Vadodara

વડોદરા : રિક્ષામાં બેસાડવાના બહાને ટોળકીએ મહિલાની બે સોનાની બંગડી સરકાવી લીધી

આજવા ચોકડીથી તરસાલી દીકરીના ઘરે જઈ રહેલી મહિલાને રિક્ષામાં બેસાડી ટોળકીએ ખેલ પાડ્યો

પોલીસે પીછો કરીને રીક્ષા ચાલક ત્રિપુટીને ઝડપી પાડી, અન્ય એક શખ્સ ફરાર

વડોદરા તારીખ 1
હવે રિક્ષામાં મુસાફરી કરવા બેસો તો ધ્યાન રાખજો કારણકે રીક્ષામાં બેસાડવાના બહાને દાગીના તોફડાવતી ટોળકી શહેરમાં ફરી રહી છે. આજવા ચોકડી પાસેથી રિક્ષામાં બેઠેલી 75 વર્ષીય મહિલા તરસાલી ખાતે દીકરીના ઘરે જતી હતી. ત્યારે અગાઉથી ડ્રાઇવર સાથે એક તથા પાછળની સીટ પર બે શખ્સ બેઠેલા હતા. આ બે શખ્સોએ મહિલાની બે સોનાની બંગડી કાપીને કાઢી લીધી હતી. ત્યારબાદ રિક્ષા લઈને ટોળકી ભાગી હતી. ત્યારે અન્ય રિક્ષામાં પીછો કરતા રસ્તામાં દેખાયેલી પોલીસ વાનને તમામ હકીકત મહિલાએ જણાવતા પોલીસે રિક્ષાનો પીછો કરીને ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા હતા જ્યારે એક ફરાર થઈ ગયો હતો. બે સોનાની બંગડી રૂપિયા એક લાખ, રીક્ષા રૂપિયા દોઢ લાખ અને એક મોબાઇલ રૂ. 10 હજાર મળી કુલ રૂ. 2.60 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

આજવા રોડ પર આવેલા નિમેટા ગાર્ડન પાસે પુનિત નગરમાં રહેતા તારાબેન પ્રવીણભાઈ પટેલ (ઉંવ.75) 30 જૂનના રોજ સવારના દસ વાગ્યાના અરસામાં ઘરેથી તરસાલી ખાતે રહેતી દીકરીના ઘરે જવા માટે નીકળ્યા હતા. તે દરમિયાન
આજવા ચોકડી પાસે નેશનલ હાઇવે નંબર 48 પર રીક્ષા સ્ટેન્ડ ખાતે ઉભા હતા. દરમિયાન એક રીક્ષા તેમની પાસે આવીને ઊભી રહી હતી અને તેઓ રીક્ષામાં બેઠા હતા. ત્યારે રીક્ષામાં અગાઉથી જ ડ્રાઇવર પાસે એક જ્યારે અન્ય બે શખ્સ પાછળની સીટ પર પાસે બેઠાં હતાં અને રીક્ષા તરસાલી તરફ લઈ જતા હતા. દરમ્યાન મહિલાએ પહેરેલી સોનાની બે બંગડી નજર ચુકવી કાપી લઈ લીધી હતી. જેથી મહિલાને શંકા જતાં ચાલકને તું રીક્ષા ઉભી રાખ બાજુમાં બેઠેલા શખ્સોએ બંગડી કાપી લીધી છે. ચાલકે એલ એન્ડ ટી કંપનીની આગળ રીક્ષા ઉભી રાખી હતી. જેવા મહિલા રીક્ષામાં બંગડી પડી છે તેવું ચેક કરવા માટે નીચે ઉતાર્યા હતા. ત્યારે ચાલકે રિક્ષા દોડાવી ભાગ્યા હતા. જેથી મહિલાએ અન્ય રિક્ષામાં બેસી તેમનો પીછો કર્યો હતો. દરમિયાન રોડ ઉપર પોલીસની વાન દેખાતા મહિલાએ પોલીસ કર્મચારીઓને તેમની હકીકત જણાવી હતી. ત્યારે પોલીસે વાનમાં પીછો કર્યા બાદ રીક્ષાની આગળ ઉભી રાખી દીધી હતું પરંતુ ધર્મેશ ધીરુ ચૌહાણ ભાગી ગયો હતો. જ્યારે વસંત કેશુ સોલંકી, સુનિલ વિનુ સોલંકી, હિમ્મત રાઠોડને ઝડપી પાડયા હતા. ત્રણેય શખ્સોને કપુરાઈ પોલીસ સ્ટેશન ખાતે લાવતા પોલીસે તેમની ધરપકડ કરી લીધી હતી. બંગડી બાબતે પૂછપરછ કરતા રસ્તામાં ફેંકી દીધી હોવાનું જણાવ્યું હતું. જેથી પોલીસે તેમને જ્યાં બંગડી ફેંકી હતી ત્યાં જ શોધખોળ કરતા બંને બંગડી મળી આવી હતી. બે બંગડી રૂપિયા એક લાખ, રીક્ષા રૂપિયા દોઢ લાખ અને મોબાઈલ રૂ. 10 હજાર મળી રૂ.2.60 હજારનો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top