Vadodara

અટલાદરા ડ્રમ મિક્ષ પ્લાન્ટના ઓપરેશન અને મેઈન્ટેનન્સ માટે SP એન્જિનિયરિંગ વર્કસને રૂ. 1.20 કરોડનો ઇજારો અપાશે

વડોદરા શહેરમાં રસ્તાઓના સમારકામ અને પેચવર્ક માટે જરૂરી મીક્ષ મટિરિયલ માટે વડોદરા મહાનગરપાલિકાની રોડ શાખા હસ્તકના અટલાદરા સ્થિત ડ્રમ મિક્ષ પ્લાન્ટના ઓપરેશન અને મેઇન્ટેનન્સ (O&M) માટે નવા ઇજારાની પ્રક્રિયા હાથ ધરાઈ છે. તાજેતરમાં સમાપ્ત થયેલ ટેન્ડર પ્રક્રિયામાં સૌથી નીચો દર આપનાર ઇજારદાર એસ.પી. એન્જિનિયરિંગ વર્કસ, વડોદરાને 3 વર્ષ માટે રૂ. 1.20 કરોડના અંદાજે કામ સોંપવાની ભલામણ સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવી છે. દરખાસ્ત મુજબ, પ્લાન્ટ 8-કલાકની 1 શીફ્ટ માટે દરરોજ જરૂરી મીક્ષ મટિરિયલનું ઉત્પાદન કરે છે, જે શહેરના ચારેય ઝોનમાં પેચવર્ક અને નવીન રોડ કામ માટે જરૂરી છે. હાલ ચાલતી ઇજારાની મુદત 31 ડિસેમ્બર, 2025 સુધી છે, પરંતુ અગાઉ ચોમાસાના ભારે વરસાદ અને મુખ્યમંત્રી તથા પ્રધાનમંત્રીની મુલાકાત વચ્ચે વધારાના કામકાજને કારણે શીફ્ટ પહેલાંથી જ પૂર્ણ થઈ ગઈ હતી. તેથી નવો ઇજારો તાત્કાલિક જરૂરી બન્યો હતો.

ઇ-ટેન્ડર પ્રક્રિયામાં કુલ બે ઈજારદારોના ટેન્ડર મળ્યાં હતાં. જેમાં એસ.પી. એન્જિનિયરિંગ વર્કસે રૂ. 10,016.00 પ્રતિ શીફ્ટના દર સાથે ટેન્ડર દાખલ કર્યું હતું, જે અંદાજીત કિંમત કરતા 23.24% ઓછું હતું. બીજી બિડ હીમાલય એન્જિનિયરિંગ, મહેસાણાની હતી, જે 10.01% વધુ દરે હતી. બંને ટેન્ડર ક્વોલિફાઇ થયા પછી ટેન્ડર ચકાસણી કમિટીએ 5 જૂન, 2025ના રોજ મળેલી બેઠકમાં એસ.પી. એન્જિનિયરિંગ વર્કસને કામ સોંપવાની ભલામણ મંજૂર કરી હતી. અંદાજિત 1,200 શીફ્ટ માટે કુલ ખર્ચ રૂ.1.20 કરોડનો થશે, જે રોડ શાખાના બજેટ કોડ B-1301319 હેઠળ વહન કરાશે. ઉલ્લેખનીય છે કે પાલિકાની કામગીરી માટે GST માફ હોવાથી ઉપરોક્ત દરો તેમાં શામેલ નથી.

Most Popular

To Top