મેઘાલયના શિલોંગમાં બનેલી એક હૃદયદ્રાવક ઘટનાએ આખા દેશને હચમચાવી દીધો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, સોનમ, તેના પ્રેમી રાજ કુશવાહા અને ત્રણ અન્ય લોકો સાથે મળીને તેના પતિ રાજાની હત્યા કરી દીધી હતી. હવે આ કેસમાં એક નવો વળાંક આવ્યો છે, હત્યાકાંડમાં સામેલ બે આરોપીઓએ પોલીસને આપેલું નિવેદન પાછું ખેંચી,મેજિસ્ટ્રેટ સમક્ષ મૌન સેવી લીધું હતું.
મેઘાલય પોલીસનું કહેવું છે કે હત્યાકાંડમાં પાંચ લોકો સામેલ હતા, જેમાંથી બે આરોપીઓ, આકાશ રાજપૂત અને આનંદ કુર્મીએ તા.26જૂન 2025ના ગુરુવારે મેજિસ્ટ્રેટ સમક્ષ નિવેદન આપવાનો ઇનકાર કર્યો હતો. અહેવાલ અનુસાર, શિલોંગ શહેરના પોલીસ અધિક્ષક હર્બર્ટ ખારકોંગોરે જણાવ્યું હતું કે બંને આરોપીઓ મેજિસ્ટ્રેટ સમક્ષ ચૂપ રહ્યા અને કોઈ પણ નિવેદન આપ્યું નહીં. તમને જણાવી દઈએ કે ‘હર્બર્ટ’ આ કેસની તપાસ માટે રચાયેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)ના વડા છે.
પોલીસ FSL રિપોર્ટની રાહ જોઈ રહ્યા છે: SITના વડા હર્બર્ટ ખારકોંગોરે કહ્યું, “અમે પાંચ આરોપીઓમાંથી બેને મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કર્યા હતા, જોકે તેમણે કોર્ટ સમક્ષ નિવેદન આપવાનો ઇનકાર કર્યો હતો.પરંતુ અમારી પાસે તેમની વિરુદ્ધ પૂરતા પુરાવા છે. અમે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL) રિપોર્ટની પણ રાહ જોઈ રહ્યા છીએ.
પોલીસે પહેલા દાવો કર્યો હતો કે બધા આરોપીઓએ ગુનો કબૂલી લીધો છે. પરંતુ હવે તપાસમાં એક નવો વળાંક આવ્યો છે કારણ કે આકાશ અને આનંદે પોતાના નિવેદનો પાછા ખેંચી લીધા છે. તેમ છતાં, પોલીસ કહે છે કે તેમની પાસે હત્યા સાબિત કરવ માટે પૂરતા સબૂત છે.
હનીમૂન પરથી કપલ ગુમ, પછી હત્યાનો ખુલાસો: આ કેસ ત્યારે શરૂ થયો જ્યારે રાજા અને સોનમ 23મે 2025ના રોજ મેઘાલયમાં તેમના હનીમૂન દરમિયાન નોંગરિયાટ ગામમાં એક હોમસ્ટેમાંથી બહાર નીકળ્યા પછી ગાયબ થઈ ગયા હતા. થોડા દિવસો પછી રાજા રઘુવંશીનો મૃતદેહ 2જૂન 2025ના રોજ ઘટનાસ્થળથી 20 કિમી દૂર મળી આવ્યો. મૃતદેહ મળ્યાના થોડા દિવસો પછી પોલીસે સોનમ રઘુવંશીની ગાઝીપુરથી ધરપકડ કરી હતી.