(પ્રતિનિધિ) આણંદ તા 25
આણંદ જિલ્લામાં 159 ગ્રામ પંચાયત માટે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન સાત ગ્રામ પંચાયત સમરસ થઇ હતી. તો ત્રણ ગામમાં પાંચ સરપંચ બેઠક બિનહરીફ થયેલી છે. આમ બાકી રહેલ સામાન્ય ચૂંટણી માટેની 144 ગ્રામ પંચાયત અને 15 ગ્રામ પંચાયત પેટા ચૂંટણી માટે ગત રવિવારે મતદાન યોજાયું હતું. કુલ 539 બુથ પરથી થયેલા મતદાનની આજે સવારે આઠ વાગ્યાથી મતગણતરી આઠ કેન્દ્રો ખાતે શરૂ કરવામાં આવી હતી.
ચુંટણી અધિકારી ધ્વારા નિર્દેશ કરાયેલા સ્ટ્રોંગ રૂમમાંથી મતપેટીઓને પોલિસ બંદોબસ્ત સાથે મતગણતરી કેન્દ્રો ખાતે લઇ જવામાં આવી હતી. મતગણતરી કેન્દ્રો ખાતે નિયુક્ત થયેલા મતગણતરી કર્મચારીઓ દ્વારા નિયમોનુસાર મતપેટીઓમાંથી મતપત્રો બહાર કાઢી ગણતરી શરૂ કરવામાં આવી હતી. જોકે વર્તમાન ચુંટણીમાં બેલેટ પેપરથી મતદાન થયું હોવાથી પરિણામો મોડા જાહેર થવાની શક્યતાઓ જોવાઈ રહી છે.