Vadodara

વડોદરામાં ભગવાન જગન્નાથજીની 44મી રથયાત્રા નીકળી, મેયરની ગેરહાજરીમાં ડે.મેયરે પહિંદવિધિ કરી


વડોદરા: વડોદરાના ગોત્રી ખાતે આવેલા ઇસ્કોન મંદિર દ્વારા સ્ટેશન વિસ્તારમાંથી ભગવાન શ્રી જગન્નાથજીની 44મી રથયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. શહેરનાં પ્રથમ નાગરિક મેયરના પિંકીબેન સોની ઉપસ્થિત ન રહેતા ડે.મેયર ચિરાગ બારોટના હસ્તે પહિંદવિધિ કરવામાં આવી હતી. રથયાત્રામાં મોટી સંખ્યામાં ભાવિ ભકતો ઉમટ્યા પડ્યા છે. સુરક્ષાને લઈને પોલીસના ચુસ્ત બંદોબસ્ત પણ રાખવામાં આવ્યો છે. સાથે સાથે ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
ભગવાન જગન્નાથની રથયાત્રામાં મોટી સંખ્યામાં ભાવિ ભક્તો જોવા મળ્યા હતા. મહાપ્રસાદ રૂપે દર વર્ષની જેમ આ વર્ષે પણ 45 ટન શિરો અને હજારો કિલો કેળાનો પ્રસાદ ભક્તોને પીરસવામાં આવ્યો છે. પ્રસાદ માટે ભક્તોની ભીડ પણ હતી. જોકે, રથયાત્રા પૂર્વે જ ઇસ્કોન મંદિરની ખાતે ભગવાનના દર્શન માટે ભક્તોનું ઘોડાપૂર જોવા મળી રહ્યું હતું અને ભક્તો હરે ક્રિષ્ના, હરે રામના નાદથી મંદિર પરિસર ગુંજાવ્યું હતું.
રથયાત્રા પૂર્વે ઇસ્કોન મંદિરમાં શ્રૃંગાર દર્શન, બપોરે રાજભોગ અને આરતી પછી ભગવાન જગન્નાથ, સુભદ્રા અને બલરામની કાષ્ઠની મૂર્તિ‌ઓ વિધિ કરવામાં આવી હતી. આ મૂર્તિ‌ઓને રથમાં આરૂઢ કરાવી શ્રૃંગાર અને આરતી બાદ બપોરે ભગવાનની રથયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ત્યારે આ રથયાત્રામાં ભક્તો, ભજકીર્તન, મંડળો, સ્વૈચ્છિક સંસ્થાઓ સાથે રાજકીય આગેવાનો પણ જોવા મળ્યા હતાં. તો રથયાત્રામાં તુલસીના છોડનું પણ વિતરણ કરાયું હતું.
પરંપરાગત 44મી ભગવાન જગન્નાથજીની રથયાત્રા શહેરના રેલવે સ્ટેશન-કાલાઘોડા-સલાટવાળા નાકા-કોઠી કચેરી-રાવપુરા મુખ્ય માર્ગ-જ્યૂબેલીબાગ-પદ્માવતી શોપિંગ સેન્ટર-સુરસાગર-દાંડિયાબજાર-ખંડેરાવ માર્કેટ-લાલકોર્ટ/ન્યાયમંદિર-મદનઝાપા રોડ-કેવડાબાગ-પોલો ગ્રાઉન્ડ સામે બરોડા હાઈસ્કૂલ ખાતે સમાપન થશે. રથમાં બેસી ભગવાન ભાઇ બહેન સાથે નગરચર્યાએ નીકળ્યા હતા. આ રથયાત્રા રેલવે સ્ટેશનથી નીકળીને બગીખાના ખાતે પૂર્ણ થવાની છે. જેને લઈને વડોદરા શહેર પોલીસ તંત્ર દ્વારા ગુરુવારે વડોદરા રેલવે સ્ટેશનથી 7 કિલોમીટરનું રૂટ પર રિહર્સલ યોજાયું હતું.. જેમાં પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર, એડિશનલ પોલીસ કમિશનર ડો.લીના પાટીલ સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા.

રથયાત્રા દરમિયાન રેલવે 9 ડીસીપી, 13 એસીપી, 100થી વધુ પીઆઇ, પીએસઆઇ, 600 જેટલા ટ્રાફિક કર્મીઓ અને ટ્રાફિક બ્રિગેડના જવાનો, એક હજારથી વધુ પોલીસ કર્મી, એસઆરપીની 3 ટુકી અને એક હજાર હોમગાર્ડ મળી 3 હજારથી વધુ સુરક્ષા જવાનોએ ખડેપગે ફરજ નિભાવી હતી.
ઇસ્કોન મંદિરની ખાતે વહેલી સવારથી જ ભક્તિનો ઘોડાપૂર તો જોવા મળી જ રહ્યું હતું, પરંતુ સાથે સાથે રાજકારણીઓ પણ જોવા મળી રહ્યા હતા. શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોની, રાવપુરાના ધારાસભ્ય અને વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુકલ, મ્યુનિ. કમિશનર અરૂણ મહેશ બાબુ સહિત આગેવાનોએ પહોંચી ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

Most Popular

To Top