રેલી યોજી વિદ્યાર્થીઓનું MSUની હેડ ઓફિસ ખાતે વિરોધ પ્રદર્શન

( પ્રતિનિધિ )વડોદરા,તા.21
જીકાસ પોર્ટલના આવનારા વર્ષથી નીજી વિશ્વવિદ્યાલયનો સમાવેશ કરવા તેમજ ચાલુ વર્ષે મોક રાઉન્ડ થકી પ્રવેશ પ્રક્રિયા ત્વરિત પૂર્ણ કરવાની માંગણી સાથે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા રેલી યોજી એમ.એસ.યુનિવર્સિટીની હેડ ઓફિસ ખાતે ઉગ્ર સુત્રોચાર પોકારી રજીસ્ટારને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી.

વડોદરા શહેરની એમએસ યુનિવર્સિટીમાં કોમન એક્ટ લાગુ થયા બાદ પ્રવેશ પ્રક્રિયામાં વિદ્યાર્થીઓને ઘણી હલાકી પડી રહી છે જ્યારે તેની સીધી અસર ચાલુ વર્ષે પ્રવેશમાં જોવા મળી છે વિવિધ ફેકલ્ટીઓમાં મોટાભાગની બેઠકો ખાલી જોવા મળી છે.ત્યારે એમ.એસ. યુનિવર્સિટીના વિદ્યાર્થી સંગઠન અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા જીકાસ પોર્ટલમાં આવનારા વર્ષોથી વિશ્વવિદ્યાલયનો પણ સમાવેશ કરવા સાથે જ ચાલુ વર્ષે મોક રાઉન્ડ થકી પ્રવેશ પ્રક્રિયા પરિત પૂર્ણ કરવાની માંગણી સાથે યુનિવર્સિટીની હેડ ઓફિસ ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થી સંગઠને માંગ કરી હતી કે, નિજી વિશ્વવિધાલયોની પ્રવેશ પ્રક્રિયાને પણ પારદર્શી બનાવવા તથા રાજ્ય વિશ્વવિધાલયો અને નિજી વિશ્વવિધાલયોને સમાન તકો મળે તે સુનિશ્ચિત કરવા, આવનાર શૈક્ષણિક વર્ષથી રાજ્યની તમામ નિજી વિશ્વવિધાલયોને GCAS પોર્ટલ અંતર્ગત પ્રવેશ પ્રક્રિયા હેતુ આવરી લેવામાં આવે. ચાલુ શૈક્ષણિક વર્ષની પ્રક્રિયામાં મોક રાઉન્ડ ઉમેરો વિધાર્થીઓને કોલેજોની અંતિમ પસંદગી કરવાનો વિકલ્પ આપવામાં આવે, પ્રવેશ પ્રક્રિયા સરળ બનાવી, વધુ વિલંબ અટકાવી, ત્વરિત સમાપ્ત કરવામાં આવે. ઘણી વિશ્વવિધાલયોના અનુસ્નાતક અભ્યાસક્રમોના પરિણામો હજુ બાકી હોવાથી, વિધાર્થીઓને સ્નાતકોતર અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવો મુશ્કેલ પડે છે, જેથી ત્વરિત પણે આવી વિશ્વવિધાલયોમાં પરિણામ જાહેર કરવામાં આવે તેવી રજૂઆત યુનિવર્સિટીના રજીસ્ટર ડો.કે.એમ ચુડાસમાને કરવામાં આવી હતી
