મહાપાલિકાની સ્થાયી સમિતિ સમક્ષ પાંચ કામોની દરખાસ્ત મંજૂર કરાઈ
વિગતવાર ચર્ચા અને સમજાવટ બાદ તમામ પાંચ કામોને સ્થાયીમાં મંજૂરી અપાઈ
વડોદરા,,: શુક્રવારે બપોરે બાર કલાકે પાલિકાની વડી કચેરી ખાતે સ્થાયી સમિતિની બેઠક મળી હતી. જેમાં પાંચ કામોની દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી. પાંચે કામ અંગે પહેલા સંકલન બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી જે બાદ સ્થાયીની બેઠકમાં તમામ કામો વિગતવાર ચર્ચા બાદ મંજૂર કરી દેવાયા હતા. જેમાં સૌથી વધુ ચર્ચામાં રહેલા ગેબિયન વોલના કામને પણ ચર્ચાઓના અંતે મંજૂર કરાયા હતા. ફ્યુચરિસ્ટિક સેલની આવેલી દરખાસ્ત મુજબ, વિશ્વામિત્રી નદીની આજુબાજુના બ્રિજોને સુરક્ષિત રાખવા માટે ગેબિયન વોલના મોટા પાયાના કામ માટે બે અલગ-અલગ ટેન્ડરોની દરખાસ્ત સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવી છે. શહેરના વિવિધ બ્રીજ નજીક ગેબિયન વોલ નિર્માણના કુલ રૂ. ૪૨.૭૪ કરોડના અંદાજ સામે ૧૪.૧૩% ના ઓછા દરે રૂ. ૩૬.૭૦ કરોડના ટેન્ડર માટે મે. બેકબોન કન્સ્ટ્રક્શન પ્રા. લિ.ને પસંદ કરાયું છે. બીજી તરફ, શહેરના અન્ય વિસ્તારોમાં કરવાની કામગીરી માટે રૂ. ૪૦.૪૭ કરોડના અંદાજ સામે ૯.૯૯૯% ના ઓછા દરે રૂ. ૩૬.૪૨ કરોડનું બિનશરતી ટેન્ડર મેઇ. દિનેશચન્દ્ર આર. અગ્રવાલ ઇન્ફ્રા પ્રા. લિ. દ્વારા રજૂ કરાયું હતું જેને વિવિધ સૂચનો બાદ સર્વાનુમતે મંજૂર કરાયા હતા.
ગેબિયન વોલના કામમાં અગાઉ ત્રણ વર્ષની ડિફેક્ટ લાયબેલિટી રખાઈ હતી તેને પાંચ વર્ષ કરાઈ છે. વધુમાં ગેબિયન વોલની કામગીરી ઇન્ડિયન સ્ટાન્ડર્ડ કોડ મુજબ થાય તેવું સૂચન પણ ચર્ચાના અંતે કરવામાં આવ્યું હતું. અગાઉ ગેબિયન વોલની કામની દરખાસ્ત રજૂ થતા વિવાદ થયો હતો જોકે સમગ્ર કામગીરી અંગે બેઠકમાં વિસ્તૃત ચર્ચા અને સમજાવટ બાદ આ કામને નાના મોટા ફેરફાર સાથે મંજૂર કરાયા હતા.