Vadodara

માત્ર 24 મિનિટમાં કોર્પોરેશનની સામાન્ય સભા બરખાસ્ત, વિપક્ષના સત્તાપક્ષ પર હિટલરશાહીનાં આક્ષેપ

વિશ્વામિત્રી પ્રોજેક્ટ અને પૂર મુદ્દે વિપક્ષે સવાલ કરતા સભામાં હોબાળો

મહિનામાં એકવાર મળતી સભામાં પણ ચર્ચા વિના કામો મંજૂર, ના મંજૂર કરી બરખાસ્ત કરી દેવાઈ

વડોદરા મહાનગર સેવાસદનની આજે મળેલી સામાન્ય સભા તોફાની બની ગઈ હતી. વિપક્ષે વિશ્વામિત્રી નદી પ્રોજેક્ટની કામગીરી વિશે જવાબ માંગતા સત્તાપક્ષના કાઉન્સિલરો સાથે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આખરે મેયર પિન્કી સોનીના અધ્યક્ષ સ્થાને યોજાયેલી આ સામાન્ય સભા માત્ર 24 મિનિટમાં જ બરખાસ્ત કરવી પડી હતી. વિપક્ષે સભા દરમિયાન પૂછ્યું કે, ગયા વર્ષે ત્રણ વખત આવેલા પૂરના કારણે 12 લોકોના મોત થયા અને કરોડો રૂપિયાનું નુકસાન થયું. ત્યારે આ વર્ષે કરોડો રૂપિયાના ખર્ચે હાથ ધરાયેલો વિશ્વામિત્રી પ્રોજેક્ટ ક્યાં સુધી પૂર્ણ થયો છે? આ વર્ષે વડોદરાવાસીઓને ફરી પૂરના સંકટનો સામનો કરવો પડશે કે નહીં? આ પ્રશ્ન વિપક્ષના ઉપનેતા જહાં દેસાઈએ ઉઠાવ્યો હતો. પરંતુ જવાબ મ્યુનિસિપલ કમિશનર દ્વારા મળે એ પહેલા જ સ્થાયી સમિતિના ચેરમેન ડૉ શીતલ મિસ્ત્રીએ જણાવ્યું કે, “પ્રોજેક્ટની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે.” જહાં દેસાઈએ આ જવાબ પર વિરોધ કરતા કહ્યું કે, જવાબ કમિશનરે આપવો જોઈએ. જહા દેસાઈની ટિપ્પણી બાદ તુરંત જ સત્તાપક્ષના નેતા મનોજ પટેલ, ધારાસભ્ય તથા કાઉન્સિલર કેયુર રોકડિયા, નિલેશ રાઠોડ અને અજીત દધીચ સહિતના કાઉન્સિલરો ઊભા થઈ ગયા હતા અને દેશની અન્ય ઘટનાઓને ટાંકીને વિપક્ષના પ્રશ્નોને દબાવ કરવાનો પ્રયાસ કર્યો હતો. આ પર વિપક્ષે વિરોધ કરતા કહ્યું કે, “વડોદરાના પ્રશ્નો પરથી ધ્યાન ન ભટકાવો.”

સભામાં વિવાદ વધતાં વિપક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ પણ ઉભા થયા હતા અને પુનઃ વિશ્વામિત્રી પ્રોજેક્ટની કામગીરી તેમજ પૂર સામે તંત્રની તૈયારી અંગે સવાલ કર્યો હતો. જેના પગલે વિપક્ષી કાઉન્સિલરો સીટ પરથી ઊભા થઈ સભાના ફ્લોર ઉપર આવી ગયા અને સત્તાપક્ષ સામે નારાજગી વ્યક્ત કરી. વિપક્ષે આક્ષેપ કર્યો હતો કે, “તંત્ર પાસે કામકાજ વિશે કોઈ સ્પષ્ટતા નથી. જ્યાં જવાબ હોવો જોઈએ ત્યાં જવાબ મળતો નથી. પ્રોજેક્ટના નામે કરોડો રૂપિયા ખર્ચાયા છતાં જવાબદારી લેવાની તૈયારી નથી. એવું લાગે છે કે વડોદરાના નાગરિકોને આ વર્ષે પણ પૂરનો સામનો કરવો પડી શકે છે.”

ચર્ચા તીવ્ર બનતા અધ્યક્ષ પિન્કીબેન સોનીએ વિવિધ એજન્ડા પર વોટિંગ કરીને કામો મંજૂર, ના મંજૂર જાહેર કર્યા બાદ અચાનક સભાને બરખાસ્ત કરવાની જાહેરાત કરી. માત્ર 24 મિનિટમાં સભા બરખાસ્ત થઈ જતા વિપક્ષના સભ્યોએ સભાખંડના ફ્લોર ઉપર બેસી જઇ વિરોધ કર્યો. વિપક્ષે આક્ષેપ કર્યો કે, “સત્તાપક્ષ હિટલરશાહી અપનાવી રહ્યું છે. અમારે તો ફક્ત પ્રશ્નો પૂછવા હતા. જવાબ નથી મળતા એટલે સભા બરખાસ્ત કરી દેવામાં આવી.” વિપક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે જણાવ્યું કે, “આવો અભિગમ દાખવવા પાછળ શું કારણ છે? પ્રજાને સાચી માહિતી ન આપવી હોય એ માટે જવાબ ન આપવા સત્તાપક્ષ ગભરાઈ રહ્યો છે. હવે પ્રજાજન જ આનો જવાબ આપશે.”


