સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાના બહાને બિઝનેસમેન સાથે રૂપિયા 19.75 લાખની ઠગાઈ
વડોદરા તા.24
આજવા રોડ પર રહેતા બિઝનેસમેનને સ્ટોક માર્કેટમાં રોકાણ કરવાની લાલચ આપીને ભેજાબાજે રૂપિયા 19.75 લાખ પડાવી લીધા હતા. વેબસાઈટમાં કમિશન સહિતની દેખાતી રકમમાંથી રૂપિયા ઉપાડવા જતા 10 % ચાર્જ ભરવો પડશે તેમ જણાવતા તેઓને ઠગાઈ થઈ હોવાનો અહેસાસ થયો હતો.
વડોદરા શહેરના આજવા રોડ પર કમલાનગર તળાવ પાસે આશા લતા સોસાયટીમાં રહેતા વિજય બ્રહ્માપ્રકાશ મિશ્રા કાન્હા સિટી ખાતે ગ્રીન એનર્જી ઓડીટ નામથી એનર્જી કન્સલ્ટન્ટ નામની ઓફિસ ધરાવે છે. તેઓ આજવા રોડ ખાતે આવેલ ઓફિસે ઓનલાઈન આલ્ફા ટ્રેડર યુનિવર્સિટી નામની ચેનલ જે ઉંમર પંજાબી નામનો છોકરો ચલાવે છે. જેમાં સ્ટોક માર્કેટમાં ઈન્વેસ્ટમેન્ટ માટેના વિડિયો મુકતા હોય તેઓ જોતા હતા. એક વિડીયોમાં જણાવાયુ હતું કે જો તમે સ્ટોક માર્કેટને વધુ સારી રીતે શીખવા માંગતા હોય તો ડિસ્કોર્ડ કોમ્યુનિટીની લિન્ક પર ક્લિક કરો. જેથી તેઓએ ક્લિક કરતા રૂ.4,999 પેમેન્ટ કરવા કહેતા તેમણે પેમેન્ટ કરી નાખ્યું હતું.રજીસ્ટ્રેશન થઈ જતાં આગળ ડિસ્કોર્ડ નામના પેજ પર ફરીવાર રજીસ્ટ્રેશન કરાવી ડિસ્કોર્ડ કોમ્યુનિટીમાં જોઇન કર્યા હતા. જેમાં સ્ટોક માર્કેટના મેસેજ આવતા હતા. બાદમાં તેમને યુએમઆરપીએનજે આઇડી પરથી પર્સનલમાં મેસેજ આવ્યો હતો અને તેમણે ઈન્વેસ્ટમેન્ટ માટે પહેલા એક વેબસાઈટમાં લોગ લિન કરી તેના સપોર્ટ માટેની ચેટ એપ આપી હતી. જેમા બેન્ક એકાઉન્ટમાં પેમેન્ટ કરવાનું હતું. જેમાથી બે ટ્રાન્ઝેક્શન પણ થયા હતા ત્યારબાદ બીજી એક વેબસાઈટ આપી અને પહેલાવાળી વેબસાઈટ મેટેનન્સ ના લીધે તેમજ સાઇટ ઇમ્પ્રુવ કરવા માટે હાલમાં બંધ છે. જેથી તેઓએ બીજી વેબસાઈટ આપી તેના પર તેમનો જૂનો ડેટા ઈન્વેસ્ટમેન્ટ તેમજ પ્રોફિટ સહિતની વિગત દેખાતી હતી. ભેજાબાજોએ તેમની પાસે અલગ અલગ વેબસાઈટમાં ઈન્વેસ્ટમેન્ટ કરાવી તેમની પાસે રૂ.19.75 લાખ ઓનલાઈન અલગ અલગ બેંક ખાતામાં ટ્રાન્સફર કરાવડાવ્યા હતા. જે ઇન્વેસ્ટમેન્ટ તેમજ પ્રોફિટની રકમ વેબસાઈટમાં દેખાતી હતી. જેમાંથી તેઓએ રકમ ઉપાડવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે 10 % ચાર્જ લાગશે તેમ જણાવ્યુ હતું. જેથી તેમની સાથે ફ્રોડ થયો હોવાની શંકા જતાં તેઓએ સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી છે.