30 દિવસની મુસાફરી માટે 18 દિવસનું અને 60 દિવસની મુસાફરી માટે 36 દિવસનું ભાડું વસૂલવામાં આવશે
બસોમાં વધી રહેલા લોડ ફેક્ટર અને સંચાલન ખર્ચમાં થયેલા વધારાને ધ્યાને લઈ આ નિર્ણય લેવામાં આવ્યો

( પ્રતિનિધિ )વડોદરા,તા.26
ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ દ્વારા રોજિંદા મુસાફરોને આંચકો આપતો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે. એસ.ટી. બસના માસિક અને ત્રિમાસિક પાસના દરમાં વધારો કરવામાં આવ્યો છે. નવા ફેરફારો અનુસાર, હવે 30 દિવસની મુસાફરી માટે 18 દિવસનું ભાડું અને 60 દિવસની મુસાફરી માટે 36 દિવસનું ભાડું વસૂલવામાં આવશે, જે અગાઉની યોજના કરતાં મોંઘું છે.
અગાઉની યોજના હેઠળ, મુસાફરો 15 દિવસનું ભાડું ચૂકવી 30 દિવસ અને 45 દિવસનું ભાડું ચૂકવી 90 દિવસની મુસાફરી કરી શકતા હતા. જોકે, નિગમના સંચાલક મંડળની 6 જૂન, 2025ની બેઠકમાં ઠરાવ નં. 10150 મુજબ યોજનામાં સુધારો કરવામાં આવ્યો છે. હવે 30 દિવસની મુસાફરી માટે 18 દિવસનું ભાડું અને 60 દિવસની મુસાફરી માટે 36 દિવસનું ભાડું ચૂકવવું પડશે. આ નિર્ણયને લઈ એસ.ટી. વિભાગે પરિપત્ર જાહેર કર્યો છે. એસટી વિભાગ દ્વારા જણાવ્યા અનુસાર, બસોમાં વધી રહેલા લોડ ફેક્ટર અને સંચાલન ખર્ચમાં થયેલા વધારાને ધ્યાને લઈ આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઉપરાંત, મુસાફરોના હિતને ધ્યાને રાખી યોજનામાં આંશિક સુધારો કરવામાં આવ્યો હોવાનું પરિપત્રમાં જણાવાયું છે. આ યોજના લોકલ, એક્સપ્રેસ, ગુર્જરનગરી, લક્ઝરી, અને શહેરી સર્વિસની બસોમાં લાગુ થશે. એસ.ટી. મુસાફરી પાસની વિશેષતાઓ ગુજરાતમાં એસ.ટી. મુસાફરી પાસ એ નિયમિત મુસાફરો, વિદ્યાર્થીઓ, સિનિયર સિટિઝન્સ અને અન્ય ચોક્કસ શ્રેણીના લોકો માટે રાહતદરે મુસાફરીની સુવિધા પૂરી પાડે છે. આ પાસ રોજિંદા પ્રવાસીઓ માટે ખાસ કરીને ઉપયોગી છે, પરંતુ દરમાં થયેલા વધારાથી મુસાફરોમાં નારાજગી જોવા મળી રહી છે.