સુરત શહેર અને જિલ્લામાં આજે 23જૂન સોમવારે પડી રહેલા ધોધમાર વરસાદના કારણે જનજીવન સાથે પરિવહન વ્યવસ્થાને પણ મોટો ફટકો પહોંચ્યો છે. ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (GSRTC)ના સુરત વિભાગ દ્વારા સુરત સેન્ટ્રલ બસ સ્ટેશનથી જતી અને આવતી તમામ એસ.ટી. બસ સેવાઓ તાત્કાલિક અસરથી બંધ કરવાની જાહેરાત કરવામાં આવી છે.
GSRTCના વિભાગીય નિયામકે જાહેર કરેલી યાદી અનુસાર, હાલના પરિસ્થિતિને ધ્યાને લઇ ડ્રાઈવરોને તેમના રૂટ બંધ કરવા, પાણી ભરાયેલા વિસ્તારોમાં બસો ન લઈ જવા અને નજીકના સલામત સ્થળે વાહનો ખસેડવાની સૂચના આપવામાં આવી છે. ખાસ કરીને કામરેજ અને કડોદરાથી સુરત તરફ આવતી બસોને સીધી સુરત સેન્ટ્રલ સ્ટેશન પર લાવવાને બદલે બાયપાસ કરવા માટે જણાવવામાં આવ્યું છે.
૨૦૦થી વધુ ટ્રીપ કેન્સલ: ભારે વરસાદને કારણે માત્ર સુરત વિભાગ જ નહીં પરંતુ અન્ય નજીકના વિભાગોની પણ કુલ અંદાજિત ૨૦૦ બસ ટ્રીપ રદ કરવામાં આવી છે. આ પગલાં મુસાફરોની સુરક્ષા અને વાહનવ્યવહારના સંભવિત ખોરાખોરાને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યા છે
24 કલાક કંટ્રોલ રૂમ સક્રિય: મુસાફરોને પૂરતી માહિતી મળી રહે એ હેતુથી એસ.ટી. વિભાગીય કચેરી ખાતે 24×7 કાર્યરત કંટ્રોલ રૂમની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. મુસાફરોને સલાહ આપવામાં આવી છે કે તેઓ અનાવશ્યક મુસાફરી ટાળે અને સત્તાવાર સૂત્રો દ્વારા મળતી જાણકારીને આધારે મુસાફરીની યોજના બનાવે.
GSRTC તરફથી પરિસ્થિતિના અનુસંધાને આગળની કામગીરી અંગે નિર્ણય લેવામાં આવશે અને સમયાંતરે નવી અપડેટ જાહેર કરવામાં આવશે.