સભા બરખાસ્ત થતા ભાજપના કાઉન્સિલરોના પ્રશ્નો પણ લટક્યા !

સભા બરખાસ્ત થતા ભાજપના જ કેટલાક કાઉન્સિલરોમાં ગણગણાટ શરૂ થયો હતો. કાઉન્સિલરોની આંતરિક ચર્ચા મુજબ, ચોમાસા શરૂ થતાની આ પહેલી સભા હતી. એકતરફ હવે તો મહિનામાં એક સભા મળે છે તેમાં પણ આમ બરખાસ્ત થઈ જતા પાર્ટીનું જ નામ ખરાબ થાય છે. અમારા વિસ્તારના પણ કેટલાક બાકી કામો અંગે જાણકારી મેળવવી હતી. પરંતુ સભા બરખાસ્ત થતા અમારા સવાલો પણ પેન્ડિંગ રહી ગયા. ચોમાસાની શરૂઆત થઈ ચૂકી છે ત્યાં અનેક બાકી કામોની રજૂઆત અમારે કરવી હતી. પરંતુ, સભા બરખાસ્ત કરતા અમે પ્રશ્નો પૂછી શક્યા નહીં.

જહા દેસાઈની ટિપ્પણીથી સભામાં હાસ્યનું મોજુ ફરી વળ્યું

સભાની શરૂઆતમાં જ વિપક્ષના ઉપનેતા જહા દેસાઈએ પોતાના પ્રશ્નો પૂછવાની શરૂઆત કરી, દરમિયાન કોઈ વાતને લઈને ચેરમેન ડૉ શીતલ મિસ્ત્રીએ કોઈ વાત પર ટિપ્પણી કરતા જહા દેસાઈએ કહ્યું, ચેરમેન, કમિશનર તમારુ નથી સંભળાતા એનો ગુસ્સો અહીં ના બતાવો. આવું બોલતા જ સમગ્ર સભામાં હાસ્યનું મોજુ ફરી વળ્યું હતું. ખુદ મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ, મેયર સહિત બધા પોતાનું હાસ્ય રોકી શક્યા નહોતા.

સવાલોથી શરૂ થયેલો વિવાદ સભા બરખાસ્ત સુધી પહોંચ્યો

સભામાં કોંગ્રેસે પોતાના સવાલો કર્યા બાદ પક્ષ વિપક્ષ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ. વિપક્ષ ફ્લોર પર આવી જતા ધારાસભ્ય અને કાઉન્સિલર કેયુર રોકડિયા પણ ઉગ્ર થઈ ગયા અને તુરંત જ ઊભા થઈ મેયરને કામો મંજૂર, નામંજૂર કરી સભા બરખાસ્ત કરવા કહ્યું હતુ. તેમણે વિપક્ષ પર આક્ષેપ લગાવ્યા કે, તેમની રજૂઆત હોય તો પોતાના સ્થાનેથી કરે, ફ્લોર પર આવીને નહીં.

વેરા રિબેટની મુદત લંબાઈ, શ્રમિક આવાસ માટે 10 પ્લોટ ફાળવાયા, 30 મીટર રોડનો અમલ રદ

સહકાર વિદ્યાલયને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં સમાવેશની દરખાસ્ત મુલતવી રાખાઈ.

એડવાન્સ વેરા પ્રોત્સાહક રિબેટ યોજના 2025-26ની અંતિમ મુદત વધારીને 15 જૂન 2025 સુધી લંબાવવામાં આવી.

બ્રિજ શાખાના હેડ કાર્યપાલક ઇજનેર રવિન્દ્રકુમાર પંડયાની સ્વૈચ્છિક નિવૃત્તિની અરજી સર્વાનુમતે મંજૂર કરાઈ.

શ્રમિક કલ્યાણ યોજના અંતર્ગત શ્રમિક બસેરા આવાસ માટે 10 પ્લોટ રૂ.1/- ના ટોકન ભાડે રાજ્ય સરકારને ફાળવી આપવાનો નિર્ણય બહુમતી વોટિંગથી મંજૂર થયો.

સ્માર્ટ સિટી પ્રોજેક્ટ હેઠળ ખરીદાયેલ સફાઈ મશીનરીના ઓપરેશન અને મેઈન્ટેનન્સ માટે નવી રીતે બજેટ હેડ ફાળવી કામગીરી કરવાની દરખાસ્ત વોટિંગ દ્વારા મંજૂર કરાઈ.

ABB કંપનીના વિસ્તારથી પસાર થનારા માણેજા વિસ્તારમાં 30 મીટર રોડના અમલીકરણને રદ કરવાની દરખાસ્ત પણ વોટિંગથી મંજૂર કરાઈ.

Most Popular

To Top