કચ્છ જિલ્લામાંથી એક ચકિત કરનારા સમાચાર સામે આવ્યા છે, જ્યાં બન્ની જાતિની ભેંસ ‘લાડલી’એ તમામનું ધ્યાન ખેંચ્યું છે. લખપત તાલુકાના સાંધ્રો ગામના પશુપાલક ઝકરિયા જાટની લાડલી નામની ભેંસ ભુજ તાલુકાના સેરવા ગામના શેર મામદે આશરે 14.10 લાખમાં ખરીદી છે. એવું માનવામાં આવે છે કે ગુજરાતમાં આ અત્યાર સુધી વેચાયેલી સૌથી મોંઘી ભેંસ છે.
‘લાડલી’ માત્ર મોંઘી નહીં, પરંતુ ગુણવત્તાવાળી અને ઉત્પાદનક્ષમ પણ છે. તે દરરોજ આશરે 20 લિટર દૂધ આપે છે. ઘેરો કાળો રંગ, મજબૂત શરીરરચના, ગાઢ શિંગડા અને ચમકતી ચામડી તેને ખાસ ઓળખ આપે છે.
શેર મામદે જણાવ્યું હતું કે તેમણે લાડલીને ફક્ત દૂધ માટે નહીં પરંતુ તેના બચ્ચાઓ માટે ખરીદી છે. તેમણે કહ્યું કે, “બન્ની જાતિની ભેંસોના બચ્ચાઓ અત્યંત ગુણવત્તાવાળા હોય છે અને વધુ ભાવે વેચાઈ શકે છે.” તેમણે વધુમાં એ પણ કહ્યું કે આ જાતિ કોઇપણ હવામાન સાથે પોતાને અનુકૂળ કરી લે છે. — “ચોમાસાની ભેજથી લઈ કચ્છની 50°C ગરમી કે શિયાળાની ઠંડી સુધી”, આ જ કારણ છે કે તેની કિંમત આટલી ઊંચી છે.
પશુપાલક રહેમતુલ્લાહ જાટના મતે, “દૂધ તો માત્ર એક વિશેષતા છે, પણ વાસ્તવિક નફો ભેંસના બચ્ચાઓમાંથી થાય છે.” આ ભેંસના બચ્ચા ઉછેરવા અને વેચવાવાળા પશુપાલકો અનેક ગણો વધુ નફો કમાય છે.એટલુ જ નહીં, ‘લાડલી’ જેવા પશુઓના વંશજ માટે દેશભરમાં માંગ છે. તેનું દૂધ લગભગ 10-11 મહિના સુધી સતત મળતું રહે છે, જે તેને વધુ કિંમતવાન બનાવે છે.
લાડલીની ખરીદીની સફર પણ એટલી જ રસપ્રદ રહી છે. જ્યારે તે 12 મહિનાની હતી ત્યારે શેર મામદે તેને 3.5 લાખમાં લેવાની ઇચ્છા વ્યક્ત કરી હતી, પણ તે વેચાઈ ન હતી. ત્યારબાદ અમદાવાદના પ્રભાતભાઈ રબારીએ તેને ₹7 લાખમાં ખરીદી. આ પછીના માલિકે તેને ₹10.11 લાખમાં ખરીદી હતી, અને હવે તેનો વ્યવહાર ₹14.10 લાખમાં થયો છે.
લાડલી હવે માત્ર એક પશુ નહીં રહી, પણ ગુજરાતના પશુપાલન ઇતિહાસમાં એક વિશિષ્ટ સ્થાન ધરાવે છે.