ભારતીય શુભાંશુ શુક્લા સહિત ચાર અવકાશયાત્રીઓ આજે તા. 26 જૂન 2025ના રોજ સાંજે 4:00 વાગ્યે આંતરરાષ્ટ્રીય અવકાશ મથક (ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન) પર પહોંચ્યા છે. લગભગ 28 કલાકની મુસાફરી કરી આ અવકાશયાત્રીઓ પોતાની મંઝિલ એટ્લે કે ISS પર પહોંચ્યા છે.
શુભાંશુ શુક્લા ISS પર જનારા પ્રથમ અને અવકાશમાં જનારા બીજા ભારતીય બન્યા છે. 41 વર્ષ પહેલાં 1984માં સોવિયેત યુનિયનના અવકાશયાનથી ભારતીય રાકેશ શર્માએ અવકાશની મુસાફરી કરી હતી.
આ સફર દરમિયાન આજે સવારે મિશન ક્રૂએ અવકાશયાન સાથે લાઈવ વાતચીત કરી હતી. જેમાં શુભાંશુએ કહ્યું હતું – નમસ્કાર ફ્રોમ સ્પેસ! અહીં હું બાળકની જેમ શીખી રહ્યો છું… અવકાશમાં કેવી રીતે ચાલવું અને ખાવું તે શીખી રહ્યો છું”
એક્સિયમ મિશન 4 હેઠળ બધા અવકાશયાત્રીઓ ગઈકાલે તા. 25 જૂનના રોજ બપોરે 12 વાગ્યે ISS માટે રવાના થયા હતા. આ અગાઉ ટેકનિકલ ખામીઓ અને હવામાન સમસ્યાઓને કારણે આ મિશન 6 વખત મુલતવી રાખવામાં આવ્યું હતું.
શુભાંશુ અવકાશમાં 14 દિવસ રહી આ 7 પ્રયોગો કરશે
પહેલું સંશોધનઃ પહેલો માયોજેનેસિસનો અભ્યાસ હશે એટલે કે અવકાશમાં સ્નાયુઓ પર સૂક્ષ્મ ગુરુત્વાકર્ષણની અસર. અવકાશમાં લાંબા સમય સુધી વિતાવતા અવકાશયાત્રીઓના સ્નાયુઓ સંકોચવા અને નબળા પડવા લાગે છે. સુનિતા વિલિયમ્સ સાથે પણ આવું જ બન્યું.
ભારતની સ્ટેમ સેલ સાયન્સ એન્ડ રિજનરેટિવ મેડિસિન સંસ્થા માઇક્રોગ્રેવિટીમાં હાથ ધરવામાં આવનારા આ પ્રયોગ હેઠળ સ્નાયુ સંબંધિત રોગોનો વધુ અભ્યાસ કરશે અને તેના માટેની સારવાર વિકસાવી શકશે. આ અભ્યાસ ભવિષ્યમાં અવકાશયાત્રીઓ માટે ખૂબ ઉપયોગી થશે.
બીજું સંશોધનઃ તેઓનો બીજો પ્રયોગ પાકના બીજ સાથે સંબંધિત છે. બીજના આનુવંશિક ગુણધર્મો પર સૂક્ષ્મ ગુરુત્વાકર્ષણની શું અસર પડે છે તેનો અભ્યાસ કરવામાં આવશે.
ત્રીજું સંશોધનઃ ત્રીજો પ્રયોગ અડધા મિલીમીટરથી નાના જીવો, ટાર્ડિગ્રેડ્સ પર હાથ ધરવામાં આવશે. શુભાંશુ શુકલા આ નાના જીવના શરીર પર અવકાશની શું અસર પડે છે તેનો અભ્યાસ કરશે. ટાર્ડિગ્રેડ્સને વિશ્વના સૌથી મજબૂત અને સૌથી સહનશીલ જીવો માનવામાં આવે છે. તેઓ 600 મિલિયન વર્ષોથી પૃથ્વી પર જીવી રહ્યા છે.
ચોથું સંશોધનઃ શુભાંશુનું ચોથું સંશોધન સૂક્ષ્મ શેવાળ (એક માંસાહારી છોડ) પર હશે. સૂક્ષ્મ શેવાળ સૂક્ષ્મ ગુરુત્વાકર્ષણ પર શું અસર કરે છે તે શોધવામાં આવશે. ભવિષ્યના લાંબા મિશનમાં અવકાશયાત્રીઓના પોષણમાં તેઓ ભૂમિકા ભજવી શકે છે કે કેમ તે શોધવામાં આવશે.
પાંચમું સંશોધનઃ શુભાંશુ શુક્લા મગ અને મેથીના બીજનો પણ અભ્યાસ કરશે. સૂક્ષ્મ ગુરુત્વાકર્ષણમાં બીજ અંકુરિત થવાની પ્રક્રિયાનો અભ્યાસ કરવામાં આવશે. આ સંશોધનનો હેતુ એ શોધવાનો છે કે ભવિષ્યમાં અવકાશમાં બીજ અંકુરિત કરવાની જરૂર છે કે નહીં, શું તે શક્ય છે?
છઠ્ઠું સંશોધનઃ અવકાશ મથકમાં રહેલા બે પ્રકારના બેક્ટેરિયા પર સંશોધન સાથે સંબંધિત છે.
સાતમું સંશોધનઃ અવકાશમાં સૂક્ષ્મ ગુરુત્વાકર્ષણની સ્થિતિમાં કમ્પ્યુટર સ્ક્રીન આંખોને કેવી અસર કરે છે તેનો અભ્યાસ કરશે.