નકલી જન્મના પ્રમાણપત્ર રજૂ કરવાના ગુનાઓનું સુપરવિઝન ક્રાઇમ બ્રાન્ચને સોંપાયુ
દાખલા બનાવવા પાછળ કોઇ ટોળકી સક્રીય હોવાની શક્યતાં
પ્રતિનિધિ વડોદરા તા.23
વડોદરા શહેરમાં છેલ્લા બે મહિનામાં ડુપ્લિકેટ જન્મના પ્રમાણપત્ર મળ્યા હોય તેવા 7 જેટલા ગુના સામે આવ્યાં છે. જેથી ગુનાની ગંભીરતા તથા કોઇ ગેંગ બોગસ સર્ટી બનાવવા માટે સક્રિય હોવાની બાબતો ધ્યાનમાં રાખી પોલીસ કમિશનર દ્વારા આ ગુનાની તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપાઇ છે. જો કોઇ ગેંગ સક્રિય હોય તેને વહેલીતકે ઝડપી પાડવાની સૂચના પણ આપવામાં આવી છે.
વડોદરા શહેરના અલગ અલગ વિસ્તારમાંથી 1 મે થી 23 જુનના રોજ બનાવટી જન્મનું પ્રમાણપત્ર મળી આવવાના 7 ગુના અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં નોંધાયા છે. જેમાં દાખલો રજૂ કરનાર અને બનાવનાર લોકો વિરુદ્ધ ગુનો પણ દાખલ થયા છે. ત્યારે આ બોગસ જન્મનો દાખલો બનાવવા પાછળ કોઇ ગેંગ સક્રિય હોવાની શક્યતાના પગલે પોલીસ કમિશનર દ્વારા આ ગુનાનું સુપરવિઝન ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવ્યું છે. ઉપરાંત વારસિયા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનાની તપાસ પણ ડીસીબીને સોંપાઇ છે. આસિસ્ટ્ન્ટ મ્યુનિસિપલ કમિશનર સાઉથ ઝોન અને હેડ ઓફ આધાર કાર્ડ સેલની કચેરી , જમનાબાઇ જનરલ હોસ્પિટલ તેમજ અલગ અલગ કચેરીઓમાં આ પ્રકારના બનાવટી જન્મના દાખલા રજૂ કરવાના બનાવો સામે આવતા હવે બનાવટી જન્મના દાખલા ઇસ્યુ કરતી કોઇ ટોળકી સક્રિય થઇ હોવાની શક્યતાઓ ધ્યાને આવી છે. જેથી આવા ખોટા સર્ટિફિકેટ બનાવતા શંકાસ્પદ શખ્સોની વહેલીતકે ઝડપી પાડી તેમની મોડસ ઓપરેન્ડીનો પર્દાફાશ કરવાની સૂચના આપવામાં આવી છે.