છે.”
સદ્દનસીબે વિમાનમાં કોઈપણ મુસાફરને ઈજા થઈ ન હતી. મુસાફરોને 15,000 યેન ($104)નું વળતર અને હોટલમાં એક રાત રહેવાની વ્યવસ્થા આપવામાં આવી હતી. હવાના તીવ્રતામાં ફેરફારને સંબંધિત સમસ્યાને લઈને આ ઈમરજન્સી લેન્ડિંગ થયું હોવાનું માનવામાં આવી રહ્યું છે, જોકે અધિકારીઓએ તપાસ શરૂ કરી છે.
આ ઘટના એ સમયનાં તાજેતરના બોઇંગ વિમાન સાથે થયેલા દુર્ઘટનાઓમાં વધુ એક કડી છે. અગાઉ, દક્ષિણ કોરિયામાં જેજુ એરનું બોઇંગ 737-800 અને ચાઈના ઇસ્ટર્ન એરલાઇન્સની ફ્લાઇટ પણ દુર્ઘટનાગ્રસ્ત થઈ હતી જેમાં અનેક મોત થયા હતા.
જાપાન એરલાઇન્સની આ ઘટના એવિએશન ક્ષેત્ર પર ફરીથી સલામતી પ્રશ્નો ઊભા કરે છે. યાત્રિકોની સુરક્ષા માટે હવે વધુ ચુસ્ત તપાસ અને યોગ્ય નિર્ણયો લેવાવાની જરૂરિયાત જણાઈ રહી છે.