પ્રતિનિધિ આણંદ તા 1
એસટી વિભાગ, નગરપાલિકા તંત્ર , ફૂડ વિભાગ અને એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ દ્વારા કાર્યવાહી
તારાપુર સિકસ લેન રોડ પર ઇસરવાડા ગામ નજીક આવેલી ન્યુ માયા હોટલમાં બપોરે જમવા બેઠેલા એસટીબસના ડ્રાઇવરે મંગાવેલા ભોજનની પ્લેટમાં મૃત ગરોડી મળી આવતાં હોબાળો મચી જવા પામી હતો. ભોજન કરનાર ડ્રાઇવર ગભરાઇ ગયો હતો. ડ્રાઇવરને હોસ્પિટલમા ખસેડવામાં આવ્યો હતો.જોકે એસટી વિભાગ દ્વારા આકરાં પગલાં લેવામાં આવ્યાં છે. તાત્કાલિક અસરથી માયા હોટલનો પરવાનો રદ કરી દીધો છે. તો સ્થાનિક નગરપાલિકા તારાપુર ધ્વારા પણ હોટલ વિરુદ્ધ કડકપણે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી મુજબ ન્યુ માયા ઈસરવાડા હોટલ ખાતે 30મી જુનના રોજ અંદાજિત રાત્રે 1 કલાકની આસપાસ હાઇવે હોલ્ટ કરેલ રૂટ ઉપલેટા – કવાંટ બસ દ્વારા રોકાણ કરવામાં આવ્યું હતું અને ડ્રાઇવર કંડકશન જમવા બેસેલ હતા ત્યારે ડ્રાઇવરની જમવાની ડીશમાં ગરોળી જોવા મળેલ હતી. જે ખૂબ જ ગંભીર બાબત હોય જેને ધ્યાને તાત્કાલિક એસ.ટી વિભાગના અધિકારીઓ દ્વારા આ બાબતની તપાસ હાથ ધરી ચકાસણી કરતા ઉપરોક્ત બનાવવાની વિગતો સાચી જણાઈ આવતા હોટલ ન્યુ માયા ઇસરવાડા, તારાપુરનો હાઇવે હોટલનો પરવાનો તાત્કાલિક અસરથી રદ કરવામાં આવેલ છે, તેમ નડિયાદ વિભાગના વિભાગીય નિયામક સી.ડી.મહાજન ધ્વારા જણાવવામાં આવ્યું છે.
એસટી વિભાગની સાથે સાથે તારાપુર નગરપાલિકા દ્વારા પણ હોટલ વિરુદ્ધ કડકપણે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તારાપુર નગર પાલિકાના ચીફ ઓફિસર, ફૂડ વિભાગ , મામલતદાર કચેરીની ટીમે સંયુક્ત રીતે તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન બિન અધિકૃત રીતે વપરાતા બે ઘરેલું ગેસના બોટલ મળી આવ્યા હતા, બન્ને બોટલ જપ્ત કરાયા છે.
એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની તપાસમા
તારાપુર ઇસરવાડા હાઈવે પરની ખુબ ચર્ચિત બનેલી ન્યૂ માયા હોટલ માં ૩ બાળ મજૂરો પણ મળી આવ્યા હતા. જેથી બાળ મજૂર અધિનિયમ હેઠળ પણ હોટલ સંચાલકો વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરાઈ છે.