National

કોલકાતા ગેંગરેપ કેસમાં CCTVએ નરાધમના કૃત્યનો પર્દાફાશ કર્યો; પોલીસને ઘણા પુરાવા મળ્યા

દક્ષિણ કોલકાતાની લો કોલેજમાં 24 વર્ષીય વિદ્યાર્થીની પર થયેલા ગેંગરેપ કેસે સમગ્ર રાજ્યને હચમચાવી દીધું છે. આ કેસમાં સીસીટીવી ફૂટેજ બહાર આવતાં ક્રૂરતાની તમામ હદો પાર થયાનું રહસ્ય ખૂલ્યું છે. ફૂટેજમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે ત્રણ આરોપીઓ પીડિતાને કોલેજના મુખ્ય ગેટથી ગાર્ડ રૂમ સુધી ખેંચી ગયા અને ત્યાં તેના પર કથિત રીતે બળાત્કાર ગુજાર્યો.

મુખ્ય આરોપી તૃણમૂલથી જોડાયેલો:
પોલીસે મુખ્ય આરોપી મનોજીત મિશ્રા સહિત પ્રોમિત મુખર્જી, ઝૈદ અહમદ અને એક કોલેજ ગાર્ડની ધરપકડ કરી છે. મનોજીત તૃણમૂલ યુવા વિંગ(સતા પાર્ટી)નો સભ્ય હોવાનું જણાઈ આવ્યું છે, જોકે પાર્ટીએ દૂરી રાખીને જણાવ્યું છે કે આરોપી હોય તેને કડક સજા મળવી જોઈએ.

કેમેરામાં કેદ ભયાનક રાત:
પીડિતાની ફરિયાદ મુજબ, એ રાત્રે આરોપીઓએ તેને ગાર્ડ રૂમમાં ખેંચી લીધી હતી અને તેની પર બળાત્કાર ગુજાર્યો. સીસીટીવી ફૂટેજમાં પણ સ્પષ્ટ છે કે વિદ્યાર્થીની બચવા દોડી હતી, પણ આરોપીઓએ તેને ગાર્ડ રૂમમાં જબરદસ્તી પાછા ખેચી લાવી દુષ્કર્મ ગુજાર્યો હતો. તેણીએ તેના બચાવમાં ઘણા પ્રયત્નો કર્યા હતા.

હોકી સ્ટિક અને કપડાં પુરાવા તરીકે જપ્ત:
પોલીસે આ કેસમાં ઝડપથી કાર્યવાહી કરી છે. મનોજીત પર પીડિતાના માથા પર હોકી સ્ટીકથી હુમલો કરવાનો આરોપ છે. પોલીસે પુરાવા તરીકે હોકી સ્ટીક સાચવી રાખી છે.

આ ઉપરાંત મનોજીતનો લાલ કુર્તો, આછો ભૂરો પેન્ટ અને કાળો શોર્ટ્સ પણ જપ્ત કરવામાં આવ્યો હતો. પોલીસે ત્રણેય આરોપીઓના ડીએનએ નમૂના લીધા હતા અને તેમના ઘરો (કાલીઘાટ, તિલજલા અને હાવડા) માંથી કપડાં જપ્ત કર્યા હતા.

મોબાઈલમાં છુપાયેલો સત્ય:
આ કેસમાં સૌથી મહત્વપૂર્ણ પુરાવો મનોજીતનો મોબાઈલ સાબિત થયો છે. ઝૈદ અને પ્રોમિતે બળાત્કારની ઘટનાનો વીડિયો બનાવ્યો હતો, જેમાં પીડિતાનો ચહેરો સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. આ વીડિયો સાયબર ફોરેન્સિક લેબમાં મોકલવામાં આવ્યો છે.

SITની તપાસ તીવ્ર:
પોલીસની 9 સભ્યોની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમે તા.29 જૂન 2025ના રોજ રવિવારે આરોપી પ્રોમિતના હાવડામાં આવેલા ઘરમાં દરોડા પાડી લગભગ 2 કલાક સુધી તપાસ કરી હતી. વધુમાં પોલીસે તેના ઘરમાં રહેલ કમ્પ્યુટરની પણ તપાસ કરી છે.

પીડિતાના પરિવારની માગ:
પીડિતાનો પરિવાર હાલ સુધીની તપાસથી સંતોષ બતાવી રહ્યો છે અને આ કેસમાં ઝડપી સુનાવણીની માગ કરી છે.

Most Popular

To Top