રાવપુરામાં ગભરામણ સાથે ઉલ્ટી થતા સારવાર માટે એસએસજી હોસ્પિટલમાં ખસેડાયાં, બે સંતાનોએ નાની ઉંમરમાં પિતાના છત્રછાયા ગુમાવી

પ્રતિનિધિ વડોદરા તા.27
વડોદરા શહેરમાં આજે ઉત્સાહ અને ઉમંગ સાથે ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા નીકળી હતી. કોઇ અનિચ્છનીય બનાવ ના બને તેના માટે પોલીસનો ચાંપતો બંદોબસ્તો હતો. દરમિયાન રાવપુરા વિસ્તારમાં બંદોબસ્તમાં હાજર નરેશભાઇ રાઠવાને ગભરામણ હૃદય રોગના હુમલા કારણે મોત થયું હોવાનું જાણવા મળી રહ્યું છે. રાવપુરા પોલીસે એડી દાખલ કરી પીએમ કરાવવાની તજવીજ હાથ ધરી છે. પીએમ થયા બાદ અંતિમ વિધિ માટે મૃતદેહને વતન છોટાઉદેપુર લઇ જવાશે.નરેશભાઇના બે સંતાનોએ નાની ઉંમરમાં પિતાનું છત્ર ગુમાવ્યું હતું. બીજી તરફ પત્નીએ પણ ભારે રોકકડ મચાવી મુકતા હેડ ક્વાટર ખાતે ગમગીની છવાઇ ગઇ હતી.
પોલીસ સુત્રોમાંથી જાણવા મળ્યા મુજબ મૂળ છોટાઉદેપુર જિલ્લાના નરેશભાઇ હરજીભાઇ રાઠવા હાલમાં વડોદરા શહેરના પ્રતાપનગર પોલીસ હેડ ક્વાટર્સ ખાતે રહેતા હતા. તેઓ છેલ્લા બે વર્ષથી હરણી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા. દરમિયાન 27 જૂનના રાજ અષાઢી બીજ હોય ગોત્રી સ્થિત ઇસ્કોન મંદિર તરફથી ભારે ઉત્સાહ અને ઉમંગ સાથે ભગવાન જગન્નાથજીની રથયાત્રા કાઢવામાં આવી હતી. જેમાં 3 હજારના ઉપરાંત પોલીસ જવાનો બંદોબસ્તમાં હાજર હતા. જેમાં નરેશભાઇ રાઠાવા પણ રથયાત્રા દરમ્યાન રાવપુરા પોલીસ મથક હદ વિસ્તારમાં બંદોબસ્તમાં ફરજ પર હાજર હતા. તે દરિમયાન અચાનક તેમની તબિયત તથડી હતી અને ગભરામણ સાથે ઉલટી થવા લાગી હતી. જેથી તેઓને તાત્કાલિક સારવાર માટે એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે સારવાર આ પોલીસ કર્મચારી નરેશ રાઠવાનું મોત નિપજ્યું હતું. રાવપુરા પોલીસ દ્વારા હાલમાં એડી દાખલ કરીને તપાસ શરૂ કરવામાં આવી છે. પ્રાથમિક ધોરણે હોસ્પિટલમાં તબીબો દ્વારા આ પોલીસ કર્મચારીનું હાર્ટ એટેકના કારણે મોત નિપજ્યુ હતું. ઘટનાના પગલે પોલીસના ઉચ્ચ અધિકારીઓ સયાજી હોસ્પિટલ ખાતે દોડી આવ્યાં હતા. નરેશ રાઠવાના પરિવારજનો તેમજ સહ કર્મચારીઓ શોકની લાગણી ફેલાઇ છે. ઉલ્લેખનીય છે કે નરેશભાઇ રાઠવા હેડ ક્વાટર્સ ખાતે તેમની પત્ની અને બે બાળકો સાથે રહેતા હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે આ બંને સંતાનોએ નાની ઉંમરમાં પિતાની છત્રછાયા ગુમાવી છે. પત્નીએ પણ ભારે આક્રંદ મચાવતા અન્ય કર્મીઓના આંખોના ખુણા ભીનાઇ ગયાં હતા. રાવપુરા પોલીસે મૃતદેહને સયાજી હોસ્પિટલના પીએમ માટે ખસેડ્યો છે. પીએમ થયા બાદ મૃતદેહ અંતિમ વિધિ માટે વતન લઇ જવા પરિવારને સોંપાશે.