સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાના બહાને મહિલાએ કંપની સંચાલકને રૂ.1.09 કરોડનો ચુનો ચોપડયો , શરૂઆતમાં ઇન્વેસ્ટ કરેલા રૂપિયામાંથી રૂ. 1.35 લાખ પરત કરતા કંપની સંચાલકને વિશ્વાસ આવી ગયો
વડોદરા તારીખ 25
અટલાદરા વિસ્તારમાં રહેતા અને ગોત્રીમાં કંપની ચલાવતા બિઝનેસમેનને ઠગ મહિલાએ ઓનલાઇન શેર માર્કેટમાં સ્ટોક ખરીદવાના બહાને રૂપિયા 1.11 કરોડ ટ્રાન્સફર કરાવ્યા હતા. સ્ટોક ખરીદશો તો સારે એવો ફાયદો કરાવશે તેમ કહી શરૂઆતમાં ઇન્વેસ્ટ કરેલા રૂપિયામાંથી રૂ.1.35 લાખ પરત કર્યા હતા. જ્યારે બાકીના રૂ.1.09 કરોડ પરત નહીં આપીને બિઝનેસમેન સાથે ઠગાઈ આચરી હતી.જેથી તેઓએ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
વડોદરા શહેરના અટલાદરા વિસ્તારમાં આવેલા પ્રમુખસ્વામી પાર્કમાં રહેતા મની નારાયણન નાયર ટ્રાંસપેક ઈન્ડસ્ટ્રીઝ નામની કંપની ગોત્રી રોડ પર ધરાવે છે. ગત 6 જૂનના રોજ તેમના મોબાઈલ ઉપર મેસેજ આવ્યો હતો અને વિનીતા પટોડીયા આઇસીઆઇસીઆઈ સિક્યુરિટી ગ્રુપમાં છું તેમ જણાવ્યુ હતું. ત્યારબાદ તેમને સ્ટોકમા ઇન્વેસ્ટ કરો છો તે વિશે પુછતા તેમણે હા પાડી હતી. જેથી તેઓએ તમારી પાસે કયા સ્ટોક છે તે જણાવો તેનુ એનાલીસીસ કરીને કહેશ કે તે સ્ટોક રાખવા જેવા છે કે નહી. ત્યારબાદ તેમને સ્ટોક વેચી દેવા કહ્યું હતું. મહિલાએ પોતે શેર માર્કેટમાં ટ્રેડિંગનુ કામ કરે છે અને તેમની સાથે જોડાશે તો ઘણો પણ ફાયદો કરાવશે. જેથી સંચાલક સહમત થતાં તેમને આધાર કાર્ડની કોપી તથા ઈ-મેઇલ આઈડી આપ્યા હતા જેથી તેને રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. ત્યારબાદ લિંકથી આઇસીઆઇસીઆઇ સિક્યુરિટીઝની એપ્લીકેશનમાં સ્ટોકની ખરીદી કરવા માટે અલગ અલગ બેંક ખાતાના SEBIના સહી-સિક્કા વાળા લેટર પેડ મોકલ્યા હતા. SEBI તરફથી બેંક ખાતાને માન્યતા મળી છે તેવુ પણ જણાવ્યું હતું.
કંપની સંચાલકે શરૂઆતમાં મહિલાએ આપેલી વેબ સાઈટમાંથી સ્ટોક ખરીદવા માટે રૂપિયા રૂ.1.27 લાખ
ટ્રાન્સફર કર્યા હતા. જે ઑનલાઇન વેબસાઈટમાં પ્રોફિટ સાથે રૂ.1.35 લાખ બતાવ્યા હતા. જેમાંથી ઓનલાઇન વેબસાઈટ માંથી રૂ.1.35 લાખ વેબ સાઈટમાંથી ઉપાડ્યા હતા. જેથી મહિલા પર તેમને પૂરેપૂરો વિશ્વાસ બેસી ગયો હતો.
કંપની સંચાલક લાલચમાં આવી ગયા હોય મહિલાએ વિવિધ એકાઉન્ટમાં તેમની પાસેથી ટુકડે ટુકડે રૂ.1.11 કરોડ ઓનલાઈન ટ્રાંસફર કરાવી લીધા હતા. જેમાંથી રૂ.1.35 લાખ તેમને પરત કર્યા હતા. જ્યારે બાકીના રૂ.1.09 કરોડ આજ દિન સુધી પરત નહી કરી છેતરપિંડી આચરી હતી. મહિલાએ વિવિધ ખાતાઓમાં રૂપિયા ટ્રાન્સફર કરાવી અને ખોટા બનાવટી દસ્તાવેજી ડોક્યુમેન્ટ મોકલી ઠગાઈ કરતા કંપની સંચાલકે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.