હત્યા કર્યા બાદ લાશ તરસાલી બાયપાસ પાસે આવેલા ખેતરમાં ફેંકી હોવાની આરોપીની કબુલાત

વડોદરા તા.23
લીમખેડાનો યુવક તેની પત્ની અને બાળકોથી અલગ વડોદરા શહેરના તરસાલી બ્રિજ નીચે રહેતો હતો. દરમિયાન ત્યાં બ્રિજ નીચે રહેતી મહિલાના આ યુવક સાથે પ્રેમ સંબંધ હોવાની તેના પુત્રને આશંકા હતી. જેથી રોષે ભરાયેલા પુત્રએ આ યુવકના માથાના પથ્થરથી હુમલો કર્યા બાદ ગળું દબાવીને તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો. ત્યારબાદ લાશ ને તરસાલી બાયપાસ પાસે ખેતરમાં ફેંકી દીધી હતી. પોલીસે હત્યાનો ગુનો દાખલ થયાના ગણતરીના કલાકોમાં હત્યારાની ધરપકડ કરી લીધી હતી.
મૂળ લીમખેડાના ગોરસિંગ જોખનાભાઈ તડવી છેલ્લા ત્રણ વર્ષથી તેમના પત્ની અને બાળકોથી અલગ વડોદરા શહેરના તરસાલી બ્રિજ નીચે રહેતો હતો. જ્યાં બ્રિજ નીચે સજ્જન બેન કાંતિભાઈ રાઠોડિયા પણ ત્રણ વર્ષથી રહેતી હતી. ગોરસિંગ તડવી સાથે તેની સજ્જન બેન રાઠોડિયાને પ્રેમ સંબંધ હોવાની નિલેશ કાંતિભાઈ રાઠોડિયાને શંકા હતી. જેથી પુત્ર તેની માતા સાથે વારંવાર ઝઘડા કરતો હતો. જે બાબતે ગોરસિંગ તડવીએ નિલેશ રાઠોડિયાને માર માર્યો હતો અને તેની સાયકલ પણ ક્યાક વેચી દીધી હતી. જેથી નિલેશ રાઠોડિયા માતાને ગોરસિંગ તડવી તેની સાથે ક્યાક બીજે લઈ જવાની આશંકા પણ હતી. જેથી ગોરસિંગ તડવી 13 જૂનના રોજ રાત્રીના અગિયારેક વાગ્યાના સુમારે તરસાલી બ્રિજથી વડદલા રોડ ઉપર સરકારી સ્કુલ પાસે પસાર થતો હતો. તે દરમિયાન નિલેશ રાઠોડિયાએ તેના માથામાં પથ્થરથી હુમલો કર્યો હતો અને તેને માથામાં ગંભીર ઇજા પહોંચતા તે નીચે ફસડાઈ પડયો હતો. ત્યારે ગોરસિંગ તડવીનું નિલેશે ગળુ દબાવી તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો. ત્યારબાદ એક પેન્ડલ રીક્ષામાં તેની લાશ નાંખી તરસાલી બાયપાસ સર્વીસ રોડથી ભાલીયાપુરા ગામ જતા ભેસાસુર મંદિર રોડ ઉપર પ્રીત ટેનામેન્ટની બાજુમાં જનક બેન રાજુભાઇ ભરવાડના ભોગવટા વાળા ખેતરમાં અગરબત્તી બનાવવાના ખાલી બીબા પાસે ફેકીને ભાગી ગયો હતો. દરમિયાન કપુરાઈ પોલીસને 13 જૂનના રોજ લાશ મળી આવી હતી. જેથી એલસીબી ઝોન 3 અને કપુરાઈ પોલીસની ટીમે સંયુક્ત રીતે આસપાસમાં લગાવેલા સીસીટીવી કેમેરા તથા લોકોની પૂછપરછ શરૂ કરવામાં આવી હતી. દરમિયાન નિલેશ કાંતિ રાઠોડિયા (રહે. ગામ કારેણા, મીયાગામ, તા.આમોદ, જી.ભરૂચ) ને શંકાસ્પદ તરીકે ઝડપી પાડ્યો હતો. ત્યારબાદ તેની કડકાઈથી તેની પૂછપરછ શરૂ કરી હતી ત્યારે નિલેશ રાઠોડિયાએ ગોરસિંગ તડવીના તેની માતા સાથે પ્રેમ સંબંધ હોવાની આશંકાએ તેને મોતને ઘાટ ઉતારી દીધો હોવાની કબુલાત કરી હતી. જેથી પોલીસે હત્યાનો ગુનો નોંધીને નિલેશ રાઠોડિયાની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